ઓડિશામાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં પૂરનું ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે. આ ભયાનક સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે, જેના ભાગરૂપે અત્યાર સુધીમાં 70,000 થી વધુ લોકોને પ્રભાવિત વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકો માટે કુલ ૩૯૫ રાહત શિબિરો શરૂ કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી સ્થિતિનું જાતનિરીક્ષણ કરવા માટે દક્ષિણ ઓડિશાના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે.

13 જિલ્લાઓમાં ભારે પૂરની પરિસ્થિતિ

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓડિશાના 13 જિલ્લાઓમાં અચાનક પૂર અને પાણી ભરાવાની ગંભીર ઘટનાઓ સામે આવી છે. આ પ્રભાવિત જિલ્લાઓમાં બાલાસોર, ભદ્રક, જાજપુર, મયુરભંજ, કાલાહાંડી, કોરાપુટ, નબરંગપુર, મલકાનગિરી, કેઓંઝર, નયાગઢ, કંધમાલ, બોલાંગીર અને જગતસિંહપુરનો સમાવેશ થાય છે. દરિયાકાંઠાના બાલાસોર જિલ્લામાં પરિસ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે, જ્યાં સુબર્ણરેખા, બુધાબલંગ, કંસબંસા અને સોઆ જેવી મુખ્ય નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. જલેશ્વરના રાજઘાટ ખાતે સુબર્ણરેખા નદીનું પાણીનું સ્તર ભયજનક સપાટીને વટાવી ગયું છે, જેના કારણે ભોગરાઈ, બસ્તા અને બાલિયાપાલ બ્લોકના અનેક ગામડાઓ જળમગ્ન થયા છે.

ભારે વરસાદને કારણે દેવકુંડ પર્યટન સ્થળ બંધ કરાયું

મયુરભંજ જિલ્લામાં પણ સિમિલિપાલ રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે આવેલા પ્રખ્યાત દેવકુંડ પર્યટન સ્થળને કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે. અહીં નાળાઓનું પાણી વધવાથી અનેક પુલ અને કલ્વર્ટ ધોવાઈ ગયા છે. આ તરફ, જળાશયોમાં પાણીનું સ્તર નિયંત્રિત કરવા માટે પ્રશાસને હીરાકુડ ડેમના વધુ દરવાજા ખોલવાની ફરજ પડી છે. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીએ જણાવ્યું હતું કે છત્તીસગઢમાં મહાનદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હીરાકુડ ડેમના કુલ ૧૬ દરવાજા ખોલવામાં આવ્યા છે.

હવામાન વિભાગની ચેતવણી

હવામાન વિભાગની ચેતવણીને પગલે પૂરગ્રસ્ત અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સંપૂર્ણ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો પૂરની આ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સઘન પ્રયાસો કરી રહી છે.

આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ 100ને પાર, શું પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને?