જૂની પેન્શન યોજના એટલે કે OPSની બહાલી માટે લાંબા સમયથી સરકારી કર્મચારીઓ દ્વારા માગ કરવામાં આવી રહી છે. જોકે, કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટ કર્યું છે કે હાલ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે OPS પુનઃસ્થાપિત કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી.

NPSનું કરોડોનું ફંડ રાજ્યોને પરત નહીં મળે

કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં આપેલા જવાબમાં જણાવ્યું કે National Pension System (NPS) અથવા Unified Pension Scheme (UPS) હેઠળ આવતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે OPS ફરી લાગુ કરવાની હાલ કોઈ યોજના નથી. સંસદીય જવાબ મુજબ, રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશે પોતાના રાજ્ય કર્મચારીઓ માટે OPS ફરી શરૂ કરવાનો નિર્ણય PFRDAને જણાવ્યો છે. જોકે, NPS હેઠળ જમા થયેલા કર્મચારી અને સરકારના યોગદાન તથા તેના પર મળેલા રિટર્ન સહિતના સંચિત ફંડને રાજ્યોને પરત કરવાની હાલની કાયદાકીય જોગવાઈ નથી. 

OPS અને NPSમાં શું તફાવત?

OPSમાં નિવૃત્તિ બાદ નિર્ધારિત પેન્શન મળતી હોય છે અને તેનો ખર્ચ મુખ્યત્વે સરકાર ઉઠાવે છે. બીજી તરફ NPS એક યોગદાન આધારિત પેન્શન વ્યવસ્થા છે, જેમાં કર્મચારી અને સરકાર બંને યોગદાન આપે છે. નિવૃત્તિ સમયે મળતા લાભો જમા રકમ અને રોકાણના વળતર સાથે જોડાયેલા હોય છે. સરકારના આ જવાબથી સ્પષ્ટ થયું છે કે કેન્દ્ર હાલ NPS/UPS વ્યવસ્થાને જ ચાલુ રાખવા તરફ છે. OPSની માગ કરી રહેલા કર્મચારીઓ માટે આ નિર્ણય મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : Mamata Banerjee Attack: મમતા બેનર્જી પર થયેલા હુમલા અંગે Mahua Moitraએ ટીપ્પણી કરતા રાજકારણ ગરમાયું