સંસદના ચાલુ ચોમાસુ સત્ર દરમિયાન 'એક દેશ, એક ચૂંટણી' મુદ્દે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. અગાઉ એવી અટકળો ચાલી રહી હતી કે કેન્દ્ર સરકાર આ સત્રમાં બંધારણીય સુધારા સાથે જોડાયેલું બિલ રજૂ કરી શકે છે. જોકે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ બિલ હાલના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં અને તેના પર કોઈ ચર્ચા પણ નહીં થાય.

સંયુક્ત સંસદીય સમિતિના કાર્યકાળમાં વધારો કરવામાં આવ્યો

આ બિલની તપાસ માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ના કાર્યકાળમાં વધારો કરવામાં આવ્યો છે. સમિતિને હવે પોતાની અંતિમ રિપોર્ટ સંસદના શિયાળુ સત્રના છેલ્લા સપ્તાહના પ્રથમ દિવસે રજૂ કરવાની સમયમર્યાદા આપવામાં આવી છે. કાર્યકાળ લંબાતા હવે સ્પષ્ટ બન્યું છે કે હાલના સત્રમાં JPC પોતાની રિપોર્ટ રજૂ કરશે નહીં. આ નિર્ણયથી 'એક દેશ, એક ચૂંટણી' સંબંધિત કાયદાકીય પ્રક્રિયા પણ આગળ ધપશે નહીં. હવે સમિતિનો અહેવાલ રજૂ થયા બાદ જ સરકાર આગામી પગલાં ભરી શકશે. એટલે કે, આ મહત્વાકાંક્ષી સુધારા અંગેની ચર્ચા અને સંભવિત બિલ પરની કાર્યવાહી હવે શિયાળુ સત્ર દરમિયાન થવાની શક્યતા છે.

વહીવટી તંત્ર પરનો બોજ ઓછો થશે

'એક દેશ, એક ચૂંટણી'નો પ્રસ્તાવ દેશમાં લોકસભા અને તમામ રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાનો છે. સરકારનું માનવું છે કે આ વ્યવસ્થાથી ચૂંટણીનો ખર્ચ ઘટશે, વહીવટી તંત્ર પરનો બોજ ઓછો થશે અને વિકાસ કાર્યોમાં સતતતા રહેશે. બીજી તરફ, વિરોધ પક્ષો અને કેટલાક નિષ્ણાતોએ આ પ્રસ્તાવ અંગે વિવિધ બંધારણીય અને વ્યવહારુ પ્રશ્નો પણ ઉઠાવ્યા છે. હવે સૌની નજર JPCની રિપોર્ટ અને શિયાળુ સત્રમાં સરકારના આગામી નિર્ણય પર રહેશે.

આ પણ વાંચો : Airport Charges: એરપોર્ટ પર લાગનારા ચાર્જ અંગે સરકારનું મોટું પગલું, હવે બદલાશે અનેક નિયમો