ભારતીય સેનાએ કાશ્મીર ખીણના સરહદી વિસ્તારોમાં સ્થાનિક લોકો અને સેનાના પૂર્વ સૈનિકોની આંખોની સારવાર માટે મોટા મેડિકલ કેમ્પની શરૂઆત કરી છે. "ઓપરેશન દૃષ્ટિ" નામની આ 7 દિવસની ખાસ તબીબી પહેલ 2 તબક્કામાં તંગધાર અને શ્રીનગરમાં યોજાશે, જેમાં 400 દર્દીઓની સારવાર કરવામાં આવશે.

ભારતીય સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમ અંતર્ગત 23થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન મોતિયાના ઓપરેશનનો કેમ્પ યોજાશે. તેમાં તંગધારના દૂરના અને મુશ્કેલ વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ નાગરિકો અને પૂર્વ સૈનિકોને આંખોની સારી સારવારની સુવિધા આપવામાં આવશે.

સેના પ્રમુખ પણ જોડાશે

સેના પ્રમુખ જનરલ ધીરજ સેઠ 25 સપ્ટેમ્બરે તંગધારમાં મુખ્ય મહેમાન તરીકે કાર્યક્રમમાં જોડાશે. આ કાર્યક્રમ ચિનાર કોર્પ્સની દેખરેખ હેઠળ અને આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસિસના મહાનિદેશાલયના સહયોગથી યોજાશે.

અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલની શરૂઆત 92 બેઝ હોસ્પિટલ દ્વારા તંગધાર, ઉરી, બાંદીપોરા, ખાનાબલ, કંગન, દાવર અને બારામુલા જેવા અનેક દૂરના વિસ્તારોમાં મોટા પાયે તપાસ કેમ્પ યોજીને કરવામાં આવી હતી. આ કેમ્પ દ્વારા મોતિયાના ઓપરેશન માટે 400 દર્દીઓની ઓળખ કરીને તેમની પસંદગી કરવામાં આવી છે.

નવી દિલ્હીથી ખાસ સર્જરી ટીમ પહોંચશે

આ કાર્યક્રમની તૈયારી માટે નવી દિલ્હીની જાણીતી આર્મી હોસ્પિટલ રિસર્ચ એન્ડ રેફરલમાંથી ખાસ સર્જરી ટીમને બોલાવવામાં આવી છે. આ ટીમનું નેતૃત્વ નેત્રરોગ વિભાગના વડા બ્રિગેડિયર ડૉ. સંજય કુમાર મિશ્રા કરી રહ્યા છે.

મોતિયાના મફત અને સારી સારવાર માટે આધુનિક તપાસ સાધનો અને માઇક્રો સર્જરીની સુવિધા પહેલેથી જ તૈયાર કરવામાં આવી છે. આ ખાસ સર્જરી ટીમ 92 બેઝ હોસ્પિટલ અને વિવિધ તબીબી તથા અન્ય એકમો સાથે મળીને ઓપરેશન કરશે.

'ઓપરેશન દૃષ્ટિ'થી લોકોને મળશે સારવાર

આ આંખોનો કેમ્પ 2 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 24 અને 25 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાશે. તેમાં તંગધારની 328 ફિલ્ડ હોસ્પિટલમાં 200 દર્દીઓના મોતિયાના ઓપરેશન કરવામાં આવશે. આ હોસ્પિટલ ખાસ છે કારણ કે અહીંના ઓપરેશન થિયેટર જમીનની નીચે બનાવવામાં આવેલા ફોરવર્ડ સર્જિકલ સેન્ટર છે. દુશ્મનની ચોકીઓ તરફથી થતી ગોળીબાર અને નિશાન બનાવીને કરવામાં આવતા હુમલાથી સુરક્ષિત રહેવા માટે આ સેન્ટર બનાવવામાં આવ્યા છે.

આ તબીબી પહેલનો બીજો તબક્કો 28 અને 29 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાશે. તેમાં શ્રીનગરના BB કેન્ટોનમેન્ટ સ્થિત 92 બેઝ હોસ્પિટલમાં 200 દર્દીઓના ઓપરેશન કરવામાં આવશે.

ભારતીય સેનાનું કહેવું છે કે 'ઓપરેશન દૃષ્ટિ' દ્વારા સ્થાનિક લોકોના ઘર સુધી સારી તબીબી સુવિધા પહોંચાડવામાં આવી રહી છે. આ પહેલથી દૂરના અને અલગ પડેલા વિસ્તારોમાં આંખોની ખાસ સારવારની ઓછી સુવિધાની સમસ્યા દૂર કરવામાં મદદ મળશે.

આ કેમ્પ 'ઓપરેશન સદભાવના' અંતર્ગત આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે ભારતીય સેનાની સતત પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે. સાથે જ આ પહેલ કાશ્મીર ખીણના લોકો અને સુરક્ષા દળો વચ્ચેના સારા સંબંધોને વધુ મજબૂત બનાવવામાં પણ મદદ કરશે.