ભારતીય તપાસ એજન્સીઓએ વિદેશમાં બેસીને ભારતમાં ડ્રગ્સ ટેરર અને સંગઠિત ગુનાખોરી ચલાવતા માફિયાઓ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય અભિયાન 'ઓપરેશન ગ્લોબલ હન્ટ' શરૂ કર્યું છે. આ મિશન હેઠળ NCB, CBI, ED અને NIA જેવી કેન્દ્રીય એજન્સીઓ ઈન્ટરપોલ સાથે મળીને 100 જેટલા ફરાર ગુનેગારોને ભારત પાછા લાવવા માટે કામ કરી રહી છે.

ડ્રગ્સ અને સાયબર ગુનેગારો પર ગાળિયો

આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ, સાયબર ગુનેગારો અને આર્થિક અપરાધીઓને પકડવાનો છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, ઘણા ગુનેગારો વિદેશમાં રહીને ભારતમાં ડ્રગ્સની સપ્લાય અને આર્થિક છેતરપિંડીના નેટવર્કનું સંચાલન કરે છે. તાજેતરમાં જ દાઉદ ઈબ્રાહિમના નજીકના સાથી સલીમ ડોલાને તુર્કીથી ડિપોર્ટ કરીને ભારત લાવવામાં સફળતા મળી છે.

રડાર પર રહેલા મુખ્ય ગુનેગારો

તપાસ એજન્સીઓએ 11 જેટલા મોટા નામોની યાદી તૈયાર કરી છે જેઓ હાલમાં એજન્સીઓના રડાર પર છે. જેમાં આસિફ ઈકબાલ મેમણ, હાજી સલીમ, ટિસન બિશ્નોઈ અને હરમીત સિંહ જેવા નામ સામેલ છે. આ ગુનેગારોનું લોકેશન ટ્રેસ કરવા માટે ઈન્ટરપોલની 'સિલ્વર નોટિસ'નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

વધતી જતી કાર્યવાહી

સરકારી આંકડાઓ મુજબ, 2025માં અંદાજે 1.33 લાખ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 5 જેટલા ફરાર ગુનેગારોને ભારત પરત લાવવામાં સફળતા મળી છે અને આગામી સમયમાં આ ઓપરેશન હેઠળ વધુ ધરપકડો થવાની શક્યતા છે.

આ પણ વાંચો:Pakistan: પાકિસ્તાનમાં આતંકીઓનો ખાતમો, એક અઠવાડિયામાં 3 મોટા આતંકી ઠાર