રાતના અંધકારમાં એક બાળક અચાનક ચીસ પાડે છે. થોડા મહિના પહેલાં સુધી જે બાળક હસતું-રમતું હતું, આજે તેની આંખોમાં ઓળખ નથી, અવાજમાં ભય છે અને શરીર પર કોઈનો કાબૂ નથી. ઘરના ખૂણે લોખંડની સાંકળ બંધાયેલી છે—કોઈ ગુનેગાર માટે નહીં, પરંતુ એક માસૂમ બાળક માટે. ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના ગામડાઓમાં આ દ્રશ્ય અસામાન્ય નથી, પરંતુ રોજની હકીકત બની ગયું છે. અહીં એક અદૃશ્ય બીમારી બાળકોનું બાળપણ છીનવી રહી છે અને કોઈને હજુ સુધી ખબર નથી કે આવું કેમ થઈ રહ્યું છે.


ઉત્તર પ્રદેશની હાલની સ્થિતિ

ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં હાલ જે બન્યું છે, તે માત્ર એક સ્વાસ્થ્ય સંકટ નથી, પરંતુ માનવ સંવેદનાને ઝંઝોડીને મૂકી દે એવો કિસ્સો છે. અહીંના લગભગ 12 ગામોમાં બાળકો એક એવા રહસ્યમય રોગનો ભોગ બની રહ્યા છે, જે તેમની જિંદગી શરૂ થાય તે પહેલાં જ તેમને જીવનભર માટે અપંગ બનાવી દે છે.

4 થી 6 મહિના પછી અચાનક શું થાય ?

આ ગામોમાં જન્મ લેતા મોટાભાગના બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ હોય છે. માતા-પિતા ખુશ હોય છે, ભવિષ્યના સપના જોવે છે. પરંતુ 4 થી 6 મહિના પછી અચાનક એક દિવસ બાળકને ભારે તાવ આવે છે. આ તાવ સામાન્ય નથી. થોડા દિવસોમાં જ બાળકનું શરીર અને મગજ બંને અસરગ્રસ્ત થવા લાગે છે. ધીમે ધીમે બાળક ચાલવાની, બોલવાની અને ઓળખવાની ક્ષમતા ગુમાવી દે છે.

અહિંયા પણ આ રોગ !

ફતેહુલ્લાહપુર, બહાદીપુર, હરિહરપુર, હાલા, છોટી જાંગીપુર, શિકારપુર, ધારી કલા, અગસ્થ, ભોરાહા, ભીક્કેપુર અને રાથુલી જેવા ગામોમાં આ વાર્તા લગભગ દરેક ગલીમાં સાંભળવા મળે છે. ઘણા પરિવારો એવા છે જ્યાં એક નહીં, બે-બે બાળકો આ રોગના શિકાર બન્યા છે. કેટલાક ઘરોમાં તો 8 થી 10 બાળકો માનસિક રીતે અક્ષમ હાલતમાં જોવા મળે છે. પરિસ્થિતિ અહીં એટલી ભયાનક છે કે માતા-પિતાને પોતાના જ બાળકોને દોરડા કે લોખંડની સાંકળોથી બાંધવા પડે છે. કારણ કે બાળકો માનસિક સંતુલન ગુમાવી દે છે, ભાગી જવાની કે પોતાને અને બીજાને નુકસાન પહોંચાડવાની શક્યતા રહે છે. આ કોઈ ક્રૂરતા નથી, પરંતુ માતા-પિતાની અતિશય લાચારી છે.

દીકરીઓની સારવાર માટે બલિદાન

એક પિતા ગુજરાતમાં મજૂરી કરે છે. તેઓ ઘરે આવવાનું ટાળે છે, કારણ કે મુસાફરીના પૈસા બચાવીને દીકરીઓની સારવાર માટે ઉપયોગ કરવા માંગે છે. લાખો રૂપિયા ખર્ચાઈ ગયા, પરંતુ હજુ સુધી કોઈ ડોક્ટર ચોક્કસ કહી શક્યું નથી કે આ રોગ છે શું. કોઈ વાયરસ? કોઈ જન્ય બીમારી? કે કોઈ પર્યાવરણ સંબંધિત ઝેર? આ સમસ્યાને સમાજ સમક્ષ લાવવાનો પ્રયાસ “નેશનલ યુથ એવોર્ડ” વિજેતા સિદ્ધાર્થ રાયે કર્યો. શરૂઆતમાં તેમણે જિલ્લા પ્રશાસનને પત્ર લખ્યો. આરોગ્ય વિભાગે માત્ર એક શિબિર યોજી, પરંતુ સમસ્યાની ઊંડાઈ સમજાયા પછી તેમણે સીધા રાજ્યપાલ આનંદીબેન પટેલનો સંપર્ક કર્યો.

આ મુદ્દાને ગંભીરતાથી લીધો

રાજ્યપાલની કચેરીએ આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. ખાસ ફરજ પરના અધિકારી ડૉ.એ જિલ્લા મેજિસ્ટ્રેટને કડક સૂચનાઓ આપી છે કે સમગ્ર મામલે વિગતવાર તપાસ કરી રિપોર્ટ રજૂ કરવામાં આવે. હવે આરોગ્ય નિષ્ણાતોની ટીમ ગામોમાં જઈને સંશોધન કરવાની તૈયારીમાં છે. નિષ્ણાતો આ પરિસ્થિતિને જાપાનીઝ એન્સેફાલીટીસ અથવા કોઈ નવા ન્યુરોલોજીકલ ડિસઓર્ડર સાથે જોડી રહ્યા છે. પરંતુ સત્ય શું છે, તે હજુ અસ્પષ્ટ છે. ત્યાં સુધી આ માસૂમ બાળકો અને તેમના પરિવારનું ભવિષ્ય અંધકારમાં છે એવું કહી શક્યા.

આ પણ વાંચો : Maharashtraની રાજનીતિના ‘ધુરંધર’ બન્યા દેવેન્દ્ર ફડણવીસ, મુંબઈમાં છવાયા CMના પોસ્ટર


  • Follow us on: