સંસદનું ચોમાસુ સત્ર સમાપ્ત થઇ ગયુ છે.  લોકસભાની જેમ રાજ્યસભા પણ અનિશ્ચિત સમય માટે સ્થગિત થઇ ગઇ છે.   રાજ્યસભામાં પણ આખું વંદે માતરમ ગાવામાં આવ્યું હતું. ત્યારબાદ ગૃહની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. 

રાજ્યસભામાં બિલ પસાર  

રાજ્યસભામાં ખાણ અને ખનિજ (વિકાસ અને નિયમન) સુધારા બિલ, 2026 પસાર કરવામાં આવ્યું છે.

આ મુદ્દાઓ પર વિપક્ષ વચ્ચે ઘર્ષણ

20  જુલાઈથી શરૂ થયેલું સત્ર આજે 13 ઓગસ્ટ ના રોજ પૂર્ણ થયુ છે. લોકસભાની કાર્યવાહી કોઈપણ ચર્ચા વિના અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી. શરૂઆતથી જ, વિપક્ષી પક્ષોએ બે મુખ્ય મુદ્દાઓ પર ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો. પહેલો મુદ્દો દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીનો હતો.  વિપક્ષે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના વિરોધ દરમિયાન દિલ્હી પોલીસની કાર્યવાહી તેમાં પણ ખાસ કરીને લાઠીચાર્જ અને પેલેટ ગનનો કથિત ઉપયોગનો ઉઠાવ્યો હતો. આ અંગે ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી. બીજો મુદ્દો અયોધ્યા રામ મંદિરમાં પ્રસાદની ચોરીનો હતો; વિપક્ષે આ બાબતે પણ સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.

બંને ગૃહોની કામગીરી સ્થગિત રહી 

સત્ર દરમ્યાન બંને ગૃહોમાં વારંવાર સ્થગિત રહેવાના કારણે કાર્યવાહી ચાલુ રહી. મોટાભાગના દિવસોમાં પ્રશ્નકાળ અને શૂન્યકાળ થઈ શક્યા નહીં. લોકસભામાં ફક્ત 16 ટકા અને રાજ્યસભામાં આશરે 31  ટકા કામકાજ થયું હતું. હંગામાને કારણે ઘણા કલાકો સુધી કાયદાકીય કામગીરી ખોરવાઈ ગઈ હતી.

વિક્ષેપો છતાં  સરકારે બહુમતીનો ઉપયોગ કરીને અનેક બિલો પસાર કર્યા. આમાં પેપર લીક વિરોધી બિલ, કરવેરા સુધારા બિલ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારવા માટેનું બિલ, MSME સુધારા બિલ અને ટ્રિબ્યુનલ્સ રિફોર્મ્સ બિલ જેવા મુખ્ય કાયદાઓનો સમાવેશ થાય છે.

આમાંના મોટાભાગના બિલો વિગતવાર ચર્ચા વિના ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યા હતા. જો કે  કેટલાક મહત્વપૂર્ણ બિલો - જેમ કે FCRA સુધારા બિલ અને સીમાંકન સંબંધિત કાયદો પેન્ડિંગ રહ્યા.

અમિત શાહ જવાબ આપવા તૈયાર થયા પણ વિપક્ષનો વિરોધ 

તો વિપક્ષની માગ મુજબ સરકારે ચર્ચા કરવા તૈયારી બતાવી પરંતુ વિપક્ષે હોબાળો યથાવત જ રાખ્યો.   એક દિવસ પહેલા, ગૃહમંત્રી અમિત શાહે ચર્ચા કરવાની ઓફર પણ કરી હતી, છતાં વિરોધ ચાલુ રહ્યો. સત્રના અંતિમ દિવસે પણ હોબાળો ચાલુ રહ્યો. આખરે, ચોમાસુ સત્રના સમાપન સાથે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી. છેલ્લા દિવસે પીએમ પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગૃહમાં હાજર હતા. આ સત્ર તાજેતરના વર્ષોમાં સૌથી વધુ વિક્ષેપિત સત્રોમાંનું એક છે. જ્યારે કાયદાકીય કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે સંસદીય ચર્ચા અને જવાબદારી માટે અનુકૂળ વાતાવરણ મોટાભાગે ગેરહાજર હતું.

આ પણ વાંચો- Parliament Monsoon Session: લોકસભા અનિશ્ચિતકાળ સુધી સ્થગિત, સંસદ પરિસરમાં પક્ષ અને વિપક્ષના દેખાવો