લખનૌના ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે સવારે એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX 193 માં ટેકનિકલ ખામી જોવા મળતા હોબાળો મચી ગયો. આ ફ્લાઇટ સવારે 8:45 વાગ્યે દુબઈ જવા માટે ઉડાન ભરવાની હતી, પરંતુ એન્જિન શરૂ થતાં જ ટેકનિકલ ખામી દેખાતા પાયલોટે ઉડાન ભરવાનો ઇનકાર કરી દીધો.
વિમાનમાં 168 લોકો હતા સવાર
વિમાનમાં 160 મુસાફરો અને 8 ક્રૂ સભ્યો થઈને કુલ 168 લોકો સવાર હતા. પાયલટને ટેકનિકલ ખામીનો અંદાજ આવતા જ તેણે તાત્કાલિક એરલાઇનના અધિકારીઓ અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને જાણ કરી. ત્યારબાદ મુસાફરોને ફ્લાઇટમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા અને તમામ સલામતી ધોરણોને પ્રાથમિકતા આપવામાં આવી.
એરલાઇન દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક પેસેન્જર્સને તાત્કાલિક પૈસા પરત કરવામાં આવ્યા છે, જ્યારે નજીકની હોટલમાં અન્ય મુસાફરોને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ટેકનિકલ ટીમ વિમાનમાં ટેકનિકલ ખામી સુધારી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં અન્ય ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવશે
મુસાફરોની ચિંતા વધી
ફ્લાઇટમાં ઘણા મુસાફરો તેમની આગામી મુસાફરીની યોજનાઓ વિશે ચિંતિત દેખાયા હતા, પરંતુ એરલાઇન દ્વારા ઝડપી વ્યવસ્થા કરવામાં આવતા પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી. હાલમાં, એર ઇન્ડિયા એક્સપ્રેસ અને ડીજીસીએની ટીમ સમગ્ર મામલાની ટેકનિકલ તપાસ કરી રહી છે. એરપોર્ટ પર સામાન્ય ફ્લાઇટ કામગીરી ચાલુ છે.