બિહારમાં NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી સામે યોજાયેલા બિહાર બંધ દરમિયાન થયેલા વિરોધ પ્રદર્શનના કેસમાં જનશક્તિ જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવની ધરપકડ કરવામાં આવી છે. પટણા પોલીસે તેમને કોર્ટમાં રજૂ કર્યા બાદ મેજિસ્ટ્રેટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. તેમના રાજકીય જીવનમાં આ પ્રથમ પ્રસંગ છે જ્યારે તેમને જેલ જવું પડ્યું છે.

શનિવારે બિહાર બંધનું એલાન હતુ

મળતી માહિતી અનુસાર, NEET પેપર લીક અને પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં શનિવારે બિહાર બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું. આ બંધને અનેક વિદ્યાર્થી સંગઠનો અને રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું હતું. તેજ પ્રતાપ યાદવ પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં પટણાના રામગુલામ ચોક ખાતે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે રસ્તા પર ધરણા પર બેઠા હતા.

તેજ પ્રતાપ યાદવને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા

ત્યારબાદ તેજ પ્રતાપ યાદવ અને તેમના સમર્થકોએ રામગુલામ ચોકથી ડાક બંગલા ચૌક તરફ કૂચ શરૂ કરી હતી. જોકે, એક્ઝિબિશન રોડ નજીક પોલીસે તેમને રોકી દીધા હતા. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે તંગદિલી સર્જાઈ હતી અને ત્યારબાદ તેજ પ્રતાપ યાદવને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

સિટી સેન્ટર મોલ ખાતે જોવા મળ્યા હતા,  ફરી તેમની ધરપકડ કરી હતી

પ્રાથમિક અટકાયત બાદ સાંજે તેજ પ્રતાપ યાદવ પટણાના સિટી સેન્ટર મોલ ખાતે જોવા મળ્યા હતા. આ દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી પોલીસ ટીમે ફરી તેમની ધરપકડ કરી હતી. શરૂઆતમાં તેમણે પોતાની કારમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ સમજાવ્યા બાદ તેઓ પોલીસના વાહનમાં બેઠા હતા.

પોલીસે તેજ પ્રતાપ યાદવ સામે કાયદો અને વ્યવસ્થા ભંગ કરવાનો પ્રયાસ, સમર્થકોને ઉશ્કેરવાના આરોપ, સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરવો તેમજ હિંસક પ્રદર્શનને પ્રોત્સાહન આપવા સહિતના વિવિધ ગુનાઓ નોંધ્યા છે. પોલીસે દાવો કર્યો છે કે વિદ્યાર્થી આંદોલન દરમિયાન કેટલીક જગ્યાએ હિંસક ઘટનાઓ પણ બની હતી, જેના આધારે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

શનિવારે મોડી રાત્રે પટણા પોલીસ દ્વારા તેમને સિટી સેન્ટર મોલ નજીકથી સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા, જ્યાંથી 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં બેઉર સેન્ટ્રલ જેલમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો.

આ કાર્યવાહી બાદ બિહારની રાજનીતિમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. એક તરફ પોલીસ પોતાની કાર્યવાહી કાયદેસર ગણાવી રહી છે, જ્યારે બીજી તરફ વિરોધ પક્ષો આ કાર્યવાહી ને રાજકીય બદલો ગણાવી રહ્યા છે. NEET પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓમાં પહેલેથી જ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને હવે તેજ પ્રતાપ યાદવની ધરપકડ બાદ આ મુદ્દો વધુ રાજકીય બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બિહાર બંધ દરમિયાન થયેલા વિરોધ, પોલીસ કાર્યવાહી અને ત્યારબાદ થયેલી ધરપકડને લઈને આગામી દિવસોમાં રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો જોવા મળી શકે છે. હવે સૌની નજર આ કેસની કાનૂની કાર્યવાહી અને આગામી રાજકીય ઘટનાઓ પર રહેશે.