સોશિયલ મીડિયાના આ આધુનિક યુગમાં ફોલોઅર્સ અને સબ્સ્ક્રાઇબર્સ સરળતાથી મેળવી શકાય છે, પરંતુ તે જ પ્રમાણમાં મત મળશે તેની કોઈ ગેરંટી નથી હોતી. આ વાત રાજસ્થાન પંચાયત ચૂંટણીના પરિણામો પરથી ફરી એકવાર સાબિત થઈ છે. દેશના પ્રખ્યાત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પવન સાહુએ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદ માટે પોતાની પત્નીને મેદાનમાં ઉતારી હતી. તેમની મજબૂત સોશિયલ મીડિયા ફેન ફોલોઇંગ અને જોરદાર પ્રચારને કારણે વિજય સરળ લાગતો હતો, પરંતુ પરિણામોએ સ્પષ્ટ કરી દીધું કે ડિજિટલ ફોલોઅર્સ ક્યારેય મતોની ગેરંટી બની શકતા નથી.
27.7 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છતાં પત્નીની કારમી હાર
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પવન સાહુની પત્ની કોમલ સાહુ ભીલવાડા જિલ્લાના શાહપુરા પંચાયત સમિતિ હેઠળ આવતી ફૂલિયા ખુર્દ ગ્રામ પંચાયતમાંથી સરપંચ પદ માટે ચૂંટણી લડી રહી હતી. પવન સાહુના યુટ્યુબ પર 27.7 મિલિયન (આશરે 2.77 કરોડ) સબ્સ્ક્રાઇબર્સ અને ઇન્સ્ટાગ્રામ પર 7 મિલિયન (70 લાખ) ફોલોઅર્સ છે. તેઓ ફિટનેસ અને જીમ સંબંધિત વીડિયો માટે જાણીતા છે. પવને આ ચૂંટણી માટે રાત-દિવસ એક કરીને જોરશોરથી પ્રચાર કર્યો હતો, પરંતુ પરિણામ જાહેર થતાં જ કોમલ સાહુને માત્ર 277 મત મળ્યા હતા અને તેઓ ત્રીજા ક્રમે રહ્યા હતા.
ચૂંટણીના પરિણામો અને પંચાયતના લોકોનો મૂડ
આ ચૂંટણીમાં ભગવતીલાલ સોનીએ પોતાના નજીકના હરીફ અને ભૂતપૂર્વ સરપંચ કાલુરામ જાટને હરાવીને ફૂલિયા ખુર્દ ગ્રામ પંચાયત બેઠક પર વિજય મેળવ્યો હતો. ભગવતીલાલ સોનીને 1,203 મત અને કાલુરામ જાટને 797 મત મળ્યા હતા. સ્થાનીક લોકોના જણાવ્યા મુજબ, ચૂંટણી દરમિયાન પવન સાહુ પોતાના વ્યક્તિગત ખર્ચે ગામમાં હેન્ડપંપ અને ટ્યુબવેલ નંખાવી રહ્યા હતા તેમજ લોકોને મકાન બનાવવા માટે મદદ કરી રહ્યા હતા. આમ છતાં, પંચાયતના મતદારોએ તેમને મત આપવાનું ટાળ્યું હતું.
હાર બાદ પવન સાહુનું નિવેદન: "સરપંચનું પદ પૂરતું ન હતું"
ચૂંટણીમાં પત્નીની હાર બાદ પવન સાહુનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેઓ પોતાના સમર્થકો સાથે જોવા મળી રહ્યા છે. હાર સ્વીકારતા પવન સાહુએ કહ્યું: "અમારી પાસે પ્રચાર માટે ફક્ત પાંચ જ દિવસનો સમય હતો અને આ પાંચ દિવસમાં અમે જે પણ કર્યું તે ખૂબ જ ઉત્તમ હતું. મને લાગે છે કે અમે એક કઠિન સ્પર્ધા પૂરી કરી છે." તેમણે ઉમેર્યું હતું કે જીવનનો વ્યાપ ફક્ત સરપંચના પદ પૂરતો મર્યાદિત નથી. મારી સાથે મહેનત કરનારા તમામ સમર્થકોનો આભાર, અમે ફક્ત એક ચૂંટણી હારી ગયા છીએ, સરપંચનું પદ મારા માટે પૂરતું ન હતું.
આ પણ વાંચો : Sardar Patel Jayanti 2026: સરદાર પટેલે દેશનો ઇતિહાસ અને ભૂગોળ બદલ્યુ.. PM Modi અને અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ