પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના IP એક્સટેન્શન સ્થિત ઉત્સવ ગ્રાઉન્ડમાં વિજયાદશમીના કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે દેશવાસીઓને દશેરાની શુભેચ્છા પાઠવી અને ભગવાન શ્રીરામના જીવનમાંથી મળતી શીખ વિશે વાત કરી હતી. PM મોદીએ કહ્યું કે આજે દેશના દરેક ઘરમાં રામ છે અને વિજયાદશમી માત્ર તહેવાર નથી, પરંતુ ભારતની પ્રાણશક્તિ છે. તેમણે કહ્યું કે ભગવાન રામે માત્ર રાવણનો અંત નહોતો કર્યો, પરંતુ માનવતા માટે એવા આદર્શ સ્થાપિત કર્યા હતા, જે આજે પણ લોકોને સાચો રસ્તો બતાવે છે. PM મોદીએ રામરાજ્યનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સત્તાનો હેતુ માત્ર શાસન ચલાવવાનો નહીં, પરંતુ લોકોનું ભલું કરવાનો હોવો જોઈએ. 

https://x.com/ANI/status/2112535162965926215?s=20

‘આજે દેશના દરેક ઘરમાં રામ છે’

PM મોદીએ પોતાના સંબોધનની શરૂઆત ભગવાન શ્રીરામ, માતા જાનકી અને બજરંગબલીને નમન કરીને કરી હતી. તેમણે દેશવાસીઓને વિજયાદશમીની શુભેચ્છા આપતાં કહ્યું કે આજે દેશના ખૂણે-ખૂણે રામલીલાનું આયોજન થઈ રહ્યું છે અને લોકો અધર્મ પર ધર્મની જીતનો ઉત્સવ મનાવી રહ્યા છે.  તેમણે કહ્યું કે ભારત હજારો વર્ષોથી ભગવાન રામની પૂજા કરતું આવ્યું છે. તેનું કારણ માત્ર રાવણ પર તેમની જીત નથી, પરંતુ તેમણે માનવતાને આપેલા આદર્શો છે. PM મોદીના જણાવ્યા પ્રમાણે, ભગવાન રામે મુશ્કેલીઓનો સામનો કર્યો, પરંતુ સત્ય અને નીતિનો માર્ગ ક્યારેય છોડ્યો નહીં.

‘ભગવાન રામે સુશાસનનો રસ્તો બતાવ્યો’

PM મોદીએ કહ્યું કે ભગવાન રામના જીવનમાંથી સત્ય, ધીરજ, દયા, કરુણા અને સૌને સાથે લઈને ચાલવાની શીખ મળે છે. રાજગાદી મળવાની ખુશી હોય કે વનવાસ જવાનું દુઃખ, તેમણે દરેક પરિસ્થિતિમાં પોતાની ફરજ નિભાવી હતી.  તેમણે નિષાદરાજને ગળે લગાવવા અને માતા શબરીને સન્માન આપવાના પ્રસંગોનો ઉલ્લેખ કરીને કહ્યું કે ભગવાન રામે સમાજમાં પ્રેમ અને સૌહાર્દનો સંદેશ આપ્યો હતો. રાજા બન્યા પછી તેમણે એવું રામરાજ્ય સ્થાપિત કર્યું, જેને આજે પણ સારા શાસનના ઉદાહરણ તરીકે જોવામાં આવે છે.

https://x.com/ANI/status/2112534539390357895?s=20

‘સત્તાનો હેતુ જનકલ્યાણ હોવો જોઈએ’

PM મોદીએ રામરાજ્યનો અર્થ સમજાવતાં કહ્યું કે જ્યાં કોઈની સાથે ભેદભાવ ન થાય, દરેકને ન્યાય મળે અને સૌને આગળ વધવાની સમાન તક મળે, એવું શાસન હોવું જોઈએ.  તેમણે કહ્યું કે સરકારનો હેતુ માત્ર સત્તા ચલાવવાનો ન હોવો જોઈએ. લોકોનું ભલું કરવું અને ગરીબો તથા વંચિતોની સેવા કરવી સૌથી મહત્ત્વની છે. તેમણે લોકોને જનતાને સર્વોપરી માનીને કામ કરવાની વાત પણ કહી હતી.  PM મોદીએ ‘નાગરિક દેવો ભવ:’ના વિચારનો ઉલ્લેખ કરતાં કહ્યું કે લોકોની સેવા અને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવો જરૂરી છે.

‘મુશ્કેલીઓ આપણને રોકી શકતી નથી’

PM મોદીએ કહ્યું કે ભગવાન રામના જીવનમાંથી શીખ મળે છે કે સંકટ ગમે તેટલું મોટું હોય, તેનાથી ગભરાઈને બેસી રહેવું ન જોઈએ. પોતાની ક્ષમતા ઓળખીને સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ.  તેમણે સમુદ્ર પાર કરીને લંકા સુધી પહોંચવાના પ્રસંગનો ઉલ્લેખ કર્યો હતો. PM મોદીએ કહ્યું કે સામે મોટો પડકાર હોવા છતાં ભગવાન રામે સૌને સાથે જોડીને રસ્તો શોધ્યો હતો. તેમની વાતનો મુખ્ય સંદેશ એ હતો કે પોતાના સંસાધનો પર વિશ્વાસ અને લક્ષ્ય પ્રત્યે મક્કમ રહેવાથી મુશ્કેલ કામ પણ શક્ય બની શકે છે. 

‘શત્રુ ગમે તેટલો શક્તિશાળી હોય, જીત માનવતાની થાય છે’

PM મોદીએ વિજયાદશમીને હિંમત અને વિજયનો તહેવાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે સામેનો શત્રુ ગમે તેટલો શક્તિશાળી હોય, જો આપણે માનવતાની સાથે ઊભા રહીશું તો જીત આપણી થશે. તેમણે દેશના સન્માનને નુકસાન પહોંચાડનારા, સમાજમાં ભાગલા પાડનારા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે નફરત રાખનારા લોકો સામે એકતાથી ઊભા રહેવાની વાત કરી હતી. PM મોદીએ રાષ્ટ્રને પ્રથમ રાખીને સૌને સાથે ચાલવાનો સંકલ્પ લેવા પણ કહ્યું. 

‘ભારતની સંસ્કૃતિને દુનિયામાં ઓળખ મળી રહી છે’

PM મોદીએ પોતાના સંબોધનમાં ભારતની સાંસ્કૃતિક પરંપરાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતનાં સાંસ્કૃતિક કેન્દ્રો અને પરંપરાઓને દુનિયામાં ઓળખ મળી રહી છે. દિવાળીને યુનેસ્કોની માનવતાની સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન મળવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.  સંબોધનના અંતે PM મોદીએ ફરી એકવાર દેશવાસીઓને દશેરાની શુભેચ્છા પાઠવી હતી અને ‘જય સિયારામ’ તથા ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા.