BRICS Summit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બ્રિક્સ (BRICS) સમિટ માટે ભારત મંડપમ પહોંચી ગયા છે જ્યારે ભારત મંડપમમાં પીએમ મોદીએ પુતિનનું ઉષ્માભર્યુ સ્વાગત કરી પુતિનને પુસ્તક ભેટમાં આપ્યુ હતુ. અને આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અને પુતિન ગળે મળ્યા હતા. 


વડાપ્રધાન મોદીએ પુતિનને કઈ ભેટ આપી?

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને તમિલ સંત થિરુવલ્લુવર (Thirukkural) દ્વારા રચિત 'થિરુક્કુરલ'નો રશિયન અનુવાદ ભેટ આપ્યો. પુસ્તક અર્પણ કરતી વખતે, વડાપ્રધાન મોદીએ તેના મહત્વ વિશે વાત કરી અને જણાવ્યું કે તે સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવામાં ભૂમિકા ભજવશે. તેમણે ઉલ્લેખ કર્યો કે સંત થિરુવલ્લુવરે આ કૃતિમાં માનવ જીવનના વિવિધ પાસાઓનું નિરૂપણ કર્યું છે. વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ રશિયન અનુવાદ લોકો વચ્ચેના સંપર્કોને વધારવામાં અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવામાં મદદરૂપ થશે.

https://twitter.com/narendramodi/status/2098368517204754529


'તિરુક્કુરલ' એ તમિલ સાહિત્યનો અત્યંત આદરણીય દાર્શનિક ગ્રંથ છે. તમિલ સંસ્કૃતિમાં તેને 'જીવન માટેની આચારસંહિતા' અથવા 'તમિલ વેદ' તરીકે માનવામાં આવે છે. તિરુક્કુરલની રચના પ્રાચીન તમિલ કવિ અને દાર્શનિક-સંત તિરુવલ્લુવરે કરી હતી. ઇતિહાસકારો અને ભાષાશાસ્ત્રીઓના મતે તેની રચના ઈ.સ. પૂર્વે બીજી સદી અને ઈ.સ. પાંચમી સદીની વચ્ચેના સમયગાળામાં (સંગમ અને અનુ-સંગમ યુગ દરમિયાન) થઈ હોવાનું માનવામાં આવે છે.

'કુરાલ' શબ્દનો અર્થ બે પંક્તિઓવાળી ટૂંકી કવિતા (દુહો) થાય છે. આ સમગ્ર કૃતિ કુલ 133 પ્રકરણો અને 1330 દુહાઓની બનેલી છે. દરેક દુહો માત્ર સાત શબ્દોમાં ગહન અર્થ સમાવી લે છે. માનવ જીવનના ત્રણ મુખ્ય લક્ષ્યો (પુરુષાર્થો)ને આધારે 'તિરુક્કુરાલ'ને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, આજની મુલાકાતમાં પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને નેતાઓ વચ્ચેની દ્વિપક્ષીય વાતચીત દરમિયાન સુખોઈ-57 (Sukhoi-57) ફાઈટર જેટ અને અપગ્રેડેડ બ્રહ્મોસ (BrahMos) મિસાઈલ અંગેના સંભવિત સોદાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. મોદી અને પુતિન વચ્ચેની વાતચીતમાં S-400 એર ડિફેન્સ સિસ્ટમનો મુદ્દો પણ આવરી લેવામાં આવી શકે છે; રશિયા દ્વારા વિકસિત S-400 સિસ્ટમ ભારતમાં પહેલેથી જ કાર્યરત છે, અને ભારત બાકીના જથ્થાના પુરવઠા તથા જાળવણી (મેન્ટેનન્સ) સંબંધિત બાબતો અંગે રશિયા સાથે વધુ વાતચીત કરી શકે છે.


મોદી-પુતિન મુલાકાત ઉપરાંત, બ્રિક્સના અન્ય સભ્ય દેશોના પ્રતિનિધિઓ પણ આજે દિલ્હી પહોંચશે. તેમને શહેરની વિવિધ હોટલોમાં ઉતારો આપવામાં આવશે. તમામ સભ્ય દેશોના પ્રતિનિધિઓ 12-13 સપ્ટેમ્બરના રોજ ભારત મંડપમ ખાતે યોજાનારી બ્રિક્સ સમિટમાં ચર્ચા-વિચારણા કરશે, જેના માટે દિલ્હીમાં સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો: BRICS Summit વચ્ચે આગામી થોડાક કલાક દિલ્હી માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ