જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ આંદોલન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડી રાત્રે એક મહત્વપૂર્ણ વીડિયો સંદેશ જારી કર્યો છે. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "પેપર લીક એ કોઈ સામાન્ય વિષય નથી. આજે આ મામલે વધુ કડકમાં કડક કાર્યવાહી થશે.તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને માહિતી આપી કે પેપર લીકના દોષિતો સામે વધુ સખત કાર્યવાહી કરવા માટે કેબિનેટમાં ચર્ચા હાથ ધરવામાં આવશે.
સરકારે અનેક કડક પગલાં લીધાં
વિદ્યાર્થીઓને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, પાછલા અઢી મહિનામાં પેપર લીકની ઘટનાઓ સામે આવ્યા બાદ સરકારે અનેક કડક પગલાં લીધાં છે અને દોષિતોની ધરપકડ કરીને તેમને જેલ ભેગા કરવામાં આવ્યા છે. સરકારની પ્રાથમિકતા એ હતી કે વિદ્યાર્થીઓનું એક વર્ષ બગાડવું ન જોઈએ. તેથી ખૂબ જ ઓછા સમયમાં આશરે 22 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના પરિણામો ૧૯મી તારીખે જાહેર કરી દેવાયા છે.
https://twitter.com/narendramodi/status/2080357811662492096
'ફાસ્ટ ટ્રેક કોર્ટ' બનાવવાનો નિર્દેશ
વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે સરકાર માત્ર આટલી કાર્યવાહીથી સંતુષ્ટ નથી. તેમણે સંબંધિત વિભાગોને પેપર લીકના કેસો માટે 'ફાસ્ટ ટ્રેક કોર્ટ' બનાવવાનો નિર્દેશ આપ્યો હતો, જેનો ખરડો (મસૂદો) તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની સાથે દોષિતો માટે અત્યંત કડક સજાની જોગવાઈ છે. શુક્રવારે કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ આ વિધેયકને આગામી સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના બીજા સપ્તાહના સત્રમાં વહેલી તકે પસાર કરાવવાનો પ્રયાસ કરાશે.
શિક્ષણ વિભાગમાં મોટો ફેરફાર
દરમિયાન, કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ પદ પર મોટો ફેરફાર કર્યો છે. સિનિયર આઈએએસ અધિકારી વિનીત જોશીને ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ પદેથી હટાવીને પંચાયતી રાજ મંત્રાલયના સચિવ બનાવવામાં આવ્યા છે. જ્યારે તેમની જગ્યાએ નરેશ પાલ ગંગવારને ઉચ્ચ શિક્ષણ વિભાગના નવા સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Gujarat Latest News LIVE : સવારે 8 થી 11 વાગ્યા સુધીનું મધ્ય-ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ