ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે બ્રિક્સ (BRICS) સમિટ અને વડાપ્રધાન મોદી સાથેની દ્વિપક્ષીય બેઠક માટે નવી દિલ્હીની મુલાકાતે આવી રહ્યા છે. સાત વર્ષમાં ભારતની તેમની આ પ્રથમ મુલાકાત છે. વડાપ્રધાન મોદીના કાર્યકાળ દરમિયાન 2014થી ભારતની તેમની આ ચોથી મુલાકાત છે. જોકે, બહુ ઓછા લોકો શી જિનપિંગ અને વડાપ્રધાન મોદીના જન્મસ્થળો વચ્ચેના એક અનોખા અને રસપ્રદ જોડાણ વિશે જાણતા હશે. ચીનના શાન્ક્સી પ્રાંતમાં આવેલા શી જિનપિંગના વતન 'શિયાન' (Xi'an) અને ગુજરાતમાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૈતૃક ગામ 'વડનગર' વચ્ચે સદીઓ જૂનો સંબંધ છે. આ જોડાણ 7મી સદીના ચીની બૌદ્ધ સાધુ અને પ્રવાસી 'શુઆનઝાંગ' (Xuanzang) સાથે જોડાયેલું છે.
શિયાન અને વડનગર વચ્ચેનું જોડાણ
શુઆનઝાંગે 7મી સદીમાં તાંગ રાજવંશ દરમિયાન ભારતની યાત્રા કરવા માટે પ્રાચીન ચીની શહેર 'ચાંગઆન' (આધુનિક શિયાન) થી પ્રયાણ કર્યું હતું. તેમણે ભારતમાં લગભગ 16 વર્ષ ગાળ્યા અને બૌદ્ધ ધર્મ તથા તત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો. દુર્લભ હસ્તપ્રતો એકત્રિત કર્યા પછી તેઓ શિયાન પરત ફર્યા, જ્યાં તેમણે શહેરના પ્રખ્યાત પેગોડામાં બેસીને સંસ્કૃત હસ્તપ્રતોનો ચીની ભાષામાં અનુવાદ કર્યો. શિયાન એ રાષ્ટ્રપતિ શી જિનપિંગનું વતન છે.
શુઆનઝાંગની ભારત યાત્રા
ભારતની યાત્રા દરમિયાન, શુઆનઝાંગ ગુજરાતના વડનગર (પ્રાચીન નામ: આનંદપુર) માં રોકાયા હતા. તેમણે તેમના પ્રવાસ વૃત્તાંતોમાં વડનગરનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તે સમયે વડનગર બૌદ્ધ ધર્મનું એક મુખ્ય કેન્દ્ર હતું, જ્યાં દસથી વધુ બૌદ્ધ મઠો અને એક હજારથી વધુ બૌદ્ધ સાધુઓ નિવાસ કરતા હતા. શુઆનઝાંગે ભારતમાં તેમનો મોટાભાગનો સમય વડનગરમાં જે વડાપ્રધાન મોદીનું વતન છે ત્યાં વિતાવ્યો હતો. ચીન પરત ફર્યા પછી તેમણે તેમનો મોટાભાગનો સમય શિયાનમાં જે શી જિનપિંગનું વતન છે ત્યાં વિતાવ્યો.
વડાપ્રધાન મોદીનો પોડકાસ્ટ
એક કાર્યક્રમમાં બોલતા વડાપ્રધાન મોદીએ યાદ કર્યું, "જ્યારે હું 2014માં પ્રથમ વખત વડાપ્રધાન બન્યો, ત્યારે મને વિશ્વના નેતાઓ તરફથી અભિનંદન મળી રહ્યા હતા. મને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો પણ ફોન આવ્યો હતો." શી જિનપિંગે ભારતની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેમણે એવું કહીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા કે તેઓ દિલ્હીને બદલે સૌપ્રથમ વડનગર ગુજરાતમાં વડાપ્રધાન મોદીનું ગામની મુલાકાત લેવા ઈચ્છે છે. જ્યારે વડાપ્રધાન મોદીએ તેનું કારણ પૂછ્યું, ત્યારે શી (Xi) એ કહ્યું કે તેમની વચ્ચે એક વિશેષ સંબંધ છે: ચીની બૌદ્ધ સાધુ ઝુઆનઝાંગ (Xuanzang) મોદીના ગામ વડનગરમાં સૌથી લાંબો સમય રોકાયા હતા અને ચીન પરત ફર્યા બાદ તેઓ શીના વતન 'શીઆન' (Xi'an) માં રહ્યા હતા.
1. શી જિનપિંગની 2014ની અમદાવાદ મુલાકાત
સપ્ટેમ્બર 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાના થોડા મહિનાઓ બાદ, શી જિનપિંગે ભારતની મુલાકાત લીધી હતી. સામાન્ય પ્રોટોકોલ (શિષ્ટાચાર) ને બાજુ પર રાખીને તેમને દિલ્હીને બદલે ગુજરાતના અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય આવકાર આપવામાં આવ્યો હતો. તેમણે વડનગરમાં આવેલા બૌદ્ધ વારસાના સ્થળોની પણ મુલાકાત લીધી હતી.
2. મે 2015: મોદીની શીઆન મુલાકાત
જેમ શી એ 2014માં મોદીના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાત લીધી હતી. તેમ 2015માં મોદીની ચીન મુલાકાત દરમિયાન શી એ તેમને બેઇજિંગને બદલે પોતાના વતન 'શીઆન'માં આવકાર્યા હતા. વડાપ્રધાન મોદીએ શીઆનમાં ડાક્સિંગશાન મંદિર અને જાયન્ટ વાઇલ્ડ ગુઝ પેગોડા (જે ઝુઆનઝાંગ સાથે સંકળાયેલ છે) ની મુલાકાત લીધી હતી. ચીનના ઇતિહાસમાં રાજધાની બેઇજિંગની બહાર કોઈ વિદેશી નેતાનું સ્વાગત કરવામાં આવે તેવી આ એક દુર્લભ ઘટના હતી.
3. ઓક્ટોબર 2016: બ્રિક્સ (BRICS) સમિટ (ગોવા)
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત બ્રિક્સ જૂથના મુખ્ય નેતાઓએ ગોવાના બેનાઉલિમ ખાતે યોજાયેલી 8મી બ્રિક્સ સમિટમાં ભાગ લીધો હતો. તેમણે વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજી હતી. આ તેમની સીધી વાતચીતનું સતત ત્રીજું વર્ષ હતું.
4. ઓક્ટોબર 2019: મામલ્લાપુરમ, તમિલનાડુ
ભારત અને ચીન વચ્ચે બીજી અનૌપચારિક સમિટ તમિલનાડુના મામલ્લાપુરમ (મહાબલીપુરમ) ખાતે યોજાઈ હતી. ચીનના વુહાન (2018) ખાતે યોજાયેલી સમિટના મોડેલને અનુસરીને, ચેન્નાઈ નજીકના દરિયાકાંઠાના શહેર મહાબલીપુરમ (મામલ્લાપુરમ) ને સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. બંને નેતાઓ પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. મોદી અને જિનપિંગે પંચ રથ, અર્જુનનું તપ (Arjuna's Penance) અને શોર ટેમ્પલ (તટ મંદિર) ની મુલાકાત લીધી હતી. બંનેની તસવીરો વાયરલ થઈ હતી.
5. સપ્ટેમ્બર 2026: નવી દિલ્હી બ્રિક્સ સમિટ
ભારતના અધ્યક્ષપદ હેઠળ નવી દિલ્હીમાં યોજાયેલી 18મી બ્રિક્સ સમિટમાં ભાગીદારી થઈ. વર્ષ 2020માં પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં લશ્કરી ગતિરોધ અને સરહદી વિવાદને કારણે બંને દેશો વચ્ચે સર્જાયેલા તણાવ બાદ જિનપિંગની ભારતની આ પ્રથમ મુલાકાત છે.
આ પણ વાંચો: Delhi થી ચીન જવું હવે સહેલું...!6 વર્ષ બાદ ફરી ગુઆંગઝૂ-દિલ્હીની ફ્લાઇટ સેવા શરૂ