ભારત અને ચીન વચ્ચેની રાષ્ટ્રીય શક્તિ અને પ્રભાવનું અંતર છેલ્લા આઠ વર્ષમાં સૌથી ઓછું થઈ ગયું છે.ઓસ્ટ્રેલિયાના પ્રતિષ્ઠિત થિંક ટેન્ક લોવી ઇન્સ્ટિટ્યૂટના 2026ના એશિયા પાવર ઇન્ડેક્સના અહેવાલમાં આ મહત્ત્વપૂર્ણ ખુલાસો થયો છે.અહેવાલ અનુસાર,મુશ્કેલ આર્થિક અને આંતરિક પરિસ્થિતિઓ છતાં ભારતે એશિયામાં પોતાની તાકાત અને પ્રભાવમાં વધારો કર્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એશિયાના બીજા સૌથી પ્રભાવશાળી પ્રાદેશિક નેતા તરીકે સ્થાન મળ્યું છે. આ યાદીમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પ્રથમ સ્થાને છે. સિડની સ્થિત લોવી ઇન્સ્ટિટ્યૂટે રવિવારે 2026નો એશિયા પાવર ઇન્ડેક્સ જાહેર કર્યો હતો.આ યાદીમાં અમેરિકા પ્રથમ, ચીન બીજા અને ભારત ત્રીજા સ્થાને યથાવત્ છે. ભારતનો કુલ પાવર સ્કોર 0.5 પોઇન્ટ વધીને 40.5 થયો છે.

આર્થિક શક્તિમાં ઘટાડો, ભવિષ્યની ક્ષમતામાં વધારો 

ચીનની કુલ શક્તિ હજુ પણ ભારત કરતાં આશરે 80 ટકા વધારે છે. તેમ છતાં, 2018માં આ ઇન્ડેક્સ શરૂ થયો ત્યારથી બંને દેશોના સ્કોર વચ્ચેનું અંતર સૌથી ઓછું નોંધાયું છે. આ બાબત એશિયામાં ભારતના વધતા પ્રભાવ અને વ્યૂહાત્મક ક્ષમતાનો સંકેત આપે છે.અહેવાલમાં ભારતની આર્થિક ક્ષમતાના સ્કોરમાં ઘટાડો નોંધાયો છે. ભારતનો આ સ્કોર ઘટીને 26.4 થયો છે. જોકે, આ શ્રેણીમાં ભારત ત્રીજા ક્રમે યથાવત્ છે. લોવી ઇન્સ્ટિટ્યૂટે આ ઘટાડા પાછળ રૂપિયાની નબળાઈ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) દ્વારા અર્થતંત્રનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિમાં થયેલો ફેરફાર અને ભારતમાં વિદેશી રોકાણમાં આશરે 20 અબજ ડોલરનો ઘટાડો જવાબદાર ગણાવ્યો છે.બીજી તરફ, ભારતના ભવિષ્યના સંસાધનોનો સ્કોર વધીને 56.2 થયો છે. અહેવાલ અનુસાર, ભારતની સુધરતી આર્થિક સંભાવનાઓને કારણે આ શ્રેણીમાં દેશને ફાયદો થયો છે.

PM મોદી એશિયાના બીજા સૌથી પ્રભાવશાળી નેતા

આ અહેવાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને લઈને પણ મહત્ત્વપૂર્ણ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. નિષ્ણાતોના આકલનમાં સુધારો થતાં પ્રાદેશિક નેતૃત્વની શ્રેણીમાં ભારત ત્રણ સ્થાન ઉપર પહોંચ્યું છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એશિયાના બીજા સૌથી પ્રભાવશાળી પ્રાદેશિક નેતા બન્યા છે. આ યાદીમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પ્રથમ સ્થાને છે.લોવી ઇન્સ્ટિટ્યૂટના વિશ્લેષક જેક સાટોના જણાવ્યા અનુસાર, વૈશ્વિક ઉથલપાથલના સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકરે પોતાની ભૂમિકામાં સ્થિરતા અને સાતત્ય જાળવી રાખ્યું છે. તેના કારણે ભારતના પ્રાદેશિક નેતૃત્વના મૂલ્યાંકનમાં સુધારો થયો છે.

સંરક્ષણ સહયોગમાં ભારતને મોટો ફાયદો

અહેવાલમાં વડાપ્રધાન મોદીના વૈશ્વિક નેતૃત્વ અને વ્યૂહાત્મક મહત્ત્વાકાંક્ષા અંગેની ધારણામાં ઘટાડો પણ નોંધાયો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારતની મર્યાદિત કૂટનીતિક સક્રિયતા અને અમેરિકાની સબમરીન દ્વારા ઈરાની યુદ્ધજહાજને ડુબાડવામાં આવ્યું ત્યારે ભારતની પ્રમાણમાં શાંત પ્રતિક્રિયાને તેનું કારણ ગણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ઈરાની યુદ્ધજહાજ ભારતમાં આયોજિત સૈન્ય અભ્યાસમાં ભાગ લઈને પરત ફરી રહ્યું હતું.સંરક્ષણ ક્ષેત્રે પણ ભારતે પોતાની સ્થિતિ મજબૂત કરી છે. ભારતનો ડિફેન્સ નેટવર્ક સ્કોર વધીને 18.6 થયો છે. પરિણામે આ શ્રેણીમાં ભારત બે સ્થાનની છલાંગ લગાવીને નવમા ક્રમે પહોંચ્યું છે.અહેવાલમાં દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો સાથે વધતા સંરક્ષણ સહયોગ અને બ્રહ્મોસ મિસાઇલના વેચાણને ભારતના સ્કોરમાં થયેલા વધારા પાછળનાં મુખ્ય કારણો ગણાવવામાં આવ્યાં છે.

પાકિસ્તાન 16મા ક્રમે પહોંચ્યું

એશિયા પાવર ઇન્ડેક્સમાં પાકિસ્તાન 16મા સ્થાને પહોંચ્યું છે.અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અંગેની વાટાઘાટોમાં પાકિસ્તાનની ભૂમિકાને કારણે તેના કૂટનીતિક પ્રભાવમાં વધારો થયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.લોવી ઇન્સ્ટિટ્યૂટનું માનવું છે કે પાકિસ્તાન ભવિષ્યમાં આ સ્કોર અને પ્રભાવ જાળવી રાખી શકશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા છે.આમ, 2026નો એશિયા પાવર ઇન્ડેક્સ દર્શાવે છે કે આર્થિક પડકારો છતાં ભારત એશિયામાં પોતાની વ્યૂહાત્મક, સંરક્ષણ અને કૂટનીતિક સ્થિતિ મજબૂત કરી રહ્યું છે. ખાસ કરીને ભારત અને ચીન વચ્ચે શક્તિનું અંતર ઘટવું એ એશિયાના બદલાતા ભૂરાજકીય સમીકરણોમાં મહત્ત્વપૂર્ણ બાબત બની છે.

આ પણ વાંચોઃ Nepal Travel Rules: નેપાળ જવા માટે પાસપોર્ટ જોઈએ કે આધાર કાર્ડ?, જાણો ભારતીયો માટે જરૂરી દસ્તાવેજોના નિયમો