ભાજપના સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પશ્ચિમી વિચારસરણીથી પ્રભાવિત યુવાન ભારતીય મહિલાઓ અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો પર આકરા પ્રહારો કરતા તીખી ટીકા કરી છે. જંતર-મંતર પરના પ્રદર્શન પૂર્ણ થયા બાદ કંગનાએ પોસ્ટ કરી હતી. જેમાં સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે 'Gen Z' અને 'ગટર જનરેશન' પર વિવાદાસ્પદ ટીપ્પણી કરતા રાજકીય માહોલ ગરમાયો. કંગનાની આ ટીપ્પણીને લઈને વિપક્ષ ગુસ્સે ભરાયો. કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોએ માગ કરી કે સાંસદ કંગનાએ વિદ્યાર્થીઓ અને મહિલાઓની માફી માગવી જોઈએ.
સાંસદ અને અભિનેત્રી કંગનાની વિવાદાસ્પદ ટીપ્પણી
મહિલાઓ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી: "ગટર જનરેશન" : કંગના રનૌતે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી સેક્શનમાં એક લાંબી પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે સ્વતંત્રતાના નામે જવાબદારીઓથી દૂર ભાગતી યુવા મહિલાઓની ટીકા કરતા તેમને 'ગટર જનરેશન' ગણાવી હતી.
સ્વતંત્રતા અને જવાબદારી પર વલણ: કંગનાએ લખ્યું કે, સાચી સ્વતંત્ર મહિલાઓ બળવાખોર નિર્ણયો લે છે, બોલ્ડ મંતવ્યો ધરાવે છે અને પોતાના નિર્ણયોની સંપૂર્ણ જવાબદારી જાતે ઉપાડે છે. તેઓ પોતાના માતા-પિતા કે પરિવારના ભોગે આ બધું કરતી નથી. પશ્ચિમી પ્રભાવની ટીકા: તેમણે દાવો કર્યો કે નવી પેઢીની કેટલીક મહિલાઓ પશ્ચિમી વિચારસરણીથી પ્રભાવિત થઈને ડ્રગ્સ, દારૂ અને અસંખ્ય સંબંધોને 'સ્વતંત્રતા' સમજી બેઠી છે.
આત્મનિર્ભરતા પર પ્રશ્ન: કંગનાના જણાવ્યા મુજબ, આવી મહિલાઓ ભણતરમાં સારી નથી હોતી, ગૃહિણી બની શકતી નથી અને આત્મનિર્ભર ન હોવા છતાં માતા-પિતાની કમાણી પર જીવીને સ્વતંત્ર હોવાનો આડંબર કરે છે. જવાબદારી વિના સ્વતંત્ર બનવાનો પ્રયાસ કરવો એ વિકૃત માનસિકતા દર્શાવે છે.

વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને ઉછેર સામે સવાલો
વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહેલા આંદોલનો અને વિરોધ પ્રદર્શનોની રીલ્સ (Reels) પર પણ કંગનાએ સખત નારાજગી વ્યક્ત કરી હતી. "મેં મારા જીવનમાં આટલી બદસૂરતી ક્યારેય જોઈ નથી. વિરોધ કરી રહેલા 'જનરલ ઝેડ' (Gen Z) ના યુવાનો જે ભાષાનો ઉપયોગ કરે છે તે ઘૃણાસ્પદ અને ખલેલ પહોંચાડે તેવી છે. આખરે આ લોકોને કોણ જન્મ આપી રહ્યું છે અને તેમનો ઉછેર કેવી રીતે થઈ રહ્યો છે?" — કંગના રનૌત (સોશિયલ મીડિયા પોસ્ટમાંથી)
જંતર-મંતર વિરોધ પ્રદર્શનની કંગનાએ કરી નિંદા
દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સમર્થનમાં વિદ્યાર્થીઓ દ્વારા થઈ રહેલા વિરોધ પ્રદર્શન અંગે કંગનાએ સ્પષ્ટ કર્યું હતું કે સરકાર પર કોઈ વ્યક્તિને પદ પરથી હટાવવા કે જાળવી રાખવા માટે આ રીતે દબાણ બનાવવું સંપૂર્ણપણે અયોગ્ય છે. જાહેર મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણય માટે સંસદ જ યોગ્ય જગ્યા છે, શેરીઓમાં કે જંતર-મંતર પર હોબાળો મચાવીને અશાંતિ ઊભી કરવી યોગ્ય નથી. વિરોધ પ્રદર્શન સમાપ્ત થયા બાદ કંગનાએ આંદોલનકારીઓની વર્તણૂક અને ભાષા શૈલીની સખત શબ્દોમાં નિંદા કરી હતી.
કંગનાની ટીપ્પણી પર વિરોધ પક્ષની માફીની માગ
પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર કંગનાની ટિપ્પણીની વિપક્ષી નેતાઓએ ટીકા કરી હતી. AIMIM નેતા વારિસ પઠાણે કંગનાના શબ્દોની નિંદા કરી હતી અને માંગ કરી હતી કે તેમણે યુવા પેઢી પાસે માફી માંગવી જોઈએ. આ સાથે જ NDAને પણ પોતાના સાંસદોને સારી ભાષામાં બોલવા સૂચન કર્યું હતું. પીએમ મોદીએ તેમના સાંસદો જનરલ Z માટે જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરે છે તેનું ધ્યાન રાખવું જોઈએ," પઠાણે કહ્યું. જયારે કોંગ્રેસના સાંસદ સુખદેવ ભગત, ઇમરાન મસૂદ, સમાજવાદી પાર્ટીના નેતા ઉદયવીર સિંહે કંગનાના આ નિવેદનોની ટીકા કરી હતી અને તેમની રાજકીય વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા.