West Bengal: તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અભિષેક બેનર્જીની મુશ્કેલીઓ ઓછી થતી દેખાઈ રહી નથી. પશ્ચિમ બંગાળ પોલીસે TMC સાંસદને તેમના સમર્થકો અને પોલીસ વચ્ચે થયેલી કથિત ધક્કામુક્કીના મામલે નોટિસ પાઠવી છે. આ મામલો તાજેતરમાં એક બિલબોર્ડને લઈને થયેલા વિવાદ સાથે જોડાયેલો છે. પોલીસે અભિષેક બેનર્જીને મંગળવારે પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું છે.

બિલબોર્ડ વિવાદમાં અભિષેક બેનર્જીને પોલીસની નોટિસ

PTIના અહેવાલ મુજબ, કોલકાતા પોલીસે આ સપ્તાહની શરૂઆતમાં પાર્ટીના ચૂંટણી ચિહ્નવાળા બિલબોર્ડને હટાવવાના વિવાદને લઈને અભિષેક બેનર્જીને નોટિસ આપી હતી. આ દરમિયાન બેનર્જીની ઓફિસમાં અધિકારીઓ અને ખાનગી સુરક્ષા ગાર્ડ્સ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. શનિવારે મોડી સાંજે તેમના ઘરે નોટિસ આપવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ડાયમંડ હાર્બરના સાંસદને મંગળવારે બપોરે આ મામલે શેક્સપિયર સરણી પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

અભિષેક બેનર્જીની મુશ્કેલીઓ વધી

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટનાને લઈને ત્રણ FIR નોંધવામાં આવી છે, જેમાંથી બેમાં અભિષેક બેનર્જીને આરોપી બનાવવામાં આવ્યા છે. FIRમાં ડેરેક ઓ’બ્રાયન અને પૂર્વ ધારાસભ્ય હુમાયૂં કબીર સહિત પાર્ટીના અન્ય નેતાઓના નામ પણ સામેલ છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ડેરેક ઓ’બ્રાયનને રવિવારે નોટિસ આપવામાં આવી હતી. પોલીસે અત્યાર સુધી આ કેસમાં 14 લોકોની ધરપકડ કરી છે.

બિલબોર્ડને લઈને થઈ હતી ધક્કામુક્કી

અભિષેક બેનર્જીની ઓફિસના ખાનગી સુરક્ષા ગાર્ડ્સ, તેમના સમર્થકો અને પાર્ટીના કેટલાક નેતાઓના એક જૂથનો સામનો પોલીસ અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે થયો હતો. કેમેક સ્ટ્રીટ સ્થિત બિલ્ડિંગમાં પ્રવેશ કરીને અનધિકૃત બિલબોર્ડ હટાવવાનો પ્રયાસ કરી રહેલા અધિકારીઓને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ભારે ધક્કામુક્કી થઈ હતી.

ડેરેક ઓ’બ્રાયને આરોપોને ફગાવ્યા

જોકે, ઘટનાસ્થળે હાજર TMCના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ’બ્રાયને ખાનગી સુરક્ષા ગાર્ડ્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોવાના આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું હતું કે ગાર્ડ્સ માત્ર બિલ્ડિંગના પ્રવેશદ્વાર પર પોતાની ફરજ બજાવી રહ્યા હતા. પોલીસ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને તેમણે ખોટા ગણાવ્યા હતા.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ