પંજાબ વિધાનસભા ચૂંટણી 2027ને લઈને ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ રાજકીય અને સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી દીધી છે. ભાજપે સ્પષ્ટ કર્યું છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી રાજ્યની તમામ 117 બેઠકો પર ચૂંટણી લડશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ. સંતોષ બે દિવસના પંજાબ પ્રવાસે પહોંચ્યા છે.

ભાજપ આ પરિવર્તનને સાકાર કરવા માટે તૈયાર

પ્રવાસના પ્રથમ દિવસે પટિયાલામાં યોજાયેલી ઝોનલ બેઠકમાં બી.એલ. સંતોષે પાર્ટીના નેતાઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે પંજાબ પરિવર્તન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને ભાજપ આ પરિવર્તનને સાકાર કરવા માટે તૈયાર છે. પાર્ટી તમામ 117 બેઠકો પર ચૂંટણી લડીને સરકાર બનાવવાનો લક્ષ્યાંક ધરાવે છે.

બૂથ લેવલ સુધી સંગઠનને મજબૂત બનાવવા પર ભાર 

બી.એલ. સંતોષ સાથે ભાજપ પંજાબના અધ્યક્ષ કેવલ સિંહ અને રાજ્ય સંગઠન મહાસચિવ મંત્રી શ્રીનિવાસુલુ સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા. તેમણે પાર્ટીના સંગઠનાત્મક કામકાજ અને આગામી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ભાજપનું ખાસ ધ્યાન બૂથ લેવલ સુધી સંગઠનને મજબૂત બનાવવા પર છે. પાર્ટી કાર્યકરોને સક્રિય કરવા ઉપરાંત કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની યોજનાઓ અને ઉપલબ્ધિઓ લોકો સુધી પહોંચાડવાની વ્યૂહરચના પણ તૈયાર કરવામાં આવી રહી છે.

કાર્યકરો વચ્ચે સંકલન વધારાશે

બી.એલ. સંતોષે સોમવારે પટિયાલા અને ભટિંડામાં સંગઠનાત્મક બેઠકોની અધ્યક્ષતા કરી હતી. 25 ઓગસ્ટે લુધિયાણા, જલંધર અને અમૃતસરમાં ઝોનલ બેઠકો યોજાશે. અમૃતસરમાં પ્રદેશ મહાસચિવો સાથે અલગ બેઠક પણ યોજાશે. આ બેઠકોનો મુખ્ય હેતુ વિવિધ વિસ્તારોમાં સંગઠનની સ્થિતિની સમીક્ષા, કાર્યકરો વચ્ચે સંકલન વધારવું અને ચૂંટણી માટે જમીની સ્તરે તૈયારીઓને વધુ મજબૂત બનાવવાનો છે. ભાજપે પંજાબની તમામ 117 બેઠકો પર નજર રાખીને અત્યારથી જ ચૂંટણીનું મેદાન તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો : હું BJP સાથે છું... ભવિષ્યમાં ચૂંટણી લડવા પર શું બોલી સાયના નેહવાલ?