TMC સાંસદ મહુઆ મોઇત્રા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. આ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા તેમણે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી હતી. મહુઆ મોઇત્રાએ કહ્યું, “તેમણે રાજીનામું આપવાનું છે અને આપવાનું જ છે. જો તેઓ નહીં જાય તો અમને ખબર છે કે તેમને કેવી રીતે નીચે ઉતારવા.” તેમણે વધુમાં કહ્યું કે જ્ઞાનેશ કુમાર એક અપરાધી છે અને તેમના પર કેસ ચલાવવો જોઈએ. તેમણે જ્ઞાનેશ કુમારને તાત્કાલિક રાજીનામું આપવાની માંગ કરી હતી.
મહુઆ મોઇત્રાએ સરકાર પર લગાવ્યો આરોપ
દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે મહુઆ મોઇત્રાએ કહ્યું કે પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને રોકવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે સરકાર દરેક પ્રદર્શનકારીને રોકી શકે નહીં અને અગાઉ પણ તેઓ આવું કરી શક્યા નથી. મહુઆ મોઇત્રાએ કહ્યું કે તેમની માંગ છે કે દેશમાં લોકશાહી ફરી સ્થાપિત થવી જોઈએ. તેમણે જ્ઞાનેશ કુમરના રાજીનામા અને SIR પ્રક્રિયા રોકવાની માંગ કરી. સાથે જ જાન્યુઆરી 2025ની મતદાર યાદી ફરી લાગુ કરવાની માંગ પણ કરી. જંતર-મંતર પરથી પોલીસ દ્વારા કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા છે.
https://twitter.com/ANI/status/2103428309422088246
જ્ઞાનેશ કુમાર સામે પોલીસમાં ફરિયાદ
મહુઆ મોઇત્રાએ ગુરુવારે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોલીસને ફરિયાદના આધારે FIR નોંધવાની માંગ કરી હતી. આ ફરિયાદ મતદાર યાદીના SIR (Special Intensive Revision) દરમિયાન ચૂંટણી પંચના કેટલાક નિર્ણયોને લઈને બે ચૂંટણી કમિશનરોએ વાંધો ઉઠાવ્યો હોવાના અહેવાલોના આધારે કરવામાં આવી હતી. તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી જૂથના લોકસભા સાંસદ મહુઆ મોઇત્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસે હજુ સુધી FIR નોંધી નથી.
‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલનો ફરિયાદમાં ઉલ્લેખ
મહુઆ મોઇત્રાએ પોતાની ફરિયાદમાં ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલનો ઉલ્લેખ કર્યો છે. આ અહેવાલ મુજબ ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને ચૂંટણી કમિશનર વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં ચૂંટણી પંચના નિર્ણયો અને આદેશો સામે ઓછામાં ઓછા 14 વખત વાંધો વ્યક્ત કર્યો હતો. આ નિર્ણયોમાં મતદારોના નામ ઉમેરવા, નામ હટાવવા અને ફરીથી નામ સામેલ કરવા ઉપરાંત મતદાર નોંધણીની પ્રક્રિયામાં કરવામાં આવેલા ફેરફારોનો પણ સમાવેશ થાય છે.
મહુઆ મોઇત્રાએ જ્ઞાનેશ કુમારના અધિકાર પર સવાલ ઉઠાવ્યા
મહુઆ મોઇત્રાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર પાસે પોતાના બંને સહયોગી ચૂંટણી કમિશનરો દ્વારા નોંધાવવામાં આવેલા વાંધાઓની વિરુદ્ધ ચૂંટણી પંચ તરફથી કોઈ પગલું લેવાનો અધિકાર નથી. તેમણે એવો પણ દાવો કર્યો કે મુખ્ય ચૂંટણી કમિશનર પાસે ચૂંટણી પંચની મંજૂરી વગર ચૂંટણી પંચના નામે કોઈ સંદેશ જાહેર કરવાનો અધિકાર નથી.
આ પણ વાંચો; TMCની વધી મુશ્કેલી, મમતાના નજીકના સહયોગીની પોલીસે કરી ધરપકડ