કોકરોચ જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અભિજીત દીપકેએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન પર હાલ પૂરતો બ્રેક લગાવી દીધો છે. સાથી નેતાઓ સૌરભ દાસ અને આશુતોષ રાંકા જેલમાં બંધ હોવા સહિતની કાનૂની અડચણોને પગલે તેમણે આ નિર્ણય જાહેર કર્યો છે. 16 મિનિટના વીડિયો સંદેશમાં તેઓ બંને સાથીઓની સ્થિતિ જણાવતા રડી પડ્યા હતા. તેમણે આગામી તહેવારોમાં કાર્યકરોને પરિવાર સાથે રહેવા જણાવ્યું છે.
રાજીનામાની માગણી સાથે મોરચો ખોલ્યો હતો
અભિજીત દીપકેએ અગાઉ એક અંગ્રેજી અખબારના અહેવાલ બાદ ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાન અટકાવીને સીઈસી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે મોરચો ખોલ્યો હતો. તેઓ જ્યાં સુધી રાજીનામું ન મળે ત્યાં સુધી પીછેહઠ નહીં કરવાનો દાવો કરી રહ્યા હતા.
આંદોલન મોકૂફ રાખવાની સ્પષ્ટતા કરી
પરંતુ મંગળવારે જાહેર કરેલા 16 મિનિટના વીડિયો સંદેશમાં તેમણે આંદોલન મોકૂફ રાખવાની સ્પષ્ટતા કરી હતી. દીપકેએ સંઘર્ષ કરી રહેલા તમામ કાર્યકરોનો આભાર માનતા કહ્યું કે, સિસ્ટમ આંદોલનને દબાવવા સતત પ્રયાસ કરી રહી છે અને મુશ્કેલીઓ વધવાની શક્યતા પહેલેથી જ હતી. પોલીસ કેસ કરીને લોકોને ફસાવવામાં આવી રહ્યા છે છતાં કાર્યકરો હિંમતભેર લડી રહ્યા છે જે બાબત ખરેખર પ્રશંસનીય છે.
કાર્યકરો રસ્તા પર માર સહન કરી ચૂક્યા છે
છેલ્લા 10-12 દિવસના સંઘર્ષ દરમિયાન કાર્યકરો રસ્તા પર માર સહન કરી ચૂક્યા છે અને અટકાયત પણ વહોરી છે, જેથી તેમના પરિવારો ખૂબ ચિંતિત બન્યા છે. દીપકેએ સૌરભ દાસ અને આશુતોષ રાંકાના પરિજનો સાથે વાત કરી હોવાનું જણાવતા કહ્યું કે, સૌરભની માતાએ ઊલટાનું તેમનું મનોબળ વધાર્યું છે. તેમણે ઉમેર્યું કે જેલમાં ગયેલા બંને સાથીઓ જ્યારે બહાર આવશે ત્યારે સ્મિત અને ઇન્કલાબ ઝિંદાબાદના નારા સાથે આવશે અને આખો દેશ તેમને સલામ કરશે. પોતાની ભાવુકતા અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે સાથીઓ ભાઈ સમાન હોવાથી તેમની ચિંતા સ્વાભાવિક છે અને તેમની આ ભાવના કોઈ નબળાઈ નથી પણ તેમની સૌથી મોટી તાકાત છે.
આ પણ વાંચો : Dussehra Explainer: ફાફડા જલેબી આરોગી લીધા ? તો હવે વાંચો કે તમારા ચટકારાનો આખો ફંડા શું છે..