CJP Protest: મુંબઈમાં આવતીકાલે શુક્રવારે ગાંધી જયંતિ નિમિત્તે ભારે હલચલ જોવા મળી શકે છે. કોકરોચ જનતા પાર્ટી (CJP)એ જાહેરાત કરી છે કે પાર્ટી આવતીકાલે 2 ઓક્ટોબરે મુંબઈમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આંદોલન કરશે. પાર્ટીએ આંદોલન માટે શિવાજી પાર્કમાં બપોરે 3 વાગ્યાથી પ્રદર્શન કરવાની યોજના બનાવી હતી, પરંતુ મુંબઈ પોલીસે તેની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. ત્યારબાદ પાર્ટીએ જેલ ભરો આંદોલનની જાહેરાત કરી છે.
શિવાજી પાર્કમાં મંજૂરી ન મળતાં જેલ ભરો આંદોલન
શિવાજી પાર્કમાં પ્રદર્શનની મંજૂરી ન મળતાં કોકરોચ જનતા પાર્ટીએ જેલ ભરો આંદોલનની જાહેરાત કરી છે. બીજી તરફ, શિવસેના (UBT)ના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ આંદોલનને સમર્થન આપ્યું છે. શિવસેના (UBT) અને રાજ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ અગાઉથી 4 ઓક્ટોબરે અલગથી પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.
કોકરોચ જનતા પાર્ટીની 3 મુખ્ય માંગ
કોકરોચ જનતા પાર્ટીએ પોતાના આંદોલન માટે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે 3 મુખ્ય માંગણીઓ રાખી છે. તેમાં પ્રથમ જ્ઞાનેશ કુમારનું રાજીનામું, તેમની સામે ફોજદારી કાર્યવાહી અને મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ એટલે કે SIR પર રોક લગાવવાની માંગ સામેલ છે. પાર્ટીએ જાન્યુઆરી 2025ની મતદાર યાદી ફરીથી લાગુ કરવાની પણ માંગ કરી છે.
માંગો નહીં સ્વીકારાય તો દેશભરમાં પ્રદર્શન
પાર્ટીનો આરોપ છે કે ચૂંટણી પંચની કામગીરી અને મતદાર યાદીમાં ફેરફાર કરવાની પ્રક્રિયાને લઈને ગંભીર સવાલો ઊભા થાય છે. આના વિરોધમાં પાર્ટીએ મુંબઈથી દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેએ આજે ગુરુવારે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી હતી. તેમણે ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ઓક્ટોબરના અંતથી દિલ્હીના જંતર-મંતર ખાતે આંદોલન કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
મુંબઈ પ્રેસ ક્લબમાં અભિજીત દિપકેનું નિવેદન
અભિજીત દિપકેએ આજે મુંબઈમાં મુંબઈ પ્રેસ ક્લબમાં જણાવ્યું કે CJP મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે 2 ઓક્ટોબરે શહેરના દાદર વિસ્તારમાં આવેલા શિવાજી પાર્કમાં પ્રદર્શન કરશે. તેમણે કહ્યું, “જ્ઞાનેશ કુમારે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ અને તેમની સામે ફોજદારી કેસ નોંધવો જોઈએ.” તેમણે કહ્યું કે જ્યાં સુધી તેઓ રાજીનામું નહીં આપે ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રહેશે.
SIRને લઈને વિરોધ પક્ષોએ કરી ટીકા
તેમણે આગળ કહ્યું, “આ પ્રદર્શન ગોવા અને કર્ણાટકની સાથે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ કરવામાં આવશે. જો તેઓ રાજીનામું નહીં આપે તો ઓક્ટોબરના અંતથી દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શન કરવામાં આવશે.” આ દરમિયાન ઘણા વિરોધ પક્ષોએ SIR પ્રક્રિયાને લઈને CEC જ્ઞાનેશ કુમારની ટીકા કરી છે અને તેમના રાજીનામાની માંગ કરી છે. થોડા દિવસ પહેલાં અંગ્રેજી અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશભરમાં SIR દરમિયાન નામ ઉમેરવા અને દૂર કરવા સહિતના અનેક મુદ્દાઓ પર 2 ચૂંટણી કમિશનર—સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશી—એ વાંધો ઉઠાવ્યો હતો. જોકે વિવાદ વધ્યા બાદ ચૂંટણી પંચે નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી કે 3 સભ્યોના ચૂંટણી પંચે SIR સહિત તમામ નિર્ણયો સર્વસંમતિથી લીધા છે.
આ પણ વાંચો: Gyanesh Kumar વિરુદ્ધ અભિજીત દીપકેનું મોટી જાહેરાત, કહ્યું - 'જંતર-મંતર પર બેસીશું અને...'