કેન્દ્ર સરકાર લોકસભામાં સીમાંકન ખરડો રજૂ કરીને તેને કાયદાનું સ્વરૂપ આપવાની તૈયારી કરી રહી છે. આ મુદ્દે અનેક રાજકીય પક્ષોનું સમર્થન મેળવવાના પ્રયાસો વચ્ચે કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ વિરોધ વ્યક્ત કર્યો છે. સીમાંકનની ચર્ચામાં હવે એક મહત્ત્વનો શબ્દ સામે આવ્યો છે – ‘જેરીમેન્ડરિંગ’ (Gerrymandering). આ શબ્દનો અર્થ મતવિસ્તારોની સીમાઓ એવી રીતે નક્કી કરવી કે જેથી કોઈ ચોક્કસ રાજકીય પક્ષને ચૂંટણીમાં અન્ય પક્ષો કરતાં વધુ બેઠકો જીતવાનો ફાયદો મળી શકે.

જેરીમેન્ડરિંગ એટલે શું?

સરળ ભાષામાં સમજીએ તો, મતવિસ્તારોની હદ એવી રીતે નક્કી કરવી કે કોઈ પક્ષને તેના વાસ્તવિક લોકપ્રિય સમર્થન કરતાં વધુ બેઠકો જીતવામાં મદદ મળે, તેને જેરીમેન્ડરિંગ કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં મતદાર યાદીમાંથી કોઈનું નામ કાઢવાની જરૂર હોતી નથી. માત્ર મતદારોને અલગ-અલગ ભૌગોલિક વિસ્તારોમાં કેવી રીતે વહેંચવામાં આવે છે તેના આધારે ચૂંટણીનાં પરિણામો પ્રભાવિત થઈ શકે છે.

પેકિંગ: વિપક્ષના મતદારોને અમુક બેઠકોમાં એકઠા કરવા

જેરીમેન્ડરિંગની પ્રથમ પદ્ધતિને ‘પેકિંગ’ કહેવામાં આવે છે. તેમાં વિપક્ષને સમર્થન આપતા મોટી સંખ્યાના મતદારોને ગણતરીના કેટલાક મતવિસ્તારોમાં એકસાથે રાખવામાં આવે છે. આના પરિણામે વિપક્ષ આ બેઠકો પર મોટા મતમાર્જિનથી જીતી શકે છે, પરંતુ આસપાસના અન્ય મતવિસ્તારોમાં તેના સમર્થકોની સંખ્યા ઓછી થઈ જાય છે. પરિણામે અન્ય બેઠકો પર તેને જીતવામાં મુશ્કેલી પડી શકે છે.

ક્રેકિંગ: મતદારોને અનેક વિસ્તારોમાં વહેંચી દેવા

બીજી પદ્ધતિને ‘ક્રેકિંગ’ કહેવામાં આવે છે. તેમાં કોઈ ચોક્કસ પક્ષને સમર્થન આપતા મતદારોને અલગ-અલગ મતવિસ્તારોમાં વહેંચી દેવામાં આવે છે. પરિણામે દરેક મતવિસ્તારમાં આ મતદારો લઘુમતીમાં રહી જાય છે અને પોતાની પસંદગીના ઉમેદવારને જીતાડવાની તેમની ક્ષમતા ઘટી શકે છે. આ બંને પદ્ધતિમાં મતદારોના મત બદલાતા નથી કે મતદાર યાદીમાંથી નામ દૂર થતાં નથી. પરંતુ મતવિસ્તારોની ભૌગોલિક રચનામાં ફેરફારથી બેઠકો જીતવાનું ગણિત બદલાઈ શકે છે.

જેરીમેન્ડરિંગ શબ્દનો જન્મ કેવી રીતે થયો?

આ શબ્દનો ઉદ્ભવ 1812માં અમેરિકામાં થયો હતો. તે સમયે મેસેચ્યુસેટ્સના ગવર્નર એલ્બ્રિજ ગેરીએ રાજ્યની સેનેટ ચૂંટણી માટેના મતવિસ્તારોની સીમાઓમાં ફેરફાર કરતા ખરડા પર હસ્તાક્ષર કર્યા હતા. આ ફેરફારથી તેમની ડેમોક્રેટિક-રિપબ્લિકન પાર્ટીને ફાયદો થાય તેવી રચના કરવામાં આવી હોવાનો આરોપ હતો. 26 માર્ચ, 1812ના રોજ ‘બોસ્ટન ગેઝેટ’માં પ્રકાશિત થયેલા એક કાર્ટૂનમાં વિચિત્ર આકાર ધરાવતા એક મતવિસ્તારની સરખામણી ‘સેલામેન્ડર’ નામના ગરોળી જેવા પ્રાણી સાથે કરવામાં આવી હતી. ગવર્નર ગેરીના નામ અને સેલામેન્ડર શબ્દને જોડીને ‘ગેરીમેન્ડર’ શબ્દ બન્યો હતો. ત્યારથી ચૂંટણીમાં રાજકીય ફાયદા માટે મતવિસ્તારોની સીમાઓ બદલવાની પદ્ધતિ માટે આ શબ્દ વપરાવા લાગ્યો.

ભારતમાં અત્યાર સુધી ચાર વખત સીમાંકન પંચની રચના

ભારતમાં સીમાંકનની કામગીરી માટે સ્વતંત્ર સીમાંકન પંચની રચના કરવામાં આવે છે. સીમાંકન પંચ અધિનિયમ હેઠળ અત્યાર સુધી 1952, 1963, 1973 અને 2002માં ચાર વખત પંચની રચના થઈ છે. સીમાંકન પંચના આદેશોને કાયદા સમાન દરજ્જો મળે છે. આદેશો રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવેલી તારીખથી અમલમાં આવે છે. તેની નકલો સંસદ અને સંબંધિત રાજ્ય વિધાનસભાઓ સમક્ષ મૂકવામાં આવે છે, પરંતુ આ ગૃહોને પંચના આદેશોમાં ફેરફાર કરવાની સત્તા હોતી નથી.

વિપક્ષની મુખ્ય ચિંતા શું છે?

વિપક્ષની ચિંતા માત્ર એટલી નથી કે દરેક રાજ્યને લોકસભાની કેટલી બેઠકો મળશે. દરેક રાજ્યની હાલની બેઠકોની સંખ્યા યથાવત્ રહે તો પણ રાજ્યની અંદર મતવિસ્તારોની સીમાઓ બદલવાથી ચૂંટણીનું ગણિત બદલાઈ શકે છે. વિપક્ષને આશંકા છે કે મતવિસ્તારોની નવી રચનાથી કેટલાક પક્ષોના મજબૂત ગણાતા વિસ્તારોનું રાજકીય સમીકરણ બદલાઈ શકે છે. તેના કારણે મતદારોની સંખ્યા કે પસંદગીમાં ફેરફાર કર્યા વિના પણ ચૂંટણીનાં પરિણામો પર અસર પડી શકે છે.

રાહુલ ગાંધીનો ભાજપ પર આરોપ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આરોપ મૂક્યો છે કે પક્ષ 2029ની લોકસભા ચૂંટણી પહેલાં પોતાના રાજકીય ફાયદા માટે દેશનો ચૂંટણી નકશો ફરીથી તૈયાર કરવા માગે છે. વિપક્ષની માગ છે કે સીમાંકન પંચની રચના અને તેની કામગીરી સંપૂર્ણપણે નિષ્પક્ષ રહે તેની ખાતરી આપવામાં આવે. આ સમગ્ર ચર્ચામાં સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે સીમાંકનની પ્રક્રિયા માત્ર વસ્તી અને ભૌગોલિક માપદંડો પર આધારિત રહેશે કે મતવિસ્તારોની રચનાથી રાજકીય ફાયદા-નુકસાનની શક્યતાઓ પણ ઊભી થશે?   


આ પણ વાંચો :    Explainer : અમેરિકામાં કરેલી વર્ષોની મહેનત પર પાણી..! IBMના નિર્ણયથી હજારો ભારતીયો મુશ્કેલીમાં, વાંચો શું અસર થશે