કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો વચ્ચે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરુગને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમણે રાજ્યસભાનું સભ્યપદ પણ છોડવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિગતવાર પત્ર લખીને તેમણે જણાવ્યું કે, તેઓ હવે તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા અને 2029ની લોકસભા ચૂંટણીની સંપૂર્ણ તૈયારી કરવા માગે છે.
તેઓ કોઈ રાજકીય પરિવારમાંથી આવતા નથી
એલ. મુરુગને પત્રમાં ઉલ્લેખ કર્યો કે પીએમ મોદીના નેતૃત્વમાં પાંચ વર્ષ કામ કરવું તેમના જીવનનું સર્વોચ્ચ સન્માન રહ્યું છે. તેમણે પોતાના સંઘર્ષની વિગતો આપતાં જણાવ્યું કે તેઓ કોઈ રાજકીય પરિવારમાંથી આવતા નથી. તેમના માતા-પિતા ખેતમજૂર તરીકે કામ કરતા અને પશુપાલન કરતા હતા. તેમનો પરિવાર આજે પણ તમિલનાડુના કોનુર ગામમાં સાદું જીવન જીવે છે. માતા-પિતાએ ક્યારેય વિચાર્યું નહોતું કે પુત્ર મંત્રી બનશે.
ત્રણ દાયકાથી સંગઠનમાં કાર્યરત રહ્યા
મુરુગને કોલેજના દિવસોમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)થી શરૂઆત કરી હતી અને ત્રણ દાયકાથી સંગઠનમાં કાર્યરત રહ્યા છે. 'રાષ્ટ્ર પ્રથમ, પક્ષ બીજો અને સ્વયં છેલ્લે'ના સિદ્ધાંત પર તેમણે કામ કર્યું છે. તેઓ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. બે વાર રાજ્યસભાના સભ્ય રહેલા મુરુગને માહિતી-પ્રસારણ, સંસદીય બાબતો તેમજ મત્સ્યપાલન અને પશુપાલન મંત્રાલયની મહત્વની જવાબદારીઓ સંભાળી હતી.
https://x.com/DrLMurugan/status/2109979749582053586
તમિલનાડુના વિકાસ માટે કરાયેલા કાર્યોની પ્રશંસા કરી
તેમણે પત્રમાં વડાપ્રધાન દ્વારા તમિલનાડુના વિકાસ માટે કરાયેલા કાર્યોની પ્રશંસા કરી હતી. ચેન્નાઈ મેટ્રો, તુતીકોરીન બંદર વિસ્તરણ, રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો વિકાસ અને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 26 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો. મુરુગને જણાવ્યું કે મુશ્કેલીગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા અને માછીમારોના કલ્યાણ માટે વડાપ્રધાને હંમેશા સહયોગ આપ્યો છે.
પક્ષનું સંગઠન મજબૂત કરવા માગે છે.
તેમણે પત્રમાં કહ્યું કે હવે તેઓ તમિલનાડુમાં કાર્યકરો વચ્ચે રહીને પક્ષનું સંગઠન મજબૂત કરવા માગે છે. જમીની સ્તરે કામ કરીને ભાજપનો વિસ્તાર કરવાનો અને 2029ની ચૂંટણી માટે પક્ષને સજ્જ કરવાનો આ યોગ્ય સમય હોવાનું તેમનું માનવું છે.
પક્ષના કાર્યકરો સાથે મુલાકાત કરશે
મુરુગને જણાવ્યું કે તેઓ તમિલનાડુના દરેક ગામ અને શેરીઓમાં જઈને સામાન્ય લોકો તથા પક્ષના કાર્યકરો સાથે મુલાકાત કરશે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્યકરો સાથે ઊભા રહીને રાજ્યના ખૂણે-ખૂણે પક્ષની ઉપસ્થિતિ વધારવાનો છે. વડાપ્રધાનના 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ'ના મંત્રને જન-જન સુધી પહોંચાડી વિકસિત ભારતના સંકલ્પમાં દરેક પરિવારની ભાગીદારી સુનિશ્ચિત કરવાની તેમની નેમ છે.
લોકસભા ચૂંટણીમાં ભાજપને વધુ બેઠકો અપાવશે
તેમણે વડાપ્રધાનને ખાતરી આપી કે તેઓ 2029ની લોકસભા ચૂંટણીમાં ભાજપને વધુ બેઠકો અપાવવા સંપૂર્ણ શક્તિ લગાવશે. ખેતમજૂરના પુત્ર પર વિશ્વાસ મૂકીને મંત્રી બનાવવો એ તેમના જીવનનું સૌથી મોટું સન્માન હતું અને હવે તેઓ જનતા વચ્ચે રહીને એ વિશ્વાસને સાર્થક કરવા માગે છે. જોકે, મંત્રી પદેથી મુક્ત થવા અને રાજ્યસભા સભ્યપદ છોડવાની પરવાનગી માગવાથી રાજીનામું સ્વીકારાઈ ગયું હોવાની સત્તાવાર પુષ્ટિ થતી નથી.
આ પણ વાંચો : Delhi: "તમને સિસ્ટમ પર શંકા છે કે પરિણામો પર?" ચૂંટણી પંચના સમર્થનમાં 124 પૂર્વ IAS-IFS અધિકારીઓનો ખુલ્લો પત્ર