દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની બુધવાર, 11 નવેમ્બરની સવારે અચાનક તબિયત બગડી હતી. મોર્નિંગ વોક દરમિયાન તેઓ બેભાન થઈને પડી ગયા હતા અને કેટલીક મિનિટ સુધી બેભાન રહ્યા હતા. ત્યારબાદ તેમને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એમ્સ)માં દાખલ કરવામાં આવ્યા છે.

સુરક્ષાકર્મીઓ વાહનમાં ઘરે લઈ ગયા

મળતી માહિતી મુજબ, સવારે ચાલવા દરમિયાન ધનખડ અચાનક બેભાન થઈને પડી ગયા હતા. તેમની સાથે હાજર સુરક્ષાકર્મીઓ તેમને પોલીસ વાહનમાં ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બિલિયરી સાયન્સિસની તબીબી ટીમ અને એમ્સના ડૉક્ટર સંદીપ સેઠે તેમની તપાસ કરી હતી અને જરૂરી સારવાર આપી હતી.

એમ્સના કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં સારવાર

પ્રાથમિક તબીબી સહાય મળ્યા બાદ પણ તેમની તબિયતને લઈને ચિંતા યથાવત્ રહી હતી. તેથી તેમને એમ્બ્યુલન્સ મારફતે દિલ્હી એમ્સ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં તેમને હોસ્પિટલના કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. કાર્ડિયોલોજી વિભાગના ડૉક્ટરોની દેખરેખ હેઠળ તેમની તપાસ અને સારવાર ચાલી રહી છે.

તબિયત અંગે સત્તાવાર નિવેદન જાહેર થયું નથી

75 વર્ષીય જગદીપ ધનખડની હાલની તબિયત અંગે હજુ સુધી વિસ્તૃત માહિતી સામે આવી નથી. એમ્સ પ્રશાસન દ્વારા પણ કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા

ઉલ્લેખનીય છે કે જગદીપ ધનખડ ઓગસ્ટ 2022માં ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. તેમણે જુલાઈ 2025માં ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. 


આ પણ વાંચો ;   Kolkata એરપોર્ટ પર હાઇજેકનું એલર્ટ, એર ઇન્ડિયાના પાયલોટે મોકલ્યો સંદેશ