સીમાંકન બિલના મુદ્દે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) દ્વારા કેન્દ્રની ભાજપ સરકારને સમર્થન આપવાના વલણથી મહારાષ્ટ્ર કોંગ્રેસ નારાજ થઈ છે. મહારાષ્ટ્ર કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલે સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે યાદ અપાવ્યું છે કે માર્ચ 2026માં શરદ પવારને ફરી રાજ્યસભામાં મોકલવા માટે પાર્ટીએ પોતાની બેઠક પરનો દાવો છોડી દીધો હતો.
રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પવારને આપ્યો હતો ટેકો
કોંગ્રેસની પોસ્ટ મુજબ, મહારાષ્ટ્રની 7 રાજ્યસભા બેઠકો માટે માર્ચ 2026માં ચૂંટણી યોજાવાની હતી. તે સમયે શરદ પવારની પાર્ટી પાસે માત્ર 10 ધારાસભ્યો હતા. રાજ્યસભાની એક બેઠક જીતવા માટે 36 મતની જરૂર હતી. કોંગ્રેસ પાસે 16 ધારાસભ્યો હતા, જ્યારે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પાસે 20 ધારાસભ્યો હતા.
શરદ પવારની ઉમેદવારીને સમર્થન આપ્યું હતું
કોંગ્રેસે પોતાની બેઠક પરનો દાવો છોડીને શરદ પવારની ઉમેદવારીને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, સુપ્રિયા સુલેએ પવારની ઉમેદવારી માટે કોંગ્રેસના નેતાઓ પાસે ટેકો માગ્યો હતો. ત્યારબાદ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ કોઈ ખચકાટ વિના સહમતી આપી હતી. શિવસેના (ઉદ્ધવ જૂથ)એ પણ સમર્થન આપતાં મહાવિકાસ આઘાડીએ સર્વસંમતિથી પવારની ઉમેદવારીને મંજૂરી આપી હતી.
હવે ભાજપ સરકારના બિલને ટેકો આપવા સામે સવાલ
મહારાષ્ટ્ર કોંગ્રેસે પોતાની પોસ્ટમાં સવાલ કર્યો છે કે જે શરદ પવારને રાજ્યસભામાં મોકલવા માટે કોંગ્રેસે પોતાની બેઠક જતી કરી હતી, તેમની પાર્ટી હવે ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલા પરિસીમન બિલને સમર્થન આપી રહી છે. કોંગ્રેસે શરદ પવાર, સુપ્રિયા સુલે અને તેમની પાર્ટીના વર્તમાન વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે.
https://x.com/INCMaharashtra/status/2126353727498203557?a=l5Ryk6R7jF_xJdAkYaw&s=20
સુપ્રિયા સુલે INDIA ગઠબંધનની બેઠકમાં નહીં જોડાય
બીજી તરફ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)નાં કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ જણાવ્યું છે કે તેઓ શનિવારે યોજાનારી INDIA ગઠબંધનની બેઠકમાં હાજરી આપી શકશે નહીં. સંસદના વિશેષ સત્રમાં વિપક્ષની રણનીતિ અંગે ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે.
પિતા શરદ પવારની તબિયત સારી નથી
સુપ્રિયા સુલેએ જણાવ્યું કે તેમના પિતા શરદ પવારની તબિયત સારી નથી અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે. તેથી તેઓ સપ્તાહના અંતે મુંબઈમાં જ રહેશે. સુપ્રિયા સુલે બારામતીનાં લોકસભા સાંસદ છે.
શરદ પવારે કોંગ્રેસના નેતૃત્વને સંદેશ મોકલ્યાનો દાવો
સૂત્રોના જણાવ્યા અનુસાર, શરદ પવારે કોંગ્રેસના ટોચના નેતૃત્વને સંદેશ મોકલ્યો છે કે તેમના સાંસદો સાથે ભાજપની વાતચીત થઈ ગઈ છે અને તેઓ પરિસીમન બિલના સમર્થનમાં ઊભા છે. આવી સ્થિતિમાં પાર્ટીને બચાવવા માટે બિલને સમર્થન આપવું પડી રહ્યું છે, તેવો સંદેશ પવાર તરફથી મોકલાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સંસદના વિશેષ સત્રમાં બિલ રજૂ કરવાની તૈયારી
કેન્દ્ર સરકાર આગામી અઠવાડિયે સંસદના વિશેષ સત્રમાં પરિસીમન બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. અગાઉ એપ્રિલમાં વિપક્ષની એકતાને કારણે આ બિલ પસાર થઈ શક્યું નહોતું. હવે શરદ પવારની પાર્ટીના વલણને કારણે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને તેના સહયોગીઓ વચ્ચે રાજકીય ચર્ચા તેજ બની છે.
આ પણ વાંચો : Explainer : અમેરિકામાં કરેલી વર્ષોની મહેનત પર પાણી..! IBMના નિર્ણયથી હજારો ભારતીયો મુશ્કેલીમાં, વાંચો શું અસર થશે