મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ગોયલે રાહુલ ગાંધીના તમામ આરોપોને સાવ ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે સમગ્ર દેશ કોંગ્રેસનું બાળચેષ્ટા જેવું વર્તન જોઈ રહ્યો છે. કોંગ્રેસે પંચની ગરિમા ઘટાડી દીધી હતી.

કોંગ્રેસના જૂના ટ્રેક રેકોર્ડ પર આકરા સવાલો 

પીયૂષ ગોયલે કોંગ્રેસના જૂના ટ્રેક રેકોર્ડ પર આકરા સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે પોતાના શાસનમાં મુખ્ય ચૂંટણી કમિશનરને કેબિનેટમાં સ્થાન આપ્યું હતું. એટલું જ નહીં, પાર્ટીએ ચૂંટણી કમિશનરોને પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા હતા અને તેમને રાજ્યપાલ પણ બનાવ્યા હતા. 

એમ.એસ. ગિલનું ઉદાહરણ 

ગોયલે એમ.એસ. ગિલનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, તેઓ ક્યારેક સરકારમાં રહેતા, ક્યારેક ચૂંટણી કમિશનર બનતા, ક્યારેક સંસદમાં પહોંચી જતા અને ક્યારેક કેન્દ્રીય કેબિનેટમાં જતા હતા. કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કર્યો કે આ બધું સ્પષ્ટપણે એક સોદાબાજીનું જ પ્રતીક દેખાય છે. 

ટી.એન. શેષનનો ઉલ્લેખ

આ ઉપરાંત તેમણે ટી.એન. શેષનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, તેમનો સીઇસી તરીકેનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 1985ના રોજ પૂરો થયો હતો, પરંતુ તેના બે જ મહિનામાં કોંગ્રેસે તેમને રાજ્યપાલ બનાવી દીધા હતા. ગોયલે સવાલ ઉઠાવ્યો કે શું આ પદ આપવું કોઈ લાંચ આપવા સમાન નથી? કોંગ્રેસ આજે પંચ પર પ્રશ્નો ઊભા કરે છે, પરંતુ પોતાના ભૂતકાળના પક્ષપાતી નિર્ણયો અને ગેરરીતિઓને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી રહી છે. આવો ખુલ્લો પક્ષપાત કદાચ જ કોઈ સરકારમાં જોવા મળ્યો હશે.

https://x.com/ANI/status/2109944588953645369 


પાર્ટીની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા

કોંગ્રેસ પર આકરા પ્રહારો ચાલુ રાખતાં પીયૂષ ગોયલે આરોપ લગાવ્યો કે તેમના શાસનકાળમાં એક મુખ્ય ચૂંટણી કમિશનરને પાર્ટીની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક કમિશનરને કેન્દ્રીય મંત્રીમંડળમાં સીધી જગ્યા આપવામાં આવી હતી અને બે મુખ્ય ચૂંટણી કમિશનરોને રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. ગોયલે વધુમાં આરોપ લગાવ્યો કે એક વખત મુખ્ય ચૂંટણી કમિશનરે પોતાની નીચે કામ કરતા ચૂંટણી કમિશનર પર કોંગ્રેસના એજન્ટ તરીકે કામ કરવાનો ગંભીર આરોપ મૂક્યો હતો, તેમ છતાં કોંગ્રેસ સરકારે તે અધિકારીને હોદ્દા પરથી હટાવવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. 

પદનો ભારે દુરુપયોગ કર્યો 

પીયૂષ ગોયલે ગંભીર આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે ચૂંટણી કમિશનરના બંધારણીય કાર્યાલયનું સ્તર અત્યંત નીચલા સ્તરે પહોંચાડી દીધું હતું અને આ પદનો ભારે દુરુપયોગ કર્યો હતો. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ માટે ચૂંટણી કમિશનરોએ આપેલી સેવાઓના બદલામાં તેમને સત્તાવાર રીતે રાજકીય પુરસ્કારો અને પદો વહેંચવામાં આવતા હતા.

અગાઉ સીઇસીની નિમણૂકમાં કોઈ સલાહ-સૂચન થતું ન હતું

પીયૂષ ગોયલે વર્ષ 2005ના બનાવનો ઉલ્લેખ કરી સોનિયા ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, સોનિયા ગાંધીએ નવીન ચાવલાને કમિશનર બનાવ્યા હોવાનું કહેવાતું હતું, પરંતુ સરકાર બહાર હોવા છતાં તેઓ આ નિર્ણય કેવી રીતે લઈ શકે? તે સમયે સરકાર કોણ ચલાવી રહ્યું હતું તે મોટો સવાલ છે. વધુમાં તેમણે જણાવ્યું કે કેરળના પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી ટીકારામ મીણાને એક વર્ષ પછી કોંગ્રેસના સભ્ય બનાવી રાજસ્થાન ચૂંટણી મેનિફેસ્ટો ટીમમાં સામેલ કરાયા હતા. તેમણે ઉમેર્યું કે અગાઉ સીઇસીની નિમણૂકમાં કોઈ સલાહ-સૂચન થતું ન હતું. 


આ પણ વાંચો   :   Delhi: "તમને સિસ્ટમ પર શંકા છે કે પરિણામો પર?" ચૂંટણી પંચના સમર્થનમાં 124 પૂર્વ IAS-IFS અધિકારીઓનો ખુલ્લો પત્ર