PM Modi Birthday: અભિનેતા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ શત્રુઘ્ન સિંહા ફરી એકવાર પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના એક દિવસ પહેલાં શત્રુઘ્ન સિંહાએ સોશિયલ મીડિયા પર પીએમ મોદી સાથેની કેટલીક જૂની તસવીરો શેર કરી હતી. આ તસવીરો સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
પીએમ મોદી સાથેની તસવીરો શેર કરી
શત્રુઘ્ન સિંહાએ શેર કરેલી એક તસવીરમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે લગાવતા જોવા મળે છે. જ્યારે બીજી તસવીરમાં બંને એકબીજા સાથે હાથ મિલાવતા નજરે પડે છે. આ તસવીરો સાથે શત્રુઘ્ન સિંહાએ ખાસ સંદેશ પણ લખ્યો હતો.
https://twitter.com/ShatruganSinha/status/2100114403408630156
શત્રુઘ્ન સિંહાએ શું લખ્યું?
શત્રુઘ્ન સિંહાએ પોતાની પોસ્ટમાં લખ્યું, 'કાલે શુભેચ્છાઓની ભીડમાં ખોવાઈ જાઓ તે પહેલાં તમને એડવાન્સમાં જન્મદિવસની શુભેચ્છા. તમને આ અંદાજ કેવો લાગ્યો? અમારા મિત્ર, સમાજના મિત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમને સારી તંદુરસ્તી, પ્રેમ, ખુશી, શાંતિ અને આગળનું સ્વસ્થ જીવન મળે. ભગવાન તમારું ભલું કરે.'
- શત્રુઘ્ન સિંહા રાજકારણમાં પ્રવેશ કરતા પહેલાં તેઓ હિન્દી સિનેમાના જાણીતા કલાકારોમાં સામેલ હતા. તેમણે પુણે સ્થિત ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાંથી અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવી હતી.
- શત્રુઘ્ન સિંહાને 'સાજન', 'પ્રેમ પૂજારી' અને 'મેરે અપને' જેવી ફિલ્મોમાં કામ કર્યા બાદ ઓળખ મળવા લાગી હતી. વર્ષ 1976માં આવેલી 'કાલીચરણ' તેમના ફિલ્મી કરિયરની મહત્વની ફિલ્મોમાં ગણાય છે. ત્યારબાદ તેમણે 'વિશ્વનાથ', 'દોસ્તાના', 'કાલા પથ્થર', 'નસીબ' સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.
- ફિલ્મોમાં સફળતા મેળવ્યા બાદ શત્રુઘ્ન સિંહાએ રાજકારણનો રસ્તો પસંદ કર્યો. તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે પોતાની રાજકીય સફરની શરૂઆત કરી હતી.
- વર્ષ 1992માં તેમણે નવી દિલ્હી લોકસભા બેઠકની પેટાચૂંટણીથી ચૂંટણી રાજકારણમાં પગ મૂક્યો હતો. આ ચૂંટણીમાં તેમનો મુકાબલો અભિનેતા રાજેશ ખન્ના સાથે થયો હતો.
- વર્ષ 1996 અને 2002માં શત્રુઘ્ન સિંહા રાજ્યસભા માટે ચૂંટાયા હતા. તેઓ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહ્યા હતા.
- આ પછી શત્રુઘ્ન સિંહાએ પટના સાહિબ લોકસભા બેઠક પરથી વર્ષ 2009 અને 2014માં લોકસભા ચૂંટણી જીતી હતી. જોકે, વર્ષ 2019માં તેમણે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો અને પટના સાહિબથી ચૂંટણી લડી હતી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
- વર્ષ 2022માં શત્રુઘ્ન સિંહા તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં જોડાયા હતા. ત્યારબાદ પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં તેમણે જીત મેળવી હતી અને ફરી એકવાર સંસદમાં વાપસી કરી હતી.
- વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં પણ શત્રુઘ્ન સિંહા તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે આસનસોલ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. હાલમાં તેઓ આસનસોલથી લોકસભાના સાંસદ છે.
આ પણ વાંચો: PM મોદીના જન્મદિવસથી દેશભરમાં શરૂ કરાશે 'સેવા સંકલ્પ અભિયાન'