Ministers Performance Review: સરકારના વિવિધ ક્ષેત્રોમાં કામગીરીની સમીક્ષા કરવા માટે આવતીકાલે સાંજે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. તેમાં ખાસ કરીને સામાજિક ન્યાય અને સામાજિક કલ્યાણના ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાંજે આ બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠકમાં વિવિધ મંત્રાલયો, મંત્રીઓ અને તેમના સમગ્ર કામકાજની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે. સમીક્ષા બેઠક માટે માત્ર એવા રાજ્ય મંત્રીઓ (MoS) અને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રીઓના એક વર્ગને બોલાવવામાં આવ્યા છે, જેમના મંત્રાલયો સામાજિક ન્યાય અને સામાજિક કલ્યાણ સાથે સંબંધિત છે.

કયા મંત્રાલયોનું કામકાજ થશે રિવ્યૂ?

આવતીકાલની બેઠકમાં જે મંત્રાલયો પર ખાસ ધ્યાન રહેશે અને જેમના કામકાજની સમીક્ષા કરવામાં આવશે તેમાં શિક્ષણ મંત્રાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, કૃષિ મંત્રાલય વગેરેનો સમાવેશ થાય છે. આ બેઠકમાં મંત્રીઓના કામકાજનું મૂલ્યાંકન કરવામાં આવશે. જવાબદારી અંગે પણ ચર્ચા થશે.

આગામી દિવસોમાં વધુ બેઠકો યોજાશે

રાજ્ય મંત્રીઓના અન્ય વર્ગ સાથે પણ આગામી દિવસોમાં આવી વધુ બેઠકો યોજાશે. આ બેઠકોને રાજ્ય મંત્રીઓની કામગીરી સાથે પણ જોડવામાં આવી રહી છે. ભવિષ્યમાં થનારા કેબિનેટ ફેરબદલમાં પણ તેની અસર જોવા મળી શકે છે. કેબિનેટ વિસ્તરણ સમયે આ પ્રકારની પ્રક્રિયા અગાઉથી થતી આવી છે

‘કામોની સતત સમીક્ષા થવી જોઈએ’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બરમાં જળ શક્તિ મંત્રાલયની બે દિવસીય રાષ્ટ્રીય શિખર પરિષદના સમાપન સત્રની અધ્યક્ષતા કરી હતી. તેમણે કહ્યું હતું કે પરિષદમાં આપવામાં આવેલા સૂચનોને નક્કી કરેલા સમયમાં લાગુ કરવા જોઈએ. સાથે જ, આ કામોની સતત સમીક્ષા પણ થવી જોઈએ, જેથી જરૂરિયાત મુજબ તેમાં સુધારા કરી શકાય. વડાપ્રધાને શહેરોની વધતી વસ્તી અને ભવિષ્યમાં પાણીની જરૂરિયાત જેવા પડકારોને લઈને સ્થાનિક સંસ્થાઓને જાગૃત કરવાની વાત કરી હતી. તેમણે શહેરી વિસ્તારોમાં પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધુ સારી તૈયારી કરવા પર ભાર મૂક્યો હતો.

પાણી બચાવતી ટેક્નોલોજી અપનાવવા પર ભાર

વડાપ્રધાને પાણી બચાવતી ટેક્નોલોજીને વધુ પ્રમાણમાં અપનાવવા માટે પણ કહ્યું હતું. તેમણે ભારતીય ઉત્પાદકો અને સંબંધિત લોકોને વધુ સારા અને અસરકારક ઉકેલો વિકસાવવા તથા તેને મોટા પાયે લાગુ કરવામાં મદદ કરવા માટે ખાસ પ્રદર્શનો અને વર્કશોપ યોજવાનું સૂચન કર્યું હતું. આ માધ્યમથી સમગ્ર દુનિયામાં અપનાવવામાં આવતી શ્રેષ્ઠ પદ્ધતિઓની માહિતી પણ સામેલ કરી શકાય છે.

આ પણ વાંચો: PM મોદીએ મેટ્રોમાં કરી મુસાફરી, બાળકો સાથે કરી વાતચીત