કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના પુસ્તક ‘બિલોંગિંગ: અ જર્ની ઑફ લવ’ને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વિવાદ ઊભો થયો છે. એકનાથ શિંદે જૂથની શિવસેનાએ આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. શિવસેનાનો આરોપ છે કે આ પુસ્તકમાં સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર અને મરાઠી અસ્મિતાનું અપમાન કરવામાં આવ્યું છે. આ મુદ્દે શિવસેનાના નેતાઓએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. વિરોધ દરમિયાન પુસ્તકનાં કેટલાંક પાનાં ફાડીને પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
શિંદે જૂથની શિવસેનાએ પુસ્તકના પ્રકાશક હાર્પરકોલિન્સ સમક્ષ પણ વાંધો ઉઠાવ્યો
શિંદે જૂથની શિવસેનાએ પુસ્તકના પ્રકાશક હાર્પરકોલિન્સ સમક્ષ પણ વાંધો ઉઠાવ્યો છે. પક્ષે પુસ્તકનાં પાનાં નંબર 201 અને 443 દૂર કરવાની માંગ કરી છે. શિવસેનાના નેતાઓનો દાવો છે કે આ પાનાંમાં વીર સાવરકર વિશે વાંધાજનક વાતો લખવામાં આવી છે. આ સાથે તેમણે સવાલ ઉઠાવ્યો છે કે વીર સાવરકર વિશે પ્રમાણપત્ર આપનાર સોનિયા ગાંધી કોણ છે? પક્ષે એવો પણ આરોપ લગાવ્યો છે કે પુસ્તકમાં ઇતિહાસને તોડી-મરોડીને રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
શાઇના એનસીએ સોનિયા ગાંધીને આપી ચેતવણી
આ વિવાદમાં શિંદે જૂથનાં નેતા શાઇના એનસીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જો કોઈ ઇતિહાસને બદલવાનો અથવા તેને છુપાવવાનો પ્રયાસ કરશે તો તેઓ આવું થવા દેશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે મહારાષ્ટ્ર આ મુદ્દે સોનિયા ગાંધીને માફ નહીં કરે.
https://x.com/ANI/status/2122962046279184652?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2122962046279184652%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
શાઇના એનસીએ સ્વાતંત્ર્ય સંગ્રામ અને રાષ્ટ્રનિર્માણમાં ભારતીયોના યોગદાનનો ઉલ્લેખ કરતાં સવાલ કર્યો હતો કે શું સોનિયા ગાંધી રાષ્ટ્રનિર્માણનો સાચો અર્થ જાણે છે? શું તેઓ એ બલિદાન વિશે જાણે છે, જે આઝાદી મેળવવા માટે કરોડો ભારતીયોએ આપ્યું હતું?
તેમના મતે, દેશના ઇતિહાસ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને યોગ્ય રીતે રજૂ કરવું જરૂરી છે. કોઈ પણ વ્યક્તિએ ઇતિહાસને પોતાની રીતે રજૂ કરીને લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવી જોઈએ નહીં.
ઉદ્ધવ ઠાકરેની ચુપકીદી પર સંજય નિરુપમનો સવાલ
આ સમગ્ર વિવાદમાં શિંદે જૂથના નેતા સંજય નિરુપમે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) જૂથના નેતા ઉદ્ધવ ઠાકરેને પણ નિશાન બનાવ્યા છે. તેમણે સવાલ કર્યો છે કે આટલો મોટો વિવાદ ઊભો થયો હોવા છતાં ઉદ્ધવ ઠાકરે મૌન કેમ છે?
સંજય નિરુપમે દાવો કર્યો છે કે સોનિયા ગાંધીનાં આત્મસંસ્મરણ ‘બિલોંગિંગ: અ જર્ની ઑફ લવ’માં વીર સાવરકર અને મરાઠી અસ્મિતાનું અપમાન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ બધું હોવા છતાં ઉદ્ધવ ઠાકરેએ આ પુસ્તકને સ્વીકારવાનું પસંદ કર્યું છે.
https://x.com/ANI/status/2122967043981119496?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2122967043981119496%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
નિરુપમે પોતાના નિવેદનમાં જૂની રાજકીય ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભૂતકાળમાં મણિશંકર ઐયરે વીર સાવરકર વિશે અપમાનજનક નિવેદન આપ્યું હતું ત્યારે બાળાસાહેબ ઠાકરેએ તેમની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.
આ સંદર્ભમાં સંજય નિરુપમે ઉદ્ધવ ઠાકરેને સવાલ કર્યો કે જો બાળાસાહેબ ઠાકરે સાવરકરના સન્માન માટે રસ્તા પર ઉતરી શકતા હતા, તો ઉદ્ધવ ઠાકરે સોનિયા ગાંધીના પુસ્તક સામે વિરોધ કેમ નથી કરતા?
મહારાષ્ટ્રના રાજકારણમાં વિવાદ વધુ વકરવાની શક્યતા
સોનિયા ગાંધીના પુસ્તકને લઈને શરૂ થયેલો આ વિવાદ હવે માત્ર પુસ્તકના બે પાનાં પૂરતો મર્યાદિત રહ્યો નથી. તેમાં વીર સાવરકરનું સન્માન, મરાઠી અસ્મિતા અને મહારાષ્ટ્રની રાજકીય વિચારધારાનો મુદ્દો પણ જોડાઈ ગયો છે. શિંદે જૂથની શિવસેનાએ પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની સાથે પ્રકાશક સમક્ષ પણ પોતાની માંગ રજૂ કરી છે.
https://x.com/ANI/status/2122962483896004918?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2122962483896004918%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
હવે આ મામલે કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે જૂથ અને પુસ્તકના પ્રકાશક તરફથી શું પ્રતિક્રિયા આવે છે તેના પર સૌની નજર રહેશે. આ વિવાદ આગામી દિવસોમાં મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ ચર્ચાનો વિષય બની શકે છે.
આ પણ વાંચો: NVIDIAમાં જેનસન હુઆંગની વાપસી પર પૂર્ણવિરામ! CEO બનાવવાનો બોર્ડનો સ્પષ્ટ ઇનકાર