₹19,934 કરોડના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી, આસામમાં નવું એરપોર્ટ અને પોસ્ટ ઓફિસોની કાયાપલટ થશે

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપકરણોના ઉત્પાદનને પ્રોત્સાહન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશના માળખાગત વિકાસ અને જાહેર સેવાઓને મજબૂત કરવા માટે કુલ પાંચ મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે. આ પાંચેય પ્રોજેક્ટ્સ માટે કુલ ₹19,934 કરોડનું બજેટ મંજૂર કરાયુ છે. આ નિર્ણયોમાં સૌથી મોટી યોજના કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ સ્કીમ છે, જેના પર ₹11,000 કરોડ ખર્ચ કરવામાં આવશે. આ યોજનાનો હેતુ દેશમાં બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપકરણોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે.

સિલચર ખાતે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ 

આ ઉપરાંત, દરિયાઈ વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષમતા વધારવા માટે તમિલનાડુના કામરાજાર પોર્ટ પર બીજું કન્ટેનર ટર્મિનલ બનાવવા માટે ₹4,288 કરોડની મંજૂરી આપવામાં આવી છે. પૂર્વોત્તર ભારતમાં હવાઈ સંપર્કને વેગ આપવા માટે આસામના સિલચર ખાતે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવા માટે ₹2,014 કરોડ મંજૂર કરાયા છે.

બે મોટી યોજનાઓને લીલી ઝંડી

કેબિનેટે ટપાલ વિભાગના આધુનિકીકરણ માટે પણ બે મોટી યોજનાઓને લીલી ઝંડી આપી છે. જેમાં પોસ્ટલ ઓપરેશન્સ સ્કીમ માટે ₹1,141 કરોડ અને એસ્ટેટ્સ મેનેજમેન્ટ સ્કીમ માટે ₹1,491 કરોડ ફાળવવામાં આવ્યા છે. એસ્ટેટ્સ મેનેજમેન્ટ સ્કીમ હેઠળ ટપાલ વિભાગની ઇમારતોનું નવું નિર્માણ, જીર્ણોદ્ધાર, હેરિટેજ સંરક્ષણ, સોલર પેનલ લગાવવી અને કાર્યસ્થળના વાતાવરણમાં સુધારો કરવા જેવા કાર્યો હાથ ધરાશે, જેનાથી પોસ્ટ ઓફિસની સુવિધાઓ વધુ બહેતર બનશે.

આ પણ વાંચોઃ જેને લોકોએ લગ્નનું કાર્ડ સમજ્યુ તે અંગે અભિનેત્રી આરુષિ નિશંકે તોડ્યું મૌન