West Bengal Politics: પશ્ચિમ બંગાળમાં રાજકીય હલચલ તેજ થઈ છે. નંદીગ્રામમાં મમતાએ જે સંચિતા પ્રધાનને ઉમેદવાર જાહેર કર્યા હતા, તેમણે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સાથે મુલાકાત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે સંચિતા અહીં ભાજપના સમર્થનમાં પક્ષ બદલી શકે છે. આ પહેલા ગુરુવારે મમતા બેનર્જીની પાર્ટી TMCનું ચૂંટણી ચિહ્ન ચૂંટણી પંચે ફ્રીઝ કરી દીધું હતું. શુક્રવારે સંચિતા પ્રધાન મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીને મળવા નબાન્ન (સચિવાલય) પહોંચ્યા હતા. થોડા દિવસ પહેલા જ સંચિતાને નંદીગ્રામ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.
શુભેન્દુ અધિકારીનો ગઢ મનાય છે નંદીગ્રામ
2021માં નંદીગ્રામ બેઠક પરથી શુભેન્દુ અધિકારી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. શુભેન્દુને હરાવવા માટે મમતા બેનર્જીએ અહીંથી ઉમેદવારી નોંધાવી હતી. જોકે, મમતા બેનર્જી આ બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ શુભેન્દુ અધિકારીને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા હતા. 2026ની ચૂંટણીમાં પણ શુભેન્દુ અહીંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.
શુભેન્દુએ નંદીગ્રામ બેઠક છોડી
2026માં ભવાનીપુરની સાથે નંદીગ્રામ બેઠક પર પણ શુભેન્દુ અધિકારીને જીત મળી હતી. ત્યારબાદ શુભેન્દુએ નંદીગ્રામ બેઠક છોડી દીધી હતી. અહીં ભાજપે શુભેન્દુના પૂર્વ PA ચંદ્રનાથ રથની માતા હાસિરાની રથને ઉમેદવાર બનાવ્યા છે. ચૂંટણી પરિણામ આવ્યા બાદ તરત જ ચંદ્રનાથની હત્યા કરવામાં આવી હતી.
6 ઓક્ટોબરે પેટાચૂંટણી, 9 ઓક્ટોબરે પરિણામ
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર નંદીગ્રામ બેઠક પર ચૂંટણી થાય તો 6 ઓક્ટોબરે મતદાન થશે અને 9 ઓક્ટોબરે મતગણતરી કરવામાં આવશે. 16 સપ્ટેમ્બર અહીં ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ હતી. ઋતબ્રતાના જૂથે અહીંથી મોહમ્મદ એતેશામુલને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે કોંગ્રેસના સિમ્બલ પર મિલન પ્રધાન ઉમેદવાર છે. સીપીઆઈએ ગોપાલ ગિરીને મેદાનમાં ઉતાર્યા છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના કારણે આ બેઠક ચર્ચામાં છે.
નંદીગ્રામ પેટાચૂંટણીને લઈને TMCનું સિમ્બલ ફ્રીઝ
નંદીગ્રામ બેઠક પર પેટાચૂંટણીને કારણે શુક્રવારે ચૂંટણી પંચે TMCના સિમ્બલ અંગે નિર્ણય લીધો હતો. આ પહેલા લાંબી સુનાવણી બાદ ગુરુવારે ચૂંટણી પંચે સિમ્બલ ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો હતો. હકીકતમાં ઋતબ્રત બેનર્જી જૂથનો દાવો છે કે તેમની પાસે ધારાસભ્યોની સંખ્યા છે અને તેથી તેઓ અસલી TMCનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે મમતા જૂથનું કહેવું છે કે સંખ્યાબળ તેમની પાસે છે.
આ પણ વાંચો: મમતા બેનર્જીની TMCમાં મોટો વિવાદ, 28 વર્ષ જૂનું નામ-ચિહ્ન ચૂંટણી પંચે ફ્રીઝ કર્યું