West Bengal Politics: તૃણમૂલ કોંગ્રેસની અંદર ચાલી રહેલા આંતરિક સંઘર્ષ વચ્ચે વધુ એક મોટો રાજકીય ફેરફાર આવ્યો છે. અમદંગા ધારાસભ્ય કાસિમ સિદ્દીકીએ બળવાખોર જૂથ છોડીને મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસમાં પરત ફરવાની જાહેરાત કરી છે. થોડા મહિના પહેલાં જ તેઓ ઋતબ્રત બેનર્જીના નેતૃત્વવાળા બળવાખોર જૂથમાં સામેલ થયા હતા.કાસિમ સિદ્દીકીએ દાવો કર્યો કે તેઓ હંમેશા મમતા બેનર્જીની સાથે રહ્યા છે અને ભવિષ્યમાં પણ તેમના નેતૃત્વમાં જ રહેશે. બળવાખોર જૂથમાં સામેલ થતાં સમયે તેમને વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે આ જૂથ પણ મમતા બેનર્જીના નેતૃત્વમાં કામ કરશે. પરંતુ બાદમાં તેમને સમજાયું કે આ જૂથની પ્રવૃત્તિઓમાં તૃણમૂલ પ્રમુખનો કોઈ ઉલ્લેખ જ નહોતો.

દીદી અમારા માટે બધું જ છે- કાસિમ

કાસિમે જણાવ્યું કે તેમને એક દસ્તાવેજ પર સહી કરવા માટે કહેવામાં આવ્યું હતું અને જણાવાયું હતું કે સહી મમતા બેનર્જી સુધી પહોંચશે. પરંતુ જ્યારે તેઓ ત્યાં ગયા ત્યારે તેમણે જોયું કે તે દસ્તાવેજમાં મમતાનું નામ કે તેમના નેતૃત્વનો કોઈ ઉલ્લેખ નહોતો. તેમણે કહ્યું, "દીદી અમારા માટે બધું જ છે. તેમણે અમને ટિકિટ આપી, વિધાનસભામાં મોકલ્યા. અમે તેમની તસવીર આગળ રાખીને મત માગ્યા અને લોકોએ અમને મત આપ્યો. અમે દીદીની સાથે છીએ અને જ્યાં સુધી અહીં છીએ ત્યાં સુધી તેમની સાથે રહીશું."

મુસ્લિમ સમુદાયમાં ઘણો પ્રભાવ

કાસિમ સિદ્દીકી પીરજાદાના નામથી ઓળખાય છે. તેઓ મુસ્લિમ સમુદાયના કેટલાક વર્ગોમાં ઘણો પ્રભાવ ધરાવે છે. ગયા વર્ષે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા બાદ તેમને પાર્ટીના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. બાદમાં તૃણમૂલ કોંગ્રેસે તેમને અમદંગા વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા અને તેમણે ચૂંટણી જીતી હતી. સિમની મમતા બેનર્જીના જૂથમાં વાપસી એવા સમયે થઈ છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસની અંદર વિપક્ષના નેતૃત્વ અને વિધાનસભામાં પાર્ટીના પ્રતિનિધિત્વને લઈને તીવ્ર આંતરિક સંઘર્ષ ચાલી રહ્યો છે. બળવાખોર જૂથે વિધાનસભા અધ્યક્ષના નિર્ણયને પડકાર્યો છે અને બહુમતી સાબિત કરવા માટે ગૃહમાં ફ્લોર ટેસ્ટની માંગ કરી છે. સ્થિતિમાં તૃણમૂલ ધારાસભ્ય કુણાલ ઘોષે દાવો કર્યો કે અધ્યક્ષનો નિર્ણય અસ્થાયી છે અને વિધાનસભામાં પાર્ટીના અધિકૃત પ્રતિનિધિના નામની જાહેરાત કરવાનો અધિકાર મુખ્ય પાર્ટી પાસે છે. તેમના અનુસાર, પાર્ટી અધ્યક્ષને જાણ કરશે કે વિધાનસભામાં તૃણમૂલના અધિકૃત પ્રતિનિધિ તરીકે કોણ કામ કરશે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ