સુનેત્રા પવારનો જન્મ 18 ઑક્ટોબર 1963ના રોજ મહારાષ્ટ્રના ધારાશિવ (પૂર્વે ઉસ્માનાબાદ) જિલ્લામાં એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમણે ઔરંગાબાદ (હવે છત્રપતિ સંભાજીનગર) સ્થિત S.B. કોલેજમાંથી બી.કોમ. સુધીનું શિક્ષણ મેળવ્યું. શરૂઆતથી જ તેઓ શિસ્તબદ્ધ, સંયમી અને જમીન સાથે જોડાયેલ વ્યક્તિ તરીકે ઓળખાતા હતા.
મજબૂત રાજકીય પૃષ્ઠભૂમિ
સુનેત્રા પવાર રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના પિતા બાજીરાવ પાટિલ એક સ્વતંત્રતા સેનાની અને સ્થાનિક સ્તરે પ્રભાવશાળી વ્યક્તિત્વ હતા. તેમના ભાઈ પદ્મસિંહ બાજીરાવ પાટિલ મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટું નામ છે. તેઓ અનેક વખત ધારાસભ્ય અને સાંસદ રહ્યા હતા તેમજ 1980ના દાયકામાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી તરીકે સેવા આપી હતી. એટલે કે પવાર પરિવાર સાથે જોડાયા પહેલાંથી જ સુનેત્રાનો રાજકારણ સાથેનો નાતો મજબૂત હતો.
અજિત પવાર સાથે લગ્ન
1985માં સુનેત્રા પવારના લગ્ન શરદ પવારના ભત્રીજા અને મહારાષ્ટ્રના કદાવર નેતા અજિત પવાર સાથે થયા. આ લગ્ન માત્ર વ્યક્તિગત નહીં પરંતુ રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ હતા. શરદ પવાર અને પદ્મસિંહ પાટિલ વચ્ચેની મિત્રતાએ આ સંબંધને મજબૂતી આપી. લગ્ન બાદ, સુનેત્રા લાંબા સમય સુધી જાહેર રાજકારણથી દૂર રહ્યા હતા અને પરિવાર તથા સામાજિક કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
સામાજિક કાર્યમાં મહત્વપૂર્ણ યોગદાન
રાજકારણથી દૂર રહીને પણ સુનેત્રા પવારે સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી. બારામતી નજીક પવાર પરિવારના પૈતૃક ગામ કાઠેવાડીમાં તેમણે સ્વચ્છતા, પાણી વ્યવસ્થાપન અને ગ્રામ વિકાસ માટે કામ કર્યું. તેમના પ્રયાસોના પરિણામે 2006માં કાઠેવાડી ગામને “નિર્મલ ગ્રામ”નો દરજ્જો મળ્યો અને ખુલ્લામાં શૌચમુક્ત જાહેર થયું.
2008માં બારામતીમાં હાઇ-ટેક ટેક્સટાઇલ
આ ઉપરાંત, 2008માં બારામતીમાં સ્થાપિત થયેલા હાઈ-ટેક ટેક્સટાઇલ પાર્કમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી. લગભગ 65 એકરમાં ફેલાયેલા આ પાર્કમાં આજે 15,000થી વધુ લોકોને રોજગારી મળે છે, જેમાં મોટાભાગે મહિલાઓ છે. મહિલા સશક્તિકરણના દ્રષ્ટિકોણથી આ પ્રોજેક્ટને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
રાજકારણમાં સક્રિય પ્રવેશ
ઘણા વર્ષો સુધી પડદા પાછળ રહીને કામ કર્યા બાદ, સુનેત્રા પવારે 2023 પછી સક્રિય રાજકારણમાં પગલું મૂક્યું. NCPના વિભાજન બાદ તેઓ અજિત પવાર સાથે રાજકીય મંચ પર આવ્યા. 2024ની લોકસભા ચૂંટણીમાં તેમણે બારામતી બેઠક પરથી ચૂંટણી લડી, જ્યાં તેમનો મુકાબલો શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે સાથે થયો. આ ચૂંટણી પવાર પરિવારના રાજકીય વિભાજનનું પ્રતીક બની. જોકે, સુનેત્રાને આ ચૂંટણીમાં પરાજય મળ્યો.
રાજ્યસભામાં ભૂમિકા
લોકસભા ચૂંટણી બાદ, જૂન 2024માં સુનેત્રા પવારને રાજ્યસભાના સાંસદ તરીકે નામાંકિત કરવામાં આવ્યા. ટૂંકા સમયમાં જ તેમણે સંસદમાં સક્રિય હાજરી નોંધાવી. તેમણે અત્યાર સુધી 126 પ્રશ્નો પૂછ્યા છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે. કૃષિ, પશ્ચિમ ઘાટનું સંરક્ષણ, રેલ્વે પ્રોજેક્ટ્સ અને નાસિક કુંભ મેળા 2027 જેવા મુદ્દાઓ પર તેમણે ખાસ ધ્યાન આપ્યું છે. ફેબ્રુઆરી 2025માં તેમને રાજ્યસભાના ઉપાધ્યક્ષોની પેનલમાં પણ સ્થાન મળ્યું.
અજિત પવારના અવસાન બાદ રાજકીય વળાંક
28 જાન્યુઆરીએ થયેલી વિમાન દુર્ઘટનામાં અજિત પવારના અવસાન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ખાલીપો સર્જાયો. NCP (અજિત જૂથ) ના નેતૃત્વ અંગે પ્રશ્નો ઊભા થયા. આવી સ્થિતિમાં, સુનેત્રા પવારને મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : JEE Main 2026 : એપ્રિલ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો? શું કરવું અને શું ન કરવું? જાણો