ભાજપે બિહાર ચૂંટણી માટે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. લોક ગાયિકા મૈથિલી ઠાકુર આ યાદીમાં ટોચ પર છે. 2 દિવસ પહેલા ભાજપમાં જોડાયેલા મૈથિલી ઠાકુરને ભાજપે દરભંગા જિલ્લાની અલીનગર બેઠક માટે ઉમેદવાર બનાવ્યા છે.
અલિનગર બેઠક પર અત્યાર સુધી માત્ર ત્રણ વાર ચૂંટણીઓ યોજાઈ
આ બેઠકની વાત કરીએ તો દરભંગા જિલ્લાની અલીનગર વિધાનસભા બેઠકનું અસ્તિત્વ 2008ના સીમાંકન પછી આવ્યું છે. અગાઉ આ બેઠક મણિગાછી વિધાનસભા મતવિસ્તારનો ભાગ હતી. અલિનગર બેઠક પર અત્યાર સુધી માત્ર ત્રણ વાર ચૂંટણીઓ યોજાઈ છે. 2025માં આ બેઠક પર ચોથી વખત ચૂંટણી થશે.
લાલુપ્રસાદની આરજેડીનો દબદબો
ભુતકાળની ત્રણ ચૂંટણીની વાત કરીએ તો અલીનગર વિધાનસભા બેઠક પર 2010, 2015 અને 2020માં લાલુપ્રસાદની આરજેડી જીતી હતી. આ ત્રણ ચૂંટણીઓમાં, વરિષ્ઠ આરજેડી નેતા અબ્દુલ બારી સિદ્દીકી બે વાર જીત્યા હતા, 2010 અને 2015 માં આરજેડી ટિકિટ પર તે જીત્યા હતા. જોકે હવે અબ્દુલ બારી સિદ્દીકી બિહાર વિધાન પરિષદના સભ્ય બન્યા છે અને ચૂંટણી રાજકારણથી દૂર થઈ ગયા છે. આમ તો અલીનગર વિધાનસભા બેઠક ઓપન કેટેગરીની બેઠક છે તેમ છતાં, અબ્દુલ બારી સિદ્દીકી અહીંથી સતત બે ચૂંટણી જીત્યા.
2020 ની બિહાર વિધાનસભા ચૂંટણી રોચક હતી
2020 ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં, આરજેડીએ અલીનગર બેઠક પરથી અબ્દુલ બારી સિદ્દીકીની ટિકિટ વિનોદ મિશ્રાને આપી હતી પણ વિનોદ મિશ્રા હારી ગયા હતા. તે સમયે વીઆઈપીના મિશ્રી લાલ યાદવે આરજેડીના વિનોદ મિશ્રાને હરાવ્યા હતા . જો કે જાણવું જરુરી છે કે 2015 ની વિધાનસભા ચૂંટણીમાં, મિશ્રી લાલ યાદવ ભાજપના ઉમેદવાર હતા અને આરજેડીના અબ્દુલ બારી સિદ્દીકી સામે હારી ગયા હતા.
અલીનગર બેઠક પર બ્રાહ્મણ અને મુસ્લિમ મતદારો નિર્ણાયક
અલીનગર મતવિસ્તાર, જ્યાંથી મૈથિલી ઠાકુર પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે, ત્યાં જાતિનું સમીકરણ પણ રસપ્રદ છે. અલીનગર બિહારના એવા થોડા વિધાનસભા મતવિસ્તારોમાંનો એક છે જ્યાં બ્રાહ્મણ અને મુસ્લિમ મતવિસ્તાર નિર્ણાયક ભૂમિકા ભજવે છે. અલીનગરમાં અનુસૂચિત જાતિની વસ્તી આશરે 12.37 ટકા અને મુસ્લિમ વસ્તી 21.2 ટકા છે. આ મતવિસ્તારમાં નોંધપાત્ર બ્રાહ્મણ મતવિસ્તાર પણ છે. પરિણામે, એવું કહેવાય છે કે અલીનગરમાં બ્રાહ્મણ અને મુસ્લિમ મતવિસ્તારનું મિશ્રણ બનાવવામાં સફળ રહેનાર ઉમેદવાર જીતે છે.
મૈથિલી ઠાકુર બ્રાહ્મણ સમુદાયના છે.
કલાકારો જાતિ અને ધર્મથી પરે હોવા છતાં, મૈથિલી ઠાકુર હવે ચૂંટણી લડી રહ્યા છે, તેથી લોકો તેમની જાતિ જાણવા માટે ઉત્સુક છે. યુવા લોક ગાયિકા બ્રાહ્મણ છે. એવું માનવામાં આવે છે કે જો મૈથિલી મુસ્લિમ વસ્તી ધરાવતા આ મતવિસ્તારમાં ચૂંટણી જીતે છે, તો ભાજપ તેનો ઉપયોગ દેશમાં એક સંદેશ મોકલવા માટે કરી શકે છે. મૈથિલી ઠાકુરે ઘણા ટીવી રિયાલિટી શોમાં ભાગ લીધો છે. લાઈવ શો ઉપરાંત, તે તેના સુરીલા અવાજને કારણે યુટ્યુબ પર ખૂબ લોકપ્રિય છે.