મહાગઠબંધનનો ભાગ રહેલા આરજેડી અને કોંગ્રેસે બિહાર વિધાનસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન કર્યું. એનડીએની આંધી એવી ફૂંકાઇ હતી કે મહાગઠબંધનનો સંયુક્ત આંકડો 40 સુધી પહોંચવામાં પણ નિષ્ફળ ગયો છે. કોંગ્રેસ પાર્ટીના આ સૌથી ખરાબ પ્રદર્શન પર હવે પ્રશ્નો ઉઠી રહ્યા છે. પાર્ટીના જ કેટલાક નેતાઓએ અસંતોષ વ્યક્ત કર્યો છે જેનાથી હાઇકમાન્ટનું ટેંશન વધી શકે છે
પીએમ મોદીએ કોંગ્રેસ પાર્ટીમાં મોટા વિભાજનની આશંકા વ્યક્ત કરી હતી
ચૂંટણીમાં એનડીએના પ્રચંડ વિજય પછી ભાજપ કાર્યાલય પર ઉજવણી કાર્યક્રમમાં આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં એક નવો જૂથ ઉભરી રહ્યું છે, જે નકારાત્મક રાજકારણથી અસ્વસ્થ છે. કોંગ્રેસના નેતાઓ જે માર્ગ અપનાવી રહ્યા છે તે અંગે લોકોમાં ઊંડી નિરાશા છે. પીએમ મોદીએ કોંગ્રેસ પાર્ટીમાં મોટા વિભાજનની આશંકા વ્યક્ત કરી હતી.
જો હાઇકમાન્ડ હવે જાગશે નહીં, તો ભવિષ્યમાં ગંભીર સંકટ ઊભું થશે
પીએમ મોદી તો વિપક્ષના હોવાથી આ ટિપ્પણીઓ કરી હતી જે સ્વાભાવિક ગણાય પરંતુ હવે કોંગ્રેસ પાર્ટીની અંદર જ ટિકિટ વિતરણ, બૂથ સ્તરે નબળાઈઓ અને નેતૃત્વની નબળાઈઓ અંગે પ્રશ્નો કરાઇ રહ્યા છે. પટણામાં, કોંગ્રેસના નેતા કૃપાનાથ પાઠકે કહ્યું કે પાર્ટીના ટોચના નેતૃત્વને સચોટ માહિતી આપવામાં આવી નથી, જેના કારણે ચૂંટણીમાં નિષ્ફળતાઓ થઈ છે. તેમણે ચેતવણી આપી હતી કે જો હાઇકમાન્ડ હવે જાગશે નહીં, તો ભવિષ્યમાં ગંભીર સંકટ ઊભું થશે
ટિકિટ વિતરણમાં વિલંબ સહિત પાર્ટી દ્વારા જ ભૂલો કરવામાં આવી
બિહાર ચૂંટણી પછી, ભૂતપૂર્વ રાજ્ય પ્રમુખ અને રાજ્યસભા સાંસદ અખિલેશ પ્રસાદ સિંહે પણ પરિણામો પર નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ટિકિટ વિતરણમાં વિલંબ સહિત પાર્ટી દ્વારા જ ભૂલો કરવામાં આવી હતી, જેના કારણે ચૂંટણી પરિણામો પર અસર પડી હતી. અખિલેશે બિહાર કોંગ્રેસના ચૂંટણી પ્રભારી કૃષ્ણ અલ્લવારુને દોષી ઠેરવ્યા હતા. તેમણે પ્રશ્ન કર્યો હતો કે આ મૈત્રીપૂર્ણ લડાઈ શા માટે થઈ.
કૃષ્ણ અલ્લવારુ અને સંજય યાદવ આ માટે સંપૂર્ણપણે જવાબદાર
કોંગ્રેસ-રાજદ ગઠબંધનમાં સંતુલનના અભાવના મુદ્દાને સંબોધતા અખિલેશ પ્રસાદ સિંહે કહ્યું હતું કે કૃષ્ણ અલ્લવારુ અને સંજય યાદવ આ માટે સંપૂર્ણપણે જવાબદાર છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે વરિષ્ઠ નેતાઓને બાજુ પર રાખવામાં આવ્યા હતા અને બહારના લોકોને બિહાર કોંગ્રેસનું નિયંત્રણ સોંપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ પરિણામોની સંપૂર્ણ સમીક્ષા કર્યા પછી નક્કર પગલાં લેવાની જરૂર છે.
મુમતાઝ પટેલે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા
નેહરુ-ગાંધી પરિવારના નજીકના સહયોગી સ્વર્ગસ્થ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે પણ કોંગ્રેસ પાર્ટીના હાઇકમાન્ડ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, "હવે કોઈ બહાનું નહી ચાલે કે કોઇ દોષારોપણ પણ નહી ચાલે... પાર્ટી વારંવાર હારી રહી છે કારણ કે સત્તા થોડા વ્યક્તિઓના હાથમાં કેન્દ્રિત છે જેઓ જમીની વાસ્તવિકતાઓથી સંપૂર્ણપણે કપાયેલા છે." મુમતાઝ પટેલે કહ્યું કે મુસ્લિમ વોટ બેંકને હળવાશથી લેવામાં આવે છે. તેથી, જ્યારે પણ તેમને ત્રીજો વિકલ્પ (AIMIM) મળે છે, ત્યારે તેઓ તેના તરફ ઝુકાવ કરે છે.