દેશનું મુખ્ય ચૂંટણી પંચ આવતીકાલે બપોરે મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરવા જઇ રહ્યું છે. ચૂંટણી પંચના અધિકારીએ મીડિયાને આ પ્રેસ કોન્ફરન્સની માહિતી આપી છે. મનાઇ રહ્યું છે કે હાલ ચાલી રહેલા એસઆઇઆર મુદ્દે ચૂંટણી પંચ મહત્વની જાણકારીઓ આપી શકે છે.
આવતીકાલની પ્રેસ કોન્ફરન્સ અસામાન્ય
આમ તો ચૂંટણીની જાહેરાત કરવા માટે જ સામાન્ય રીતે ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવતી હોય છે કારણ કે અન્ય મુદ્દાઓ પર ક્યારેય ચૂંટણી પંચ આ પ્રકારે પ્રેસ કોન્ફરન્સ કરતું નથી જેથી આવતીકાલની પ્રેસ કોન્ફરન્સ અસામાન્ય કહી શકાય તેમ છે.
એજન્ડા શું છે તે જાહેર કરાયું નથી
જો કે ચૂંટણી પંચે કેમ આ પ્રેસ કોન્ફરન્સ રાખી છે અને તેનો એજન્ડા શું છે તે જાહેર કરાયું નથી. જો કે અધિકારીઓ કહે છે કે ચૂંટણી પંચ પર લગાવાયેલા આરોપો સંબંધીત આ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે.
મતદાતા ડેટામાં હેરાફેરી કરવાનો આરોપ
રાહુલ ગાંધી વારંવાર ચૂંટણી પંચ પર મતદાતા ડેટામાં હેરાફેરી કરવાનો આરોપ લગાવી રહ્યા છે અને તેમણે દાવો પણ કર્યો હતો કે મહારાષ્ટ્ર, કર્ણાટક અને હરિયાણામાં વોટ ચોરી કરવામાં આવી હતી
ચૂંટણી પંચે કોંગ્રેસ નેતાને તેમના નામ જાહેર કરવા કહ્યું
જો કે ચૂંટણી પંચે કોંગ્રેસ નેતાને તેમના નામ જાહેર કરવા કહ્યું છે જેમના વિશે તેમણે દાવો કરેલો છે કે તેમના નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી હટાવાયા છે. સાથે જ એફિડેવીટ પણ રજૂ કરવા કહ્યું છે અને જો એફિડેવીટ ના કરે તો માફી માગવા પણ કહ્યું છે.
હટાવાયેલા 65 લાખ નામોનું લિસ્ટ પ્રકાશીત કરવા ચૂંટણી પંચને જણાવ્યું
બિહારમાં એસઆઇઆરનો મુદ્દો વિપક્ષી પાર્ટીએ જોરશોરથી ઉઠાવ્યો છે અને દાવો કર્યો છે કે આ પગલાંથી કરોડો યોગ્ય મતદાતા કાગળોના અભાવમાં મતાધિકારથી વંચીત રહેશે સુપ્રીમ કોર્ટે પણ પારદર્શીતા દાખવી હટાવાયેલા 65 લાખ નામોનું લિસ્ટ પ્રકાશીત કરવા ચૂંટણી પંચને જણાવ્યું છે.