બિહાર સરકારના મંત્રી નીતિન નબિનને ભાજપમાં એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટીએ તેમને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. પટણાના બાંકીપુરથી પાંચ વખત ધારાસભ્ય બનેલા નીતિન નબિન ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ છે. પટણામાં જન્મેલા નીતિન નબિન ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય કિશોર પ્રસાદ સિંહાના પુત્ર છે અને હાલમાં બિહારમાં નીતિશ કુમાર સરકારમાં માર્ગ બાંધકામ મંત્રી છે.આ વર્ષે બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને સુપરત કરાયેલા સોગંદનામા મુજબ નીતિન નબિનની પત્નીનું નામ દીપમાલા શ્રીવાસ્તવ છે. તેમને એક પુત્ર અને એક પુત્રી છે.
નીતિન નબિન અને તેમની પત્ની પાસે કેટલી સંપત્તી
નીતિન નબિને પોતાના સોગંદનામામાં પોતાની જંગમ મિલ્કતનું કુલ મૂલ્ય આશરે 99,71,478 જાહેર કર્યું છે. જ્યારે તેમની પત્નીની જંગમ મિલ્કત આશરે ₹66.52 લાખ હોવાનો અંદાજ છે.જ્યારે સ્થાવર સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે કોઈ ખેતીની જમીન કે રહેણાંક/વાણિજ્યિક ઇમારતો નથી. તેમની પત્ની પાસે આશરે ₹1.47 કરોડની સ્થાવર સંપત્તિ છે.નીતિન નબિન પાસે વિવિધ બેંક ખાતાઓ અને ફિક્સ્ડ ડિપોઝિટમાં આશરે ₹42,60,961.75 છે. તેમની પાસે બે વાહનો એક સ્કોર્પિયો અને એક ઇનોવા ક્રિસ્ટા છે.તેમની પત્ની, દીપમાલા શ્રીવાસ્તવ પાસે આશરે ₹54,30,555.69 ની બેંક ડિપોઝિટ છે. આ ઉપરાંત તેમણે એડલવાઈસ,HDFC,ICICI, ઇન્વેસ્કો અને નિપ્પોન ઈન્ડિયા જેવા પ્રતિષ્ઠિત ફંડ્સમાં શેર અને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા લગભગ ₹6,44,700 નું રોકાણ કર્યું છે. જ્વેલરીની વાત કરીએ તો તેમની પત્ની પાસે 70 ગ્રામ સોનું અને 400 ગ્રામ ચાંદી છે, જ્યારે નબિન પાસે ₹1.40 લાખના સોનાના ઘરેણાં છે. તેમની પત્ની પાસે ફતુહાના મૌજા દરિયાપુરમાં ₹28.97 લાખની ખેતીલાયક જમીન છે.
