વૃંદાવનમાં આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજના શિષ્ય રસિક દુલારી શરણ ઉર્ફે દીપક લોધીના શંકાસ્પદ મૃત્યુ બાદ કેલી કુંજ આશ્રમની વ્યવસ્થા અને નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર આશ્રમ સાથે જોડાયેલા કેટલાક શિષ્યોના વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આશ્રમમાં સેવા આપતા શિષ્યોના પોશાક અને દીક્ષાના નિયમોમાં મહત્વના બદલાવ કરવામાં આવ્યા છે. જોકે, આ બાબતે હજુ સુધી આશ્રમ અથવા સંચાલક મંડળ તરફથી કોઈ સત્તાવાર નિવેદન કે પુષ્ટિ કરવામાં આવી નથી.

ડ્રેસ કોડ ચેન્જ કરાશે?

વાયરલ થઈ રહેલા દાવાઓ અનુસાર, આશ્રમના તમામ શિષ્યો હવે સફેદ કે પીળો અચલા નહીં પહેરે. જે શિષ્યો ગૃહસ્થ જીવન જીવે છે અથવા દુકાન, ગાડી ચલાવવા કે અન્ય વ્યાવસાયિક કામોમાં રોકાયેલા છે, તેમને સાદા કપડાં અથવા કુર્તા-પાયજામા પહેરવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, જે શિષ્યો સંપૂર્ણપણે ત્યાગી છે અને કેલી કુંજ આશ્રમની સેવામાં સક્રિય રીતે જોડાયેલા છે, માત્ર તેમને જ સફેદ વસ્ત્રો પહેરવાની છૂટ આપવામાં આવશે. આ ફેરફારોને દીપક લોધીના દુઃખદ મૃત્યુ બાદ લેવાયેલા પગલાં તરીકે જોડવામાં આવી રહ્યા છે.

વાતો અને દાવાઓની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી કરાઇ

આ ઉપરાંત, ભવિષ્યમાં આશ્રમમાં દીક્ષા મેળવવા ઈચ્છુક નવા શિષ્યો માટેના નિયમોમાં પણ કડકાઈ કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. નવા શિષ્યોની પસંદગી અને નિયંત્રણો માટે નવા માપદંડો નક્કી થઈ શકે છે. જો કે, આ તમામ વાતો અને દાવાઓની કોઈ સત્તાવાર પુષ્ટિ ન હોવાને કારણે શ્રદ્ધાળુઓ અને અનુયાયીઓમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. આશ્રમ દ્વારા સત્તાવાર ખુલાસો ન થાય ત્યાં સુધી આ તમામ બાબતો માત્ર અટકળો સમાન જ ગણવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ભારત અને અમેરિકામાં સોનાના ભાવમાં આટલો બધો તફાવત કેમ? આ રહ્યુ અસલી કારણ