પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજના શિષ્ય દીપક કુમાર (જેઓ રસિક દુલારી સરન તરીકે પણ ઓળખાતા હતા) ના શંકાસ્પદ મૃત્યુનો મામલો દિવસેને દિવસે વધુ ગંભીર અને રહસ્યમય બનતો જઈ રહ્યો છે. મધ્યપ્રદેશના જબલપુરના રહેવાસી દીપક લોધી (રસિક બિહારી શરણ) વૃંદાવનમાં કેલી કુંજ ખાતે ભક્ત તરીકે રહેતા હતા. શુક્રવારે બપોરે આશ્રમની ચાર માળની રહેણાંક ઇમારત પરથી શંકાસ્પદ સંજોગોમાં નીચે પડી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ આશ્રમ સંચાલકોની ભૂમિકા અને મૃતકના શરીર પર મળી આવેલી ઈજાઓ અંગે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.

મૃતકના પરિવારે આશ્રમ સંચાલકો સામે લગાવ્યા આક્ષેપ

મૃતકના પરિવારે આશ્રમ સંચાલકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારજનોનું કહેવું છે કે તેમને ઘટનાની જાણ ખૂબ જ મોડેથી અને શંકાસ્પદ રીતે કરવામાં આવી હતી. દીપકની બહેન અને ભાઈએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા બે વર્ષથી દીપકને મળવાનો સતત પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ આશ્રમના અધિકારીઓ તેમને કોઈને કોઈ બહાનું ધરીને મળવા દેતા ન હતા. પરિવારના જણાવ્યા મુજબ, જ્યારે તેઓ સવારે ૩ વાગ્યે આશ્રમ પહોંચ્યા ત્યારે તેમને કલાકો સુધી બહાર બેસાડી રાખવામાં આવ્યા અને કોઈ સંતોષકારક માહિતી આપવામાં આવી ન હતી.

મૃતકના શરીક પર ગંભીર ઇજાના નિશાન

આ ઘટનામાં સૌથી મોટો વિવાદ એ વાતને લઈને છે કે આશ્રમ તેને આત્મહત્યા ગણાવી રહ્યો છે, જ્યારે મૃતકના શરીર પર ગંભીર ઈજાઓ અને લોહીથી ખરડાયેલી ધોતી જોવા મળી હતી. સ્થાનિક લોકો અને સંતોમાં પણ ચર્ચા છે કે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરતા પહેલા આવી ગંભીર હાલતમાં કેવી રીતે આવી શકે.

પોલીસ કરી રહી છે તપાસ

પોલીસ પ્રશાસન આ મામલે સક્રિય બન્યું છે. એસપી સિટી રાજીવ કુમાર સિંહે જણાવ્યું હતું કે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રૂમ અને ફોન સહિતના ફોરેન્સિક પુરાવા એકત્રિત કર્યા છે. સીસીટીવી ફૂટેજ પણ તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે. પરિવાર તરફથી લેખિત ફરિયાદ મળ્યા બાદ પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ બાદ જ આ રહસ્યમય મોત પાછળનું સાચું સત્ય બહાર આવશે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ ભારતને UN સુરક્ષા પરિષદમાં મળવું જોઈએ કાયમી સભ્યપદ, રશિયન વિદેશ મંત્રીનું મોટું નિવેદન