દિલ્હીમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સરકાર ઇલેક્ટ્રિક વાહનો (EVs)ને વધુ પ્રોત્સાહન આપવા તરફ આગળ વધી રહી છે. આવનારી ઇલેક્ટ્રિક વાહન નીતિના ડ્રાફ્ટમાં પેટ્રોલ અને CNG વાહનો પર 1 થી 2 ટકા સુધીનો ગ્રીન સેસ લાદવાનો પ્રસ્તાવ સામેલ છે. આ નીતિ આવતા વર્ષથી અમલમાં આવી શકે છે, જેના કારણે પરંપરાગત ઇંધણવાળા વાહનોની કિંમતમાં વધારો થવાની શક્યતા છે.


દિલ્હીમાં ડીઝલ વાહનો પર 1 ટકા ગ્રીન સેસ

હાલમાં દિલ્હીમાં ડીઝલ વાહનો પર 1 ટકા ગ્રીન સેસ લેવામાં આવે છે, જેને વધારીને 2 ટકા કરવાનો વિચાર છે. હવે આ જ પ્રકારનો સેસ પેટ્રોલ અને CNG વાહનો પર પણ લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, EV નીતિનો ડ્રાફ્ટ જાન્યુઆરીમાં જાહેર થવાની શક્યતા છે અને માર્ચ સુધીમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

મોંઘા બનાવીને ઇલેક્ટ્રિક વાહનોને વધુ આકર્ષક

આ નીતિનો મુખ્ય હેતુ પરંપરાગત ઇંધણ વાહનોને તુલનાત્મક રીતે મોંઘા બનાવીને ઇલેક્ટ્રિક વાહનોને વધુ આકર્ષક બનાવવાનો છે. વાહનોમાંથી થતા ઉત્સર્જનને દિલ્હીની ખરાબ હવાની ગુણવત્તાનું એક મોટું કારણ માનવામાં આવે છે. તેથી સરકાર EV અપનાવવાની ગતિ વધારીને પ્રદૂષણ ઘટાડવા માંગે છે.

ગ્રીન સેસમાંથી એકત્ર થનારી રકમનો ઉપયોગ

ગ્રીન સેસમાંથી એકત્ર થનારી રકમનો ઉપયોગ EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે કરવામાં આવશે. શહેરભરમાં વધુ ચાર્જિંગ સ્ટેશનો, ઝડપી ચાર્જિંગ સુવિધાઓ અને અન્ય માળખાકીય વિકાસ માટે આ ફંડ ઉપયોગી બનશે. બીજી તરફ, પેટ્રોલ અને CNG વાહનોના ઓન-રોડ ભાવમાં વધારો થવાની સંભાવના છે, જ્યારે EV માટે સબસિડી અને અન્ય પ્રોત્સાહનો ચાલુ રાખવામાં આવશે.

ગ્રીન સેસ શું છે?

ગ્રીન સેસ એ પર્યાવરણીય સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ માટે વસૂલવામાં આવતો વધારાનો કર છે. તેનો હેતુ વાહનોથી થતું પ્રદૂષણ ઘટાડવાનો અને સ્વચ્છ પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે. આ સેસમાંથી મળતી આવકનો ઉપયોગ પર્યાવરણને અનુકૂળ યોજનાઓ, જેમ કે EV ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છ ઊર્જા અને પ્રદૂષણ નિયંત્રણ પગલાં માટે થાય છે. સામાન્ય કરવેરાની તુલનામાં, ગ્રીન સેસ ચોક્કસ પર્યાવરણીય હેતુ સાથે જોડાયેલો હોય છે. દિલ્હી સરકારના મંત્રી મનજિંદર સિંહ સિરસાએ જણાવ્યું હતું કે આગામી એક વર્ષ માટે દિલ્હીની બહારથી આવતાં તમામ વાહનો માટે પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ (PUCC) ફરજિયાત રહેશે. પ્રદૂષણ ફેલાવતા વાહનો સામે કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે.

 BS-6 ઉત્સર્જન

તેમણે સ્પષ્ટ કર્યું હતું કે BS-6 ઉત્સર્જન ધોરણથી નીચેના વાહનો પર ખાસ નજર રાખવામાં આવશે અને “નો PUCC, નો ફ્યુઅલ” નિયમ કડક રીતે લાગુ થશે. BS-3 કે BS-4 જેવી શ્રેણીના પ્રદૂષણ ફેલાવતા વાહનો પર દંડ પણ વસૂલવામાં આવશે. ખાસ કરીને દિલ્હીની બહારથી આવતાં એવા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવશે, જેમણે માન્ય PUCC નથી.

EV અપનાવવાની પ્રક્રિયા ઝડપથી આગળ

આ પગલાંથી EV અપનાવવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધશે અને લાંબા ગાળે પ્રદૂષણમાં ઘટાડો થઈ શકે છે. જોકે, પેટ્રોલ અને CNG વાહનો વાપરતા મધ્યમ વર્ગના લોકો પર વધારાનો આર્થિક બોજ પણ પડશે. સરકાર EV ડિસ્કાઉન્ટ, સબસિડી અને ચાર્જિંગ નેટવર્કના વિસ્તરણ જેવી જોગવાઈઓ દ્વારા સંતુલન સાધવાનો પ્રયાસ કરી રહી છે. ડ્રાફ્ટ નીતિ પર જાહેર સૂચનો પણ માંગવામાં આવશે, જેથી તેને વધુ વ્યવહારુ બનાવી શકાય. દિલ્હીને સ્વચ્છ અને હરિયાળું બનાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પરંતુ પડકારજનક પગલું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : West Bengalના CEO મનોજ અગ્રવાલની સુરક્ષામાં વધારો, ગૃહ મંત્રાલયે Y+ કેટેગરીની સુરક્ષા આપી


  • Follow us on: