Punjab: અમૃતસરના શ્રી ગુરુ રામ દાસ જી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો, જેના કારણે સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર જવાની ફરજ પડી હતી. સાવચેતીના પગલા તરીકે ઘણી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં બે થી ચાર શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા હતા.


મળતી માહીતિ અનુસાર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ રનવે નજીક શંકાસ્પદ પ્રવૃત્તિ જોતા તાત્કાલિક ચેતવણી જારી કરી હતી અને સુરક્ષા કારણોસર દિલ્હી અને ચંદીગઢ આવતી સાત ફ્લાઇટ્સને ડાયવર્ટ કરી હતી.


સંવેદનશીલ વિસ્તાર પર ડ્રોન ફરતા હતા

શંકાસ્પદ ડ્રોન અથવા તેમના જેવા ઉડતા પદાર્થો રાજાલા ગામની દિશામાંથી એરપોર્ટની નજીક આવતા જોવા મળ્યા હતા. ડ્રોન રનવે અને આસપાસના સંવેદનશીલ વિસ્તાર પર ઘણી મિનિટો સુધી ફરતા રહ્યા. રનવે નજીક શંકાસ્પદ પ્રવૃત્તિ જોતા, ATC એ ચેતવણી જારી કરી હતી, અને કેટલીક ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી.


સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર; સર્ચ ઓપરેશન શરૂ

આ એક સરહદી જિલ્લો હોવાથી આ ઘટનાને ગંભીર સુરક્ષા ભંગ તરીકે ગણવામાં આવી હતી અને CISF, પંજાબ પોલીસ અને અન્ય કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક એલર્ટ પર રાખવામાં આવી હતી. આ ઘટના બાદ, સુરક્ષા દળોએ રાજાલા ગામ અને એરપોર્ટને અડીને આવેલા સરહદી વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ટેકનિકલ ટીમો ડ્રોન ઓપરેટરોને ઓળખવા અને તેમના ચોક્કસ ઉડાન માર્ગને શોધવા માટે રડાર અને CCTV ફૂટેજની તપાસ કરી રહી છે. એરપોર્ટ અધિકારીઓ જણાવે છે કે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને સુરક્ષા એજન્સીઓ સાથે સંકલનમાં તપાસ ચાલી રહી છે.


એર ટ્રાફિક કંટ્રોલ ચેતવણી જાહેર કરી

આ ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. રનવે નજીક શંકાસ્પદ ગતિવિધિ જોયા પછી, એર ટ્રાફિક કંટ્રોલે તાત્કાલિક કાર્યવાહી કરીને ચેતવણી જારી કરી અને સુરક્ષા કારણોસર દિલ્હી અને ચંદીગઢ તરફ આવતી સાત ફ્લાઇટ્સને ડાયવર્ટ કરી. મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપતા, ATC એ વિમાનના ઉતરાણને અટકાવ્યું અને ઉડાન માર્ગો બદલી નાખ્યા.


7 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી


મલેશિયા એરલાઇન્સ (MH-118): કુઆલાલંપુરથી અમૃતસર (દિલ્હી તરફ ડાયવર્ટ)

ઇન્ડિગો (6E-5028): મુંબઈથી અમૃતસર (ચંદીગઢ તરફ ડાયવર્ટ)

ઇન્ડિગો (6E-2045): દિલ્હીથી અમૃતસર (ચંદીગઢ તરફ ડાયવર્ટ)

એર ઇન્ડિયા (AI-479): દિલ્હીથી અમૃતસર (દિલ્હી પરત)

એર ઇન્ડિયા (AI-855): દિલ્હીથી અમૃતસર (દિલ્હી પરત)

ઇન્ડિગો (6E-1428): શારજાહથી અમૃતસર (દિલ્હી તરફ ડાયવર્ટ)

એર ઇન્ડિયા એક્સપ્રેસ (IX-138): શારજાહથી અમૃતસર (દિલ્હી તરફ ડાયવર્ટ)

આ પણ વાંચો: Manipurમાં સેના અને આસામા રાઇફલ્સનું મોટું ઓપરેશન, અથડામણમાં 2 ઉગ્રવાદી ઠાર અને 2 ઘાયલ