પંજાબમાં ભારે વરસાદને પગલે રાજ્યને આપત્તિગ્રસ્ત જાહેર કર્યુ છે. જ્યારે 1400થી વધુ ગામો પૂરથી અસરગ્રસ્ત થયા છે. 4.5 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. જ્યારે ભારે વરસાદને કારણે પંજાબમાં અત્યાર સુધીમાં 37 લોકોના મોતના આંકડા સામે આવ્યા છે. 3.5 લાખ એકર જમીનના પાક પાણીમાં ડૂબી ગઈ છે. રાજ્ય સરકારે 71 કરોડ રૂપિયાનુ ફંડ જાહેર કર્યુ છે. પંજાબમાં હજી પણ સ્થિતિ વધુ ખરાબ થઈ શકે તેમ છે કારણ કે આગામી બે દિવસ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
7 સપ્ટેમ્બર સુધી સ્કુલો, કોલેજો રહેશે બંધ
રાજ્યના દરેક વિભાગોને અસરગ્રસ્ત સેવાઓને પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરવા આદેશ આપવામાં આવ્યા છે. તમામ વિભાગોના કર્મચારીઓની રજાઓ રદ કરી દેવાઈ છે. મુખ્ય સચિવે તમામ જિલ્લા કલેક્ટરો અને વિભાગોને રાહત કામગીરીમાં ઝડપ લાવવાનો આદેશ આપ્યો છે. શિક્ષણમંત્રી હરજોત બૈન્સે તમામ સરકારી, ગ્રાન્ટેડ, માન્યતા પ્રાપ્ત, ખાનગી સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓ અને પોલીટેક્નિક સંસ્થાઓને 7 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અગાઉ આ સંસ્થાઓને 3 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનું નક્કી કરાયું હતું.










