આપણે સુનિલ શેટ્ટીની ફિલ્મનો એ જાણીતો ડાયલોગ તો સાંભળ્યો જ હશે
“તુમ મુઝે ભૂલ જાઓ યે હો નહીં સકતા… ઔર મેં તુમ્હે ભૂલ જાને નહીં દૂંગા. તુમ સિરફ મેરી હો, અંજલી.”
ફિલ્મમાં આ ડાઇલોગ ડ્રામા લાગે છે, પણ એક ક્ષણ માટે વિચારો—જો આવી વાત કોઈ હકીકતમાં જીવવા લાગેએ તો? જો પ્રેમના નામે કબજો, અને લાગણીના નામે પાગલપન જાગે તો? માણસની માનસિક સ્થિતિ ક્યારે અંધકારમાં સરકી જાય છે, એ આપણને ખબર પણ ન પડે. પંજાબના તરનતારનમાં બનેલો આ કિસ્સો એ જ કડવી હકીકત બતાવે છે, જ્યાં ફિલ્મી ડાયલોગ હકીકતમાં ફેરવાઈ ગયો અને અંત આવ્યો ગોળીની અવાજ સાથે.
વ્યક્તિગત લાગણીઓ ક્યારેક ગંભીર સ્વરુપ
પંજાબના તરનતારનમાં આવેલી એક LAWની કોલેજમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ સમાજને ફરી એકવાર વિચારવા મજબૂર કર્યો છે કે વ્યક્તિગત લાગણીઓ ક્યારેક કેટલું ભયંકર રૂપ લઈ શકે છે. માહિતી મુજબ, કાયદાની વિદ્યાર્થીની સંદીપ કૌર પોતાના વર્ગમાં બેઠી હતી ત્યારે તેના સહાધ્યાયી પ્રિન્સ રાજ અચાનક વર્ગખંડમાં ઘૂસી આવ્યો. બધું સામાન્ય ચાલી રહ્યું હતું, પરંતુ થોડા જ પળોમાં વાતાવરણ ભય અને ગભરાટમાં ફેરવાઈ ગયું.
પિસ્તોલ કાઢી અને નજીકથી સંદીપ પર ગોળી
સાક્ષીઓના જણાવ્યા મુજબ, પ્રિન્સ રાજે પોતાની બેગમાંથી પિસ્તોલ કાઢી અને નજીકથી સંદીપ પર ગોળી ચલાવી દીધી. ગોળી વાગતા જ સંદીપ ઘટનાસ્થળે ઢળી પડી. વિદ્યાર્થીઓ અને શિક્ષકો કંઈ સમજી શકે તે પહેલાં જ આરોપીએ ફરી પિસ્તોલ લોડ કરી અને પોતાના માથામાં ગોળી મારી દીધી. આરોપીની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવે છે.
ના પાડવા છતા પડ્યો હતો પાછળ
પરિવારના જણાવ્યા મુજબ, સંદીપની સગાઈ થઈ ગઈ હતી અને ત્યારથી જ પ્રિન્સ રાજ તેને વારંવાર હેરાન કરતો હતો. તે વારંવાર સંદીપને પ્રપોઝ કરતો અને ના મળતા ગુસ્સે થઈ જતો. સંદીપે સ્પષ્ટ કહ્યું હતું કે તેની સગાઈ થઈ ગઈ છે અને હવે તે આગળ કોઈ સંબંધ રાખવા ઈચ્છતી નથી. છતાં આરોપી આ વાત સ્વીકારી શક્યો નહોતો.
સંદીપની બહેનનું શું કહેવું છે?
સંદીપની બહેન મનપ્રીત કૌરે જણાવ્યું કે પ્રિન્સ ઘણી વખત તેમના ઘરે પણ આવ્યો હતો અને તેની હરકતોને કારણે પરિવાર ચિંતિત હતો. શુક્રવારે તેણે સંદીપને ધમકી જેવી વાત કરી હતી કે “જો તું મારી નથી તો હું તને બીજા કોઈની પણ થવા નહીં દઉં.” ત્યારબાદ શનિવાર-રવિવારની રજા પછી સોમવારે કોલેજમાં આ ભયાનક ઘટના બની.
એક વધુ મહત્વનો મુદ્દો હથિયાર
આ કેસમાં એક વધુ મહત્વનો મુદ્દો હથિયારનો છે. પોલીસને આરોપી પાસેથી .32 કેલિબર પિસ્તોલ મળી આવી છે. તપાસમાં એ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે આ હથિયાર તેને ક્યાંથી મળ્યું અને કોલેજની સુરક્ષામાં એવી કઈ ખામી રહી કે હથિયાર અંદર લાવવામાં આવ્યું. કેટલાક અહેવાલ મુજબ આરોપીના પિતા સુરક્ષા દળ સાથે જોડાયેલા રહ્યા હોવાની વાત પણ સામે આવી છે, જેને લઈને હથિયારની માલિકી અંગે તપાસ ચાલી રહી છે.
શૈક્ષણિક સંસ્થાઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો
આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. વિદ્યાર્થીઓના માતા-પિતા હવે પોતાના બાળકોની સલામતી અંગે ચિંતિત છે. સાથે સાથે, સમાજમાં વધતી જતી હિંસક માનસિકતા અને “અસ્વીકાર સહન ન કરી શકવાની” વૃત્તિ પર પણ ચર્ચા શરૂ થઈ છે. પોલીસે જણાવ્યું છે કે બંને વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધ, હેરાનગતિના આરોપો અને હથિયારના સ્ત્રોત સહિત તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. સંદીપ કૌર વકીલ બનવાનું સપનું જોતી હતી, પરંતુ એકતરફી લાગણીઓ અને ગુસ્સાની અસરથી એક ઉજ્જવળ ભવિષ્ય અચાનક સમાપ્ત થઈ ગયું.
