દિવાળીનો તહેવાર પંજાબના આ પરિવાર માટે એવી ખુશીઓ લઈને આવ્યો, જેની તેમણે કલ્પના પણ નહીં કરી હોય. માત્ર ₹200ની માસિક લોટરી ટિકિટથી પરિવારને દોઢ કરોડ રૂપિયા જીતવાની તક મળી. ખાસ વાત એ છે કે જે દિવસે પરિવારની લોટરી લાગી, એ જ દિવસે તેમના ઘરે એક દીકરીનો જન્મ પણ થયો હતો. એક તરફ દીકરીના જન્મની ખુશી અને બીજી તરફ દોઢ કરોડ રૂપિયા જીતવાના સમાચારથી પરિવારની દિવાળી બમણી ખુશીઓ લઈને આવી.
આ સમગ્ર મામલો પંજાબના માનસા જિલ્લાના બુઢલાડા પાસે આવેલા સૈદેવાલા ગામનો છે. અહીં રહેતા એક પરિવારે ₹200ની લોટરી ટિકિટ દ્વારા દોઢ કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ જીત્યું છે. બુઢલાડાના ભીખી રોડ પર આવેલી ધન્ના લોટરી સ્ટોલના માલિક ધન્ના સિંહે આ માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું કે શનિવારે એક વ્યક્તિ તેમની દુકાન પર આવ્યો હતો. તેણે હરમન કૌર નામની મહિલા માટે લોટરીની ટિકિટ ખરીદી હતી. આ જ ટિકિટમાં દોઢ કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ લાગ્યું છે. લોટરીનું પરિણામ જાહેર થતાં જ સ્ટોલના સંચાલક અને વિજેતા પરિવારના સભ્યોમાં ખુશી છવાઈ ગઈ હતી.
લોટરીમાં દોઢ કરોડ રૂપિયા જીતનાર યુદ્ધવીર સિંહે જણાવ્યું કે તેઓ પત્નીનું અલ્ટ્રાસાઉન્ડ કરાવવા આવ્યા હતા. પત્નીને અલ્ટ્રાસાઉન્ડ સેન્ટર પર છોડ્યા બાદ તેમણે લોટરી સ્ટોલ પરથી ટિકિટ ખરીદી હતી. આ ટિકિટ તેમણે પોતાની પત્ની હરમન કૌરના નામે લીધી હતી. યુદ્ધવીરે કહ્યું કે તેમના ઘરે જન્મેલી દીકરી લક્ષ્મી બનીને આવી છે અને તેના આગમન સાથે જ પરિવાર પર ધનની વર્ષા થઈ છે.
ઘરે દીકરીનો જન્મ અને પરિવારને દોઢ કરોડ જીતવાના સમાચાર
આ સમગ્ર ઘટનાને વધુ ખાસ બનાવતી વાત એ છે કે શનિવારે જ વિજેતા પરિવારના ઘરે દીકરીનો જન્મ થયો હતો. જોકે, નવજાત બાળકીની તબિયત સારી ન હોવાથી પરિવારના સભ્યો તેને તબીબી તપાસ માટે લઈ ગયા છે.
લોટરી સ્ટોલના માલિક ધન્ના સિંહે જણાવ્યું કે પરિવાર પરત ફરશે ત્યારે તેમને સ્ટોલ પર બોલાવીને સન્માનિત કરવામાં આવશે. હાલમાં પરિવારના ઘરે નાનકડી દીકરીના જન્મ અને દોઢ કરોડ રૂપિયાની લોટરી લાગવાની બેવડી ખુશી છે. માત્ર ₹200ની ટિકિટથી મળેલી આ મોટી રકમને કારણે પરિવાર માટે આ દિવાળી હંમેશાં યાદગાર બની રહેશે.