પંજાબમાં મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા બાદ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 7,97,263 નવા મતદારોનાં નામ ઉમેરવામાં આવ્યાં છે, જ્યારે કુલ 13,60,316 નામ કાપવામાં આવ્યાં છે. રાજ્યની તમામ 117 વિધાનસભા બેઠકોની મતદાર યાદી જાહેર કરવામાં આવી છે.

જૂન મહિનામાં SIRની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે પંજાબમાં કુલ 2,14,61,043 નોંધાયેલા મતદારો હતા. હવે જાહેર કરાયેલી અંતિમ યાદીમાં મતદારોની સંખ્યા 2,01,00,727 છે. જે લાયક મતદારોનાં નામ હજુ યાદીમાં સામેલ નથી, તેઓ ECIનેટ ઍપ દ્વારા ઑનલાઇન અથવા પોતાના વિસ્તારના બૂથ લેવલ ઑફિસર (BLO) પાસે ફોર્મ નંબર 6 ભરીને નામ નોંધાવવા અરજી કરી શકે છે.

જૂનમાં શરૂ થઈ હતી SIRની પ્રક્રિયા

ભારતના ચૂંટણી પંચના નિર્દેશો અને 14 મે, 2026ના રોજ જાહેર કરાયેલી સૂચનાને પગલે પંજાબમાં મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન 2026ની પ્રક્રિયા 25 જૂન, 2026થી શરૂ કરવામાં આવી હતી. પંજાબનો આ પ્રક્રિયાના ત્રીજા તબક્કામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. 9 જૂન, 2026 સુધી રાજ્યમાં કુલ 2,14,61,043 નોંધાયેલા મતદારો હતા.

નોટિસ આપવામાં આવેલા 35,49,036 મતદારોમાંથી 86,038 મતદારોને વ્યાપક તપાસ અને કારણો દર્શાવતા આદેશ બાદ અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા.

મતદાર યાદીના પ્રારંભિક મુસદ્દામાં કુલ 1,93,94,435 મતદારોનાં નામ હતાં. અંતિમ યાદીમાં આ સંખ્યા વધીને 2,01,00,727 થઈ છે, જે 3.64 ટકાનો વધારો દર્શાવે છે.

અંતિમ યાદીમાં કેટલા પુરુષ અને મહિલા મતદારો?

અંતિમ મતદાર યાદીમાં કુલ 2,01,00,727 મતદારોનો સમાવેશ થાય છે. તેમાં 1,03,76,026 પુરુષ, 97,24,195 મહિલા અને 506 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે.

મતદારોની સુવિધા માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા બાદ મતદાન મથકોની સંખ્યા 24,453થી વધીને 25,332 થઈ છે.

મુખ્ય ચૂંટણી અધિકારીએ અપીલ કરી છે કે અંતિમ મતદાર યાદી જાહેર થયા બાદ પણ કોઈ લાયક વ્યક્તિનું નામ ઉમેરવાનું બાકી રહી ગયું હોય અથવા નવા મતદાર તરીકે નામ નોંધાવવું હોય, તો તે ECIનેટ ઍપ દ્વારા ઑનલાઇન અથવા સંબંધિત BLO પાસે ફોર્મ નંબર 6 ભરીને ઑફલાઇન અરજી કરી શકે છે.