રાહુલ ગાંધીએ 'ભારત જોડો યાત્રા' સંબંધિત આપેલા નિવેદનને લઈને તેમની સામે નોંધાયેલા કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન અરજદાર પક્ષ તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ એડવોકેટ ગૌરવ ભાટિયાએ અદાલત સમક્ષ વિનંતી કરી હતી કે આ સમગ્ર મામલાને પ્રાથમિકતા આપીને વહેલી તકે આ કેસની સુનાવણી કરવામાં આવે. જો કે, ચીફ જસ્ટિસે આ વિનંતી અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે અદાલતની નજરમાં દરેક પક્ષકાર સમાન છે, અને આ મામલે પણ નિર્ધારિત કાનૂની પ્રક્રિયા અનુસાર જ કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે. 

શું હતો સમગ્ર મામલો?

આ સમગ્ર મામલો રાહુલ ગાંધીની એ 'ભારત જોડો યાત્રા' દરમ્યાન ભારતીય સૈન્ય અને ચીની સૈનિકો અંગે આપેલા નિવેદન બદલ પોતાની સામે શરૂ કરવામાં આવેલી ફોજદારી કાર્યવાહીને સુપ્રીમ કોર્ટેમાં પડકારી છે. કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષ તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટિયાએ વિનંતી કરી હતી કે, રાહુલ ગાંધીના આ કેસને પ્રાથમિકતા આપવામાં આવે અને અન્ય મામલાઓથી અલગ રાખી વહેલી તકે સુનાવણી હાથ ધરવામાં આવે.

રાહુલ ગાંધી કોઈ VVIP નથી!

એડવોકેટ ભાટિયાએ કોર્ટને જણાવ્યું હતું કે, આ કેસની સુનાવણી સતત મુલતવી થઇ રહી છે, અને અરજદાર પણ નિયત તારીખો પર ઉપસ્થિત રહેતા નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પાંચ મહિના અગાઉ પણ આ મામલો સુનાવણી કરવા માટેના લીસ્ટમાં આવ્યો હતો, પરંતુ તે સમયે પણ કોઈ કાર્યવાહી થઈ શકી નહોતી. ભાટિયાએ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે રાહુલ ગાંધી કોઈ VVIP નથી, તેથી આ પ્રકરણને અલગ પાડીને તેની સ્વતંત્ર અને વહેલી સુનાવણી હાથ ધરવી જોઈએ.

કોર્ટ સમક્ષ દરેક પક્ષકાર એકસમાન - CJI

સમગ્ર કેસની સુનાવણી કરતા ભારતના મુખ્ય ન્યાયાધીશે (CJI)એ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, કોર્ટ સમક્ષ દરેક પક્ષકાર એકસમાન છે અને નક્કી કરેલી કાનૂની પ્રક્રિયાનું જ પાલન કરવામાં આવશે. CJIએ એડવોકેટ ભાટિયાને ટાંકતા કહ્યું કે, જો તેઓ વહેલી સુનાવણી ઈચ્છતા હોય તો તે માટે નિયમાનુસાર કોર્ટમાં અરજી દાખલ કરે, ત્યારબાદ જ અદાલત તે અંગે યોગ્ય વિચારણા કરશે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે યોગ્ય કાનૂની પ્રક્રિયા અનુસર્યા વિના કોઈપણ કેસને પ્રાથમિકતા આપવામાં આવશે નહીં, પછી ભલે તે પક્ષકાર ગમે તે હોય.