દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની મોટી રેલી બાદ હવે વેપારને લઈને વિવાદ શરૂ થયો છે. રાહુલ ગાંધીએ રેલીમાં આવતા લોકોને દિલ્હી બજારોમાંથી તહેવારોની ખરીદી કરવાની અપીલ કરી હતી, જેથી નાના વેપારીઓને ફાયદો થાય. જોકે, વેપારીઓના સંગઠન CTIએ આ અપીલ સામે સવાલ ઉઠાવ્યા છે.

CTIના ચેરમેન બ્રિજેશ ગોયલના જણાવ્યા અનુસાર, રેલીને કારણે રામલીલા મેદાનથી 5 કિમીના વિસ્તારમાં આવેલી આશરે 3 લાખ દુકાનોમાંથી 2.5 લાખ દુકાનો બંધ રહેવાની શક્યતા છે. જેના કારણે લગભગ 80 ટકા વેપાર પ્રભાવિત થઈ શકે છે.

સંગઠનનો દાવો છે કે દિલ્હીનાં 100 જેટલાં મોટા બજાર સંગઠનોએ અગાઉથી જ રેલીની તારીખ કે સ્થળ બદલવાની માગ કરી હતી. વેપારીઓને આશંકા છે કે રેલીના કારણે દુકાનો ઉપરાંત માલની હેરફેર અને જથ્થાબંધ વેપારને પણ મોટું નુકસાન થઈ શકે છે.

3 લાખમાંથી 2.5 લાખ દુકાનો બંધ રહેવાની આશંકા

CTIના જણાવ્યા અનુસાર, રામલીલા મેદાનથી 5 કિમીના વિસ્તારમાં ચાંદની ચોક, સદર બજાર, કાશ્મીરી ગેટ, મોરી ગેટ, ચાવડી બજાર, ખારી બાવલી, નયા બજાર, અજમેરી ગેટ, દરિયાગંજ, પહાડગંજ, કનોટ પ્લેસ અને કરોલ બાગ સહિત આશરે 3 લાખ દુકાનો આવેલી છે. સંગઠનનો અંદાજ છે કે રેલીના કારણે આમાંથી 2.5 લાખ દુકાનો બંધ રહી શકે છે. પરિણામે લગભગ 80 ટકા વેપાર પ્રભાવિત થવાની આશંકા છે.

10 કિમીના વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ ઠપ થવાની આશંકા

CTIએ માલસામાનની હેરફેરને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. સંગઠરના જણાવ્યા અનુસાર, રામલીલા મેદાનની આસપાસ 10 કિમીના વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પ્રભાવિત થઈ શકે છે. નરેલા, બવાના, ઓખલા, માયાપુરી અને મુંડકા સહિત 56 ઔદ્યોગિક વિસ્તારોમાંથી દરરોજ આશરે 5 હજાર ટ્રક અને ટેમ્પો બજારોમાં માલ પહોંચાડે છે.

જ્યારે અન્ય 3 હજાર વાહનો દિલ્હીથી NCR અને બીજા રાજ્યોમાં માલ લઈ જાય છે. રેલીના કારણે લોડિંગ-અનલોડિંગ ખોરવાતાં તહેવારોનો માલ ગોડાઉનમાં જ અટવાઈ શકે છે.

બહારના શહેરોના ગ્રાહકોને પણ મુશ્કેલી

CTIના જણાવ્યા અનુસાર, સોનીપત, પાણીપત, ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ, નોઇડા અને મેરઠ જેવા શહેરોમાંથી દરરોજ 3થી 4 લાખ ગ્રાહકો ખરીદી માટે દિલ્હી આવે છે. ટ્રાફિક જામ અને રેલીની આશંકાને કારણે ગ્રાહકો બજારોની સ્થિતિ અંગે પૂછપરછ કરી રહ્યા છે. સંગઠનને ડર છે કે મોટી સંખ્યામાં ગ્રાહકો દિલ્હી આવવાનું ટાળી શકે છે.

દિવાળીના રૂ.12 હજાર કરોડના વેપાર પર જોખમ

CTIના જણાવ્યા અનુસાર, 6 નવેમ્બરે ધનતેરસ અને 8 નવેમ્બરે દિવાળી છે. 1 નવેમ્બર બજારોમાં ખરીદીની તૈયારીઓ માટે મહત્ત્વનો દિવસ છે. સંગઠનનો દાવો છે કે આશરે 20 બજારોમાં દરરોજ ₹10થી 12 હજાર કરોડનો વેપાર થાય છે. વેપારને અસર થવાથી 20 લાખ વેપારીઓ અને આશરે 75 લાખ લોકોની રોજીરોટી પર અસર પડી શકે છે.

'અમે રેલીના વિરોધી નથી'

CTIએ સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ રાજકીય રેલીના વિરોધમાં નથી, પરંતુ તેના કારણે વેપારીઓની રોજીરોટીને નુકસાન ન થવું જોઈએ. ચેરમેન બ્રિજેશ ગોયલે રાહુલ ગાંધીની ખરીદી કરવાની અપીલ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે જો દુકાનો બંધ રહેશે અને ટ્રાન્સપોર્ટ ઠપ રહેશે તો રેલીમાં આવતા લોકો ખરીદી ક્યાંથી કરશે? સંગઠને ફરી એકવાર રસ્તા ખુલ્લા રાખવા અને બજારોનો વેપાર સુરક્ષિત રાખવાની માગ કરી છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d