કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિયેતનામ ગયા હોવાની ચર્ચા વચ્ચે ભાજપ સતત તેમના પર નિશાન સાધી રહી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી છે. કોંગ્રેસે આ મુલાકાતનું સ્થળ પણ જાહેર કર્યું છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે, 21 ઑક્ટોબરે વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે ભાજપે દાવો કર્યો છે કે રાહુલ ગાંધી વિયેતનામ ગયા છે. કોંગ્રેસે મુલાકાતની તસવીર વહેંચીને જણાવ્યું હતું કે, “વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નવી દિલ્હીમાં ‘વિઝન IAS’ કોચિંગ સંસ્થાના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી.”

https://x.com/INCIndia/status/2112748207646077352?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2112748207646077352%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓએ સંસ્થામાં ભણાવવાની ગુણવત્તા, માર્ગદર્શન અને અભ્યાસસામગ્રીમાં થયેલા મોટા ઘટાડા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ફી પરત કરવાની તેમની માગણી અંગે સંચાલકો તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.”

SIR મુદ્દે ભાજપ પર સતત પ્રહાર કરી રહ્યા છે રાહુલ ગાંધી

મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા (SIR) અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે સતત અવાજ ઉઠાવી રહેલા રાહુલ ગાંધી છેલ્લા કેટલાક દિવસોથી રસ્તા પર ઉતરીને વિરોધ કરતા જોવા મળ્યા છે. તાજેતરમાં તેમણે દિલ્હીમાં યોજાયેલી અનેક પદયાત્રાઓમાં ભાગ લીધો હતો. 18 ઑક્ટોબરે તેઓ ગોવામાં પક્ષના કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન પણ તેમણે SIRના મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા હતા.

આ દરમિયાન ભાજપે 19 ઑક્ટોબરે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.  તેમાં રાહુલ ગાંધી વિમાનમાં બેઠા હોવાનો દાવો કરીને ભાજપે કટાક્ષ કર્યો હતો કે, “જૂઠ ફેલાવતાં ફેલાવતાં થાકી ગયો...હવે થોડા દિવસ વિયેતનામ ફરી આવું... કોઈને ખબર પણ શું પડશે!”

https://x.com/BJP4India/status/2112235641690091585?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2112235641690091585%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

રાહુલ ગાંધી અંગે શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે આપેલા નિવેદનને લઈને ભાજપે સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવ્યા હતા. ભાજપે લખ્યું હતું કે, “રાહુલ ગાંધી વિયેતનામમાં કોને મળવાના છે? દેશની સરહદોની બહાર એવી કઈ યોજના ઘડાઈ રહી છે? તેમના ભારત પાછા ફર્યા પછી એવું શું બદલાઈ જશે? આખરે શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉત આવાં નિવેદનો શા માટે આપી રહ્યા છે? દેશની જનતા આ સવાલોના જવાબ જાણવા માગે છે. નવું ભારત જાગૃત છે, સાવચેત છે અને દેશહિત પ્રત્યે પ્રતિબદ્ધ છે.”

ભાજપના નેતા રવનીત બિટ્ટુએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી પોતાના કેટલાક મિત્રો સાથે વિદેશમાં મોજમસ્તી કરી રહ્યા છે. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી વિદેશમાં રજાઓ ગાળવા ગયા છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે રાહુલ ગાંધી કોને મળવા ગયા છે તે જાહેર કરે.

કોંગ્રેસે ભાજપના આરોપોનો આપ્યો જવાબ

ભાજપના આક્ષેપો સામે કોંગ્રેસે પણ વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો ઇન્ડિયા ગેટ પર બેઠા છે. વડાપ્રધાન ક્યાં-ક્યાં ફરે છે, તેના પર કોઈ સવાલ નહીં ઉઠાવે?

બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગત રોયે એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રાહુલ ગાંધી ચાર દિવસ માટે વિયેતનામ ગયા છે. તેઓ વિપક્ષના નેતા તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. તેમાં ભાજપને શું ચિંતા છે?