તહેવારોની સિઝન નજીક આવતાની સાથે જ દેશભરના રેલવે કર્મચારીઓ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ખુશામતભર્યા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે રેલવે કર્મચારીઓના વાર્ષિક બોનસની રકમમાં તીવ્ર વધારો થવાની સંભાવના છે. કર્મચારી સંગઠનો દ્વારા બોનસની રકમ ₹17,951 થી વધારીને ₹53,855 કરવાની સત્તાવાર દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેને લઈને આગામી 21 સપ્ટેમ્બરે મોટી તૈયારીઓ ચાલી રહી છે.

બોનસ વધારવા પાછળનું મુખ્ય કારણ

છેલ્લા 10 વર્ષોથી રેલવે કર્મચારીઓને ઉત્પાદકતા સાથે જોડાયેલ બોનસ (PLB) ની ગણતરી માટે લઘુત્તમ વેતન ₹7,000 માનવામાં આવતું હતું, જેના આધારે દર વર્ષે આશરે ₹17,951 ચૂકવવામાં આવતા હતા. પરંતુ હવે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 25 ઓગસ્ટના રોજ જારી કરાયેલા ગેઝેટ નોટિફિકેશન મુજબ લઘુત્તમ વેતનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

પૂર્વ મધ્ય રેલવે કર્મચારી સંઘ (ECREU) અને ભારતીય રેલવે કર્મચારી ફેડરેશન (IREF) નું માનવું છે કે જ્યારે સરકારે નવું લઘુત્તમ વેતન ₹21,000 નક્કી કર્યું છે, ત્યારે કર્મચારીઓના બોનસની ગણતરી પણ આ નવા વેતનના આધારે જ થવી જોઈએ. જો આ નિયમ લાગુ થાય તો કર્મચારીઓનું બોનસ ત્રણ ગણું વધીને સીધું ₹53,855 સુધી પહોંચી શકે છે.

કર્મચારી સંઘોની સરકારને ચીમકી

આ મામલે ECREU દ્વારા કેન્દ્ર સરકાર અને કેબિનેટ સચિવને પત્ર લખીને ગણતરીની સ્પષ્ટતા સાથે માંગણી મૂકવામાં આવી છે. જો સરકાર દ્વારા આ અંગે સંતોષકારક પગલાં લેવામાં નહીં આવે, તો આગામી 21 સપ્ટેમ્બરે સંગઠનો દ્વારા ઉગ્ર રજૂઆતો અને વિરોધની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દુર્ગા પૂજા અને દિવાળી જેવા મોટા તહેવારો પહેલા રેલવે કર્મચારીઓની આ માંગણી સ્વીકારાય છે કે નહીં, તે તરફ અત્યારે સમગ્ર દેશના લાખો કર્મચારીઓની નજર ટકેલી છે.

આ પણ વાંચોઃ NEET Paper Leak: જામીન મળ્યા બાદ તિહાર જેલ બહાર હાઈ-વોલ્ટેજ ડ્રામા, મીડિયાથી બચીને ભાગ્યા સ્વતંત્ર ભારદ્વાજ!