કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં આજે રેલ ભવન ખાતે રેલવેની સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ અને વિસ્તૃત સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રેલવે બોર્ડના અધ્યક્ષ તથા CEO, બોર્ડના સભ્યો, વિવિધ ઝોનના મહાપ્રબંધકો, મહાનિર્દેશકો અને ડિવિઝનલ રેલવે મેનેજર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

અધિકારીઓને આ સ્પષ્ટ સૂચના આપી

બેઠક દરમિયાન રેલવેની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. રેલમંત્રીએ સિગ્નલિંગ સિસ્ટમમાં રહેલી ટેકનિકલ ખામીઓને મિશન મોડમાં દૂર કરવા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી. તેમણે સુરક્ષાને લગતા તમામ કામમાં બેદરકારી ન રાખવા અને સમયબદ્ધ રીતે કામગીરી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. ઓવરહેડ ઈક્વિપમેન્ટના જે કમ્પોનન્ટ્સની સેવા અવધિ પૂર્ણ થઈ ગઈ છે, તેમના યોગ્ય જાળવણી અને જરૂરી હોય ત્યાં તાત્કાલિક બદલવાની કાર્યવાહી કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.

કોચના કપલર તેમજ વ્હીલ્સની યોગ્ય જાળવણી પર પણ ભાર મૂકાયો

આ ઉપરાંત કોચના મેન્ટેનન્સ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને ફાયર સેફ્ટી સાથે સંકળાયેલા ઈલેક્ટ્રિકલ સર્કિટ અને વાયરિંગની તપાસ તથા જાળવણી સુનિશ્ચિત કરવા રેલવે અધિકારીઓને કહેવામાં આવ્યું છે. વૈગન અને કોચના કપલર તેમજ વ્હીલ્સની યોગ્ય જાળવણી પર પણ ભાર મૂકાયો હતો. ટ્રેક સુરક્ષાને લઈને પોઈન્ટ મશીન, ટર્નઆઉટ અને ફાસ્ટનરના યોગ્ય મેન્ટેનન્સ માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ટ્રેક પર કોઈ ફાસ્ટનર ગાયબ હોય તો તેને તાત્કાલિક લગાવવા પણ જણાવાયું હતું.

બેદરકારી દાખવનારા સપ્લાયરો સામે કડક કાર્યવાહી

રેલવેને સપ્લાય કરવામાં આવતા સાધનોની ગુણવત્તા અંગે પણ રેલવે મંત્રીએ કડક વલણ અપનાવ્યું હતું. નબળી ગુણવત્તાના પ્રોડક્ટ સપ્લાય કરનારા અને જાણીજોઈને બેદરકારી દાખવનારા સપ્લાયરો સામે કડક કાર્યવાહી કરીને જરૂર પડે તો તેમને બ્લેકલિસ્ટ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. આગામી તહેવારો અને મેળાઓ દરમિયાન જ્યાં મોટી સંખ્યામાં મુસાફરો એકત્રિત થવાની શક્યતા હોય ત્યાં જિલ્લા અને રાજ્ય વહીવટી તંત્ર સાથે સંકલન કરીને અગાઉથી સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપનની તૈયારીઓ કરવા પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : Chennai: સાયોની ઘોષ મળ્યા CM થલાપતિ વિજયને, તસવીરો શેર કરીને કહી ખાસ વાત